<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

નીટ પેપર લીક વિવાદ અને દેશવ્યાપી વિરોધ પ્રદર્શન વચ્ચે કેન્દ્ર સરકારની લાલ આંખ : NTAના ૪૭ અધિકારીઓ બરતરફ, કાનૂની કાર્યવાહી શરૂ કરાશે

ઉચ્ચ શિક્ષણ સચિવ બદલાયા, નરેશ પાલ ગંગવાર નવા સચિવ નિમાયા : કેબિનેટે પેપર લીક વિરોધી બિલના ડ્રાફ્ટને આપી મંજૂરી : ૧૦ કરોડ સુધીનો દંડ અને ૧૦ વર્ષની જેલની કડક જોગવાઈ

નવી દિલ્હી : નીટ (NEET) પરીક્ષાના પેપર લીક મામલે દેશભરમાં વિદ્યાર્થીઓ અને યુવાનોના ભારે આક્રોશ તેમજ દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહેલા આંદોલન વચ્ચે કેન્દ્ર સરકારે અભૂતપૂર્વ અને કડક નિર્ણયો લીધા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ આ ગંભીર ગેરરીતિમાં સંડોવાયેલા પોતાના ૪૭ અધિકારીઓને તાત્કાલિક અસરથી નોકરીમાંથી બરતરફ (ડિસમિસ) કરી દીધા છે. આ ઉપરાંત, વિવિધ રિપોર્ટ્સના આધારે આરોપસર ઘેરાયેલા અધિકારીઓ વિરુદ્ધ કાનૂની ગુનો નોંધીને કાયદાકીય કાર્યવાહી કરવાનો પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

 

 ઉચ્ચ શિક્ષણ વિભાગમાં મોટો ફેરબદલ: ૧૭ IAS અધિકારીઓની બદલી:

પેપર લીકના મામલે વ્યાપક રોષને ધ્યાને રાખીને કેન્દ્ર સરકારે અગાઉ જ મોટી પ્રશાસનિક ફેરબદલ કરી હતી. જેમાં ૧૭ વરિષ્ઠ IAS અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. આ ફેરબદલ હેઠળ ઉચ્ચ શિક્ષણ વિભાગના તત્કાલીન સચિવને તેમના હોદ્દા પરથી હટાવી દેવામાં આવ્યા છે અને તેમના સ્થાને ૧૯૯૪ કેડરના વરિષ્ઠ IAS અધિકારી નરેશ પાલ ગંગવારને નવા ઉચ્ચ શિક્ષણ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

 

 કેન્દ્રીય કેબિનેટે પેપર લીક વિરોધી નવા બિલના ડ્રાફ્ટને આપી લીલી ઝંડી:

વડાપ્રધાન દ્વારા જાહેર કરવામાં આવેલા સંદેશ બાદ યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં પેપર માફિયા અને ગેરરીતિઓ પર લગામ કસવા માટે એક અત્યંત કડક બિલના ડ્રાફ્ટને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રસ્તાવિત કાયદામાં પેપર લીકના આરોપીઓ સામે ભારે દંડ અને લાંબી જેલની જોગવાઈઓ કરવામાં આવી છે:

  દંડની જોગવાઈ: દોષિતો પર મહત્તમ ૧૦ કરોડ રૂપિયા સુધીનો ભારે દંડ ફટકારવામાં આવશે.

  જેલની સજા: ગુનાની ગંભીરતા મુજબ ઓછામાં ઓછી ૫ વર્ષથી લઈને વધુમાં વધુ ૧૦ વર્ષ સુધીની કડક જેલસજા થશે.

 

વર્તમાન ભારતીય કાયદા અનુસાર સામાન્ય પેપર લીકના કેસમાં માત્ર ૩ થી ૫ વર્ષની સજાની જોગવાઈ છે, જ્યારે સંગઠિત પેપર લીક નેટવર્ક કે છેતરપિંડીના કિસ્સામાં ૧૦ વર્ષની જેલ અને ૧ કરોડના દંડની જોગવાઈ છે. છતાં આવી ઘટનાઓ સામે આવતી હોવાથી કેન્દ્ર સરકારે કાયદાને વધુ કડક અને બિન-જામીનપાત્ર બનાવવાની દિશામાં મોટું પગલું ભર્યું છે.

(9:07 PM IST)