News of Thursday, 5th November 2026
દિવાળી પર અવાજ અને વાયુ પ્રદૂષણ નિયંત્રણ માટે નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશેષ માર્ગદર્શિકા જાહેર
ઉલ્લંઘનની ફરિયાદો નોંધાવવા માટે આઠ વોર્ડ-વાર હેલ્પલાઇન નંબરો અને ઈમેલ આઈડી શરૂ, ફટાકડા ફોડવા માટે સમય મર્યાદા નક્કી

નવી મુંબઈ : દિવાળીના પર્વ દરમિયાન અવાજ અને વાયુ પ્રદૂષણની વધતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (NMMC) દ્વારા નાગરિકો માટે ફટાકડા અને પર્યાવરણીય પ્રદૂષણ સંબંધિત નિયમોના પાલન માટે ખાસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે અને ૮ વોર્ડ-વાર હેલ્પલાઇન નંબરો શરૂ કરવામાં આવ્યા છે.
આ કડક પગલું બોમ્બે હાઈકોર્ટના તાજેતરના નિર્દેશોને અનુસરીને લેવામાં આવ્યું છે, જેમાં તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને પોલીસ વિભાગોને પ્રદૂષણ સંબંધિત ફરિયાદો સ્વીકારવા માટે સમર્પિત ટેલિફોન નંબરો અને ઈમેલ આઈડી શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો જેથી પ્રદૂષણમુક્ત દિવાળી સુનિશ્ચિત થઈ શકે.
કોર્ટના નિર્દેશો મુજબ નાગરિકો માત્ર સાંજે ૭ થી રાત્રે ૧૦ વાગ્યાની વચ્ચે જ ફટાકડા ફોડી શકશે, જ્યારે ૧૨૫ ડેસિબલથી વધુ અવાજ ઉત્પન્ન કરતા તેમજ બેરિયમ ક્ષાર અને ભારે ધાતુઓ ધરાવતા હાનિકારક અને પ્રતિબંધિત ફટાકડાના વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
પ્રદૂષણની ગંભીરતાને દર્શાવતા તંત્રએ જણાવ્યું હતું કે તહેવારો દરમિયાન હવાનો ગુણવત્તા સૂચકાંક (AQI) વધીને ૨૧૨ સુધી પહોંચી જાય છે, જેનાથી શ્વસન સંબંધી ગંભીર સ્વાસ્થ્ય જોખમો ઊભા થાય છે, અને તેથી જ પ્રશાસન દ્વારા પર્યાવરણને અનુકૂળ દિવાળી ઉજવવા તથા માટીના દીવાઓનો ઉપયોગ કરવા વિશેષ અપીલ કરાઈ છે.
નાગરિકો પોતાની ફરિયાદો સરળતાથી નોંધી શકે તે માટે બેલાપુર, નેરુલ, વાશી, તુર્ભે, કોપરખૈરણે, ઘણસોલી, ઐરોલી અને દિઘા સહિતના તમામ વોર્ડ માટે અલગ-અલગ હેલ્પલાઇન નંબરોની સાથે ટોલ-ફ્રી નંબરો (૧૮૦૦૨૨૨૩૦૯ / ૧૮૦૦૨૨૨૩૧૦) પણ કાર્યરત કરવામાં આવ્યા છે.
આગામી સમયમાં નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેથી શહેરમાં પર્યાવરણની સુરક્ષા અને જાહેર આરોગ્ય જળવાઈ રહે.
(8:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
