News of Thursday, 30th April 2026
ઉત્તરાખંડમાં કુદરતનો પ્રકોપ: આગામી 3 કલાક માટે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર, દેહરાદૂન સહિત 11 જિલ્લાઓમાં મુશળધાર વરસાદ અને કરા પડવાની આગાહી
બદ્રીનાથ-કેદારનાથ સહિતના યાત્રાધામોમાં વાતાવરણ પલટાયું; 50 કિમીની ઝડપે ફૂંકાશે તેજ પવન, વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને સુરક્ષિત સ્થળે રહેવા તાકીદ

દેહરાદૂન:દેવભૂમિ ઉત્તરાખંડમાં ફરી એકવાર હવામાન રોદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યમાં આગામી 3 કલાક માટે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. રાજધાની દેહરાદૂન સહિત 11 જિલ્લાઓમાં આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા છે, જેના કારણે દિવસે પણ અંધારપટ જેવો માહોલ સર્જાયો છે.
પ્રવાસન અને ધાર્મિક સ્થળો પર જોખમ: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેહરાદૂન, મસૂરી, ચકરાતા તેમજ સુપ્રસિદ્ધ યાત્રાધામો કેદારનાથ અને બદ્રીનાથમાં ભારે વરસાદની સાથે કરા પડવાની પ્રબળ શક્યતા છે. પહાડી વિસ્તારોમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની અને વીજળી પડવાની ચેતવણી પણ આપવામાં આવી છે. આ પલટાયેલા હવામાનને કારણે ગઢવાલ અને કુમાઉ પ્રદેશમાં તાપમાનનો પારો ગગડ્યો છે અને ઠંડીમાં વધારો થયો છે.
વહીવટી તંત્રએ પહાડી રસ્તાઓ પર મુસાફરી કરી રહેલા પ્રવાસીઓ અને ચારધામ યાત્રાએ આવેલા શ્રદ્ધાળુઓને સાવધ રહેવા અપીલ કરી છે. તેજ તોફાન દરમિયાન ઝાડ અથવા વીજળીના થાંભલા નીચે આશરો ન લેવા અને ભૂસ્ખલનની શક્યતાવાળા વિસ્તારોથી દૂર રહેવા જણાવાયું છે. પહાડી રસ્તાઓ પર વિઝિબિલિટી ઓછી હોવાને કારણે વાહન ચલાવતી વખતે પણ તકેદારી રાખવી જરૂરી છે.
હવામાન નિષ્ણાતોના મતે, ઉત્તરાખંડમાં આગામી 5 દિવસ સુધી હવામાન આવું જ રહેવાનું અનુમાન છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વારંવાર વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે. અત્યારે દેહરાદૂનમાં તેજ પવન સાથે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, જેને પગલે સ્થાનિક પ્રશાસને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમોને એલર્ટ મોડ પર મૂકી દીધી છે.
(9:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
