News of Monday, 18th May 2026
નીટ પેપર લીકઃ ખાન સરનો આક્રોશઃ આ માત્ર કૌભાંડ નહીં, દેશના ભવિષ્ય પર આતંકવાદી હુમલો!
પેપર લીકથી હજારો દીકરીઓના સપના તૂટી ગયા છે અને ડોક્ટર બનવાના બદલે રસોડામાં જીવન પસાર કરવાની ફરજ પડશે : ૨૪ લાખ વિદ્યાર્થીઓના સપનાઓના હત્યારાઓને જાહેરમાં ફાંસી આપો'': NTA, CBI અને સરકાર સામે ખુલ્લો આક્રોશ : પટનાના લોકપ્રિય શિક્ષક ખાન સરે નીટ પેપર લીક મુદ્દે આપેલા ધગધગતા ઈન્ટરવ્યૂમાં દેશની પરીક્ષા વ્યવસ્થાને ‘‘બગડેલી સિસ્ટમ્સ'' ગણાવીઃ ગરીબ વિદ્યાર્થીઓના દુઃખ, પેપર માફિયાની કમાણી અને સરકારની નિષ્ફળતા અંગે કર્યા ચોંકાવનારા ખુલાસા

પટના,તા.૧૮: દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટના પેપર લીક મુદ્દે પટનાના જાણીતા શિક્ષક ખાન સરે અત્યંત આક્રોશભર્યો અને ભાવુક ઈન્ટરવ્યૂ આપીને સમગ્ર દેશમાં ચર્ચા જગાવી છે. તેમણે એનટીએ ને ‘‘નેવર ટ્રસ્ટેબલ એજન્સી'' ગણાવી, સીબીઆઈ ની કામગીરીને નિષ્ફળ કહી અને પેપર લીકને આતંકવાદ કરતાં પણ મોટો ગુનો ગણાવ્યો. ગરીબ વિદ્યાર્થીઓ અને માતા-પિતાના ત્યાગની વાત કરતા તેઓ ભાવુક થઈ ગયા હતા. સાથે જ તેમણે પરીક્ષા પ્રણાલીમાં મોટા સુધારા, પીએમઓ ની સીધી દેખરેખ અને કડક કાયદાની માંગ કરી છે.
ખાન સરે દેશની પરીક્ષા વ્યવસ્થા સામે કડક શબ્દોમાં હુમલો કર્યો છે. તેમના જણાવ્યા મુજબ એનટીએ જેવી એજન્સી ૨૪ લાખ વિદ્યાર્થીઓની જવાબદારી સંભાળવા લાયક જ નથી. ‘‘ટ્રકનો સામાન ટેમ્પોમાં ભરવાની જીદ'' જેવી ઉપમા આપીને તેમણે આખી વ્યવસ્થાની મજાક ઉડાવી હતી.
ખાન સરે કેન્દ્રના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પર પણ સીધો પ્રહાર કરતા કહ્યું કે શિક્ષણ ક્ષેત્ર ચલાવવા માટે એવા લોકો જોઈએ જેઓ મેદાનની હકીકતો સમજે. માત્ર રાજકીય નિયુક્તિથી શિક્ષણ વ્યવસ્થા સુધરવાની નથી. તેમણે કટાક્ષ કર્યો કે જો કૃષિ વિશે જાણ ન હોય તો ખેતરની બીમારી ઓળખી શકાય નહીં, તેવી જ રીતે શિક્ષણ ક્ષેત્રમાં પણ નિષ્ણાતોની જરૂર છે.
પેપર લીકને તેમણે ‘‘આતંકવાદથી પણ મોટો ગુનો'' ગણાવ્યો. તેમના મત મુજબ કોઈ આતંકવાદી એકસાથે ૨૪ લાખ યુવાનોનું ભવિષ્ય બરબાદ કરી શકતો નથી, જેટલું નુકસાન પેપર માફિયાએ કર્યું છે. તેમણે તપાસ સીબીઆઈ નહીં પરંતુ એનઆઇએ પાસે હોવી જોઈએ તેવી માંગ કરી. સીબીઆઈ ને ‘‘જૂના નોકિયા મોબાઈલ'' સાથે સરખાવતા તેમણે આરોપ મૂક્યો કે એજન્સી માત્ર નાના લોકોને પકડે છે, જ્યારે મોટા માથા બચી જાય છે.
ખાન સરે પેપર માફિયાની કમાણી અને હાલના કાયદાની નબળાઈ અંગે પણ તીખી ટિપ્પણી કરી. તેમના જણાવ્યા મુજબ હજારો કરોડો રૂપિયાની કમાણી કરનારા માફિયાઓ માટે એક કરોડનો દંડ અને થોડાં વર્ષોની જેલ કોઈ સજા જ નથી. તેથી આવા ગુનેગારોને જાહેરમાં ફાંસી આપવી જોઈએ જેથી આવનારી પેઢીઓ ડરે.
