News of Friday, 26th June 2026
પશ્ચિમ યુરોપમાં કુદરતનો પ્રકોપ: આબોહવા સંકટના કારણે ઇતિહાસની સૌથી ભયાનક ગરમીની લહેર, વૈજ્ઞાનિકોએ આપી વિનાશની ચેતવણી!
વાતાવરણમાં કાર્બન પ્રદૂષણના કારણે તાપમાન સુપરચાર્જ્ડ થયું: અડધાથી વધુ શહેરો 'હીટ ડોમ'ની ઝપેટમાં, બ્રિટન-ફ્રાન્સ સહિત સમગ્ર ખંડમાં તબીબી કટોકટી અને મુસાફરી રદ

લંડન, તા.26: ગ્લોબલ વોર્મિંગ અને અશ્મિભૂત ઇંધણ (કોલસો, તેલ અને ગેસ) ના બેફામ વપરાશના કારણે પશ્ચિમ યુરોપ હાલમાં ઇતિહાસના સૌથી ભયાનક અને જીવલેણ ગરમીના મોજા (Heatewave) નો સામનો કરી રહ્યું છે. અગ્રણી પર્યાવરણ વૈજ્ઞાનિકોના મતે, આબોહવા પરિવર્તન (Climate Change) ના માનવસર્જિત સંકટ વિના જૂન મહિનામાં આવી અસહ્ય અને વ્યાપક ગરમી પડવી તદ્દન અશક્ય હતી. યુરોપના 850 સૌથી મોટા શહેરોમાંથી લગભગ અડધા શહેરો હાલમાં ઇતિહાસના સૌથી ખરાબ 'હીટ સ્ટ્રેસ' (તાપમાન અને અતિશય ભેજનું જોખમી મિશ્રણ) નો સામનો કરી રહ્યા છે, જેના કારણે માનવ શરીર માટે પરસેવો વહાવીને કુદરતી રીતે ઠંડુ થવું પણ મુશ્કેલ બન્યું છે.
બ્રિટનમાં જૂન મહિનાનું રેકોર્ડબ્રેક તાપમાન
આ વિશ્લેષણ એવા સમયે આવ્યું છે જ્યારે યુકે (UK) ના સમરસેટમાં ગુરુવારે જૂન મહિનાનું અત્યાર સુધીનું સૌથી ગરમ તાપમાન 36.7°C નોંધાયું છે. અસહ્ય ગરમીના કારણે સમગ્ર પશ્ચિમ યુરોપમાં મેડિકલ ઇમરજન્સીના કેસોમાં તીવ્ર ઉછાળો આવ્યો છે અને કેટલાક લોકોના મોતના પણ અહેવાલ છે. ખંડના ઘણા ભાગોમાં શાળાઓ બંધ કરી દેવાઈ છે, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે અને રેલ તથા હવાઈ મુસાફરી મોટા પાયે રદ કરવાની ફરજ પડી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2022 ના ઉનાળામાં યુરોપમાં ગરમીના કારણે 60,000 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા, અને વર્તમાન સ્થિતિ તેનાથી પણ વધુ ગંભીર હોવાની આશંકા છે.
ડૉ. થિયોડોર કીપિંગ (WWA કન્સોર્ટિયમ) નું આંચકાજનક વિશ્લેષણ:
"યુરોપના આટલા મોટા પ્રદેશને એકસાથે લપેટામાં લેનારી આ અત્યાર સુધીની સૌથી તીવ્ર ગરમીની લહેર છે. છેલ્લા 50 વર્ષમાં પૃથ્વીનું તાપમાન 1.1°C વધ્યું છે, જેના કારણે રાત્રિના સમયે અસહ્ય ઉકળાટ થવાની સંભાવના 2003 ના વર્ષ કરતાં આજે 100 ગણી વધી ગઈ છે. જો આ જ ગતિએ વાતાવરણ બગડતું રહ્યું, તો ભવિષ્યમાં આજના ઉનાળા ભૂતકાળની સરખામણીએ 'ઠંડા' લાગશે. તાત્કાલિક પગલાં વિના માનવજાત માટે ટકી રહેવું મુશ્કેલ બનશે."
સહારાની ગરમ હવા અને 'હીટ ડોમ' ની વિષચક્ર અસરો
'વર્લ્ડ વેધર એટ્રિબ્યુશન' (WWA) ના વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે, સહારાના રણમાંથી આવતી ગરમ હવા અને યુરોપની ઉપર સર્જાયેલી હાઈ-પ્રેશર સિસ્ટમના કારણે આખો વિસ્તાર એક 'હીટ ડોમ' (ગરમીના કિલ્લા) માં ફેરવાઈ ગયો છે. આ સંશોધનમાં પેસિફિક મહાસાગરની 'અલ નીનો' અસરોને નકારી કાઢવામાં આવી છે અને સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ આપત્તિ માત્ર ને માત્ર માનવસર્જિત પ્રદૂષણનું જ પરિણામ છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) ના આબોહવા વડા સિમોન સ્ટીલે પણ ચેતવણી આપી છે કે જો વિશ્વ સ્વચ્છ અને સસ્તી ઊર્જા (ગ્રીન એનર્જી) તરફ ઝડપથી નહીં વળે, તો કુદરતનો આ પ્રકોપ અટકાવવો અશક્ય બની જશે. યુકે સરકારના સત્તાવાર સલાહકારોએ પણ સ્વીકાર્યું છે કે દેશનું વર્તમાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બદલાયેલા વાતાવરણનો સામનો કરવા માટે સક્ષમ નથી.
(5:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
