તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Thursday, 19th November 2026
આઈડીબીઆઈ બેંકનો હિસ્સો વિદેશી કંપની ફેરફેક્સને વેચવાના વિરોધમાં ૩ ડિસેમ્બરે દેશવ્યાપી બેંક હડતાળનું એલાન : ગુજરાતના બેંક કર્મચારી યુનિયનો પણ આંદોલનમાં જોડાશે
દેશભરના આશરે ૨.૫ લાખ બેંક કર્મચારીઓ અને અધિકારીઓ હડતાળમાં સામેલ થશે : કેન્દ્ર સરકાર અને એલઆઈસીના કુલ ૬૦.૭૨ ટકા હિસ્સાનું આશરે ૫૩,૦૬૦ કરોડ રૂપિયામાં વેચાણ કરવાના નિર્ણય સામે ઉગ્ર વિરોધ : કોંગ્રેસે સમગ્ર સોદાની સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસ કરવાની માંગ ઉઠાવી

નવી દિલ્હી: કેનેડા સ્થિત ફેરફેક્સ ફાઈનાન્સિયલ હોલ્ડિંગ્સને આઈડીબીઆઈ (IDBI) બેંકનો બહુમતી હિસ્સો વેચવાના પ્રસ્તાવ સામે વિરોધનો વંટોળ વધુ તેજ બન્યો છે. જાહેર ક્ષેત્રની બેંકોના ત્રણ મુખ્ય કર્મચારી અને અધિકારી સંગઠનોએ આ પ્રસ્તાવિત વેચાણના વિરોધમાં આગામી ૩ ડિસેમ્બર, ૨૦૨૬ના રોજ એક દિવસીય દેશવ્યાપી હડતાળનું એલાન આપ્યું છે. આ રાષ્ટ્રવ્યાપી આંદોલનમાં ગુજરાતના બેંક યુનિયનોના કર્મચારીઓ અને અધિકારીઓ પણ સક્રિયપણે જોડાશે, જેના કારણે રાજ્ય સહિત સમગ્ર દેશમાં બેંકિંગ કામકાજ પ્રભાવિત થવાની શક્યતા છે.
ત્રણ મુખ્ય બેંક યુનિયનોનું સંયુક્ત એલાન:
ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA), ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશન (AIBOA) અને બેંક એમ્પ્લોઈઝ ફેડરેશન ઓફ ઈન્ડિયા (BEFI) ના આશરે ૨.૫ લાખ કર્મચારીઓ અને અધિકારીઓએ ગુરુવારે સંયુક્ત નિવેદન જારી કરીને ૩ ડિસેમ્બરે હડતાળ પર જવાની જાહેરાત કરી છે. આ એલાન યુનાઈટેડ ફોરમ ઓફ આઈડીબીઆઈ ઓફિસર્સ એન્ડ એમ્પ્લોઈઝ (UFIOE) — જેમાં ઓલ ઈન્ડિયા આઈડીબીઆઈ ઓફિસર્સ એસોસિએશન (AIIDBIOA) અને ઓલ ઈન્ડિયા ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIIDBEA) સામેલ છે — દ્વારા અપાયેલા હડતાળના સમર્થનમાં કરવામાં આવ્યું છે. અગાઉ ૨ અને ૩ નવેમ્બરના રોજ પણ આઈડીબીઆઈ બેંકના કર્મચારીઓએ બે દિવસની હડતાળ પાડી હતી.
કર્મચારી સંગઠનોની મુખ્ય દલીલો:
બેંક યુનિયનોએ આઈડીબીઆઈ બેંકને આશરે ૩.૫ લાખ કરોડ રૂપિયાની થાપણો અને ૨.૫ લાખ કરોડ રૂપિયાની લોન-ધિરાણ ધરાવતી નફાકારક સંસ્થા ગણાવીને જણાવ્યું છે કે, વિદેશી રોકાણકારને આ બેંક વેચવાનો નિર્ણય સંપૂર્ણપણે અયોગ્ય છે અને તેનાથી એક ભારતીય બેંક વિદેશી માલિકીની સંસ્થા બની જશે. સંગઠનોએ વધુમાં જણાવ્યું હતું કે જાહેર ક્ષેત્રની બેંકો સામાન્ય જનતાની બચતને સુરક્ષા પૂરી પાડે છે, જ્યારે ભૂતકાળમાં ગેરવહીવટના કારણે ખાનગી બેંકો નિષ્ફળ જતા જાહેર ક્ષેત્રની બેંકોએ જ તેમને ઉગારી છે. બેંકોનું ખાનગીકરણ કરવાને બદલે ખાનગી બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવાની માંગ કરતા યુનિયનોએ કહ્યું કે બેંક થાપણો જનતાની મૂલ્યવાન બચત છે અને તેને ખાનગી હાથોમાં સોંપવી યોગ્ય નથી.
સોદાની નાણાકીય વિગતો અને રાજકીય વિવાદ:
હાલમાં આઈડીબીઆઈ બેંકમાં સરકાર અને ભારતીય જીવન વીમા નિગમ (LIC) નો સંયુક્ત હિસ્સો આશરે ૯૪ ટકા છે. કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સ દ્વારા ૧૪ ઓક્ટોબરના રોજ ફેરફેક્સને હિસ્સો વેચવાની મંજૂરી આપવામાં આવી હતી. આ સોદા અંતર્ગત કેનેડિયન અબજોપતિ પ્રેમભાઈ વત્સાની આગેવાની હેઠળની ફેરફેક્સ કંપની સરકારનો ૩૦.૪૮ ટકા હિસ્સો આશરે ૨૬,૬૨૦ કરોડ રૂપિયામાં અને એલઆઈસીનો ૩૦.૨૪ ટકા હિસ્સો આશરે ૨૬,૪૪૦ કરોડ રૂપિયામાં ખરીદશે. બે સ્વતંત્ર મૂલ્યાંકન એજન્સીઓ દ્વારા નક્કી કરાયેલા શેર દીઠ ૭૫.૯૯ રૂપિયાના વાજબી મૂલ્ય સામે ફેરફેક્સ પ્રતિ શેર ૮૧ રૂપિયા ચૂકવશે. ભારતીય રિઝર્વ બેંક (RBI) ની નિયમનકારી મંજૂરીને આધીન આ વ્યવહાર ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.
બીજી તરફ, કોંગ્રેસે પણ આ ડિસઇન્વેસ્ટમેન્ટ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસના મહાસચિવ જયરામભાઈ રમેશે આ સોદાને કૌભાંડ ગણાવીને આક્ષેપ કર્યો હતો કે એક વિદેશી કંપની બેંકના જ ભંડોળનો ઉપયોગ કરીને સરકાર પાસેથી આઈડીબીઆઈ બેંક ખરીદી રહી છે. કોંગ્રેસે આ વેચાણ પ્રક્રિયા તાત્કાલિક અટકાવવાની અને સમગ્ર મામલાની તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC) ની રચના કરવાની માંગ કરી છે.
(11:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