ઈન્ટરવ્યૂ દરમિયાન સૌથી ભાવુક ક્ષણ ત્યારે આવી જ્યારે ખાન સરે ગરીબ વિદ્યાર્થીઓના સંઘર્ષની વાત કરી. તેમણે જણાવ્યું કે અનેક વિદ્યાર્થીઓ બે-બે વર્ષ સુધી દિવસ-રાત મહેનત કરતાં હોવાથી હાથમાં કાળા ડાઘ પડી જાય છે. ઘણા બાળકો સમય બચાવવા અથાણાં સાથે ભાત ખાઈને અભ્યાસ કરે છે. અન્ય શહેરોમાં પરીક્ષા આપવા જતા ગરીબ વિદ્યાર્થીઓ રેલવે સ્ટેશન પર પ્લાસ્ટિક પાથરીને રાત પસાર કરે છે.
તેમણે એક એવી માતાની વાત પણ કરી જેણે સંતાનને ડોક્ટર બનાવવા માટે પોતાનું મંગળસૂત્ર ગીરવે મૂકી દીધું હતું. બીજી તરફ એક વિદ્યાર્થી પોતાની માતાને બચાવી ન શકવાને કારણે ડોક્ટર બનવાનો સંકલ્પ લઈને અભ્યાસ કરતો હતો, પરંતુ પેપર લીક પછી સંપૂર્ણ રીતે તૂટી ગયો છે. આ વાત કરતા ખાન સરની આંખોમાં આંસુ આવી ગયા હતા.
દીકરીઓ અંગે વાત કરતા ખાન સરે કોટાની એક વિદ્યાર્થિનીનું ઉદાહરણ આપ્યું કે ‘‘છોકરાઓ લગ્ન કરવા માટે ભણે છે, જ્યારે છોકરીઓ નાની ઉંમરના લગ્નથી બચવા માટે ભણે છે.'' તેમણે કહ્યું કે પેપર લીકથી હજારો દીકરીઓના સપના તૂટી ગયા છે અને ડોક્ટર બનવાના બદલે રસોડામાં જીવન પસાર કરવાની ફરજ પડશે.
સરકાર દ્વારા ઓનલાઈન સીબીટી પરીક્ષા તરફ જવાની ચર્ચા પર પણ ખાન સરે કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે જો અમેરિકાની એફબીઆઈ જેવી સંસ્થાના કમ્પ્યુટર હેક થઈ શકે તો પરીક્ષા સિસ્ટમ્સ હેક કરવી પણ મુશ્કેલ નથી. ‘‘કચ્છા બદલવાથી ઝાડા ન મટે'' જેવી દેશી ભાષામાં તેમણે કહ્યું કે બીમારી સિસ્ટમ્સની અંદર છે, માત્ર માધ્યમ બદલવાથી સમસ્યા હલ થવાની નથી.
ભારતના મેડિકલ ટુરિઝમ પર પણ તેમણે ગંભીર ચિતા વ્યક્ત કરી. તેમના જણાવ્યા મુજબ જો પેપર લીકથી નકલી ડોક્ટરો ઊભા થશે તો આગામી વર્ષોમાં ભારતની આરોગ્ય વ્યવસ્થાની વિશ્વસનીયતા તૂટી જશે અને વિદેશી દર્દીઓ ભારત આવવાનું બંધ કરશે.
અંતમાં ખાન સરે ઉકેલ પણ આપ્યા. તેમણે પીએમઓ ની સીધી દેખરેખ, સુપ્રીમ કોર્ટની મોનીટરીંગ કમિટી, યુપીએસસી મોડલ જેવી પારદર્શક પદ્ધતિ અને પેપર લીક કરનારાઓ સામે યુએપીએ તથા એનએસએ હેઠળ કડક કાર્યવાહી કરવાની માંગ કરી. તેમના જણાવ્યા મુજબ હવે દેશને કડક અને નિર્ભય પગલાં લેવાની જરૂર છે, નહીં તો પેપર સાથે દેશનું ભવિષ્ય પણ ‘‘લીક'' થઈ જશે.(૪૦.૨૬)
ખાન સર કોણ છે?
પટનાના લોકપ્રિય શિક્ષક ખાન સર આજે દેશના સૌથી ચર્ચિત એજ્યુકેશનલ ચહેરાઓમાંના એક છે. ઓછી ફીમાં ગરીબ અને મધ્યમવર્ગીય વિદ્યાર્થીઓને યુપીએસસી, એસએસસી, નિટ સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવવાના કારણે તેઓ લાખો વિદ્યાર્થીઓમાં લોકપ્રિય બન્યા છે. તેમની સરળ દેશી ભાષા, બેબાક અંદાજ અને સામાજિક મુદ્દાઓ પર ખુલ્લી ટિપ્પણીઓના કારણે તેઓ યુવાનોમાં વિશેષ લોકપ્રિયતા ધરાવે છે. શિક્ષણ ઉપરાંત તેઓ ચેરિટી હોસ્પિટલ અને ગરીબ વિદ્યાર્થીઓને સહાય માટે પણ જાણીતા છે. (કર્ટસીઃ અપૂર્વ ગણાત્રા, રાજકોટ)
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
