News of Tuesday, 12th May 2026
NEET પેપર લીક કૌભાંડ : દેશના ખૂણેખૂણે કેવી રીતે ફેલાયું: 'પ્રાઇવેટ માફિયા' ગ્રુપનો પર્દાફાશ :મનીષ યાદવ સહિત બે શખ્સો સકંજામાં
દેશવ્યાપી પેપર લીક કૌભાંડમાં CBI એ નોંધી FIR: નાસિકની પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર ચોરી થયાની આશંકા:400 સભ્યોના વોટ્સએપ ગ્રુપમાં ફરતા થયા હતા પ્રશ્નો: રાજસ્થાનથી જમ્મુ-કાશ્મીર સુધી ફેલાયા કૌભાંડના તાર

નવી દિલ્હી :દેશભરની મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે લેવાયેલી NEET 2026 પરીક્ષાના પેપર લીક મામલે કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવતા તપાસ CBI ને સોંપી દીધી છે. એજન્સીએ આ મામલે વિધિવત કેસ નોંધીને એક વિશેષ ટીમની રચના કરી છે, જે આગામી દિવસોમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન અને હરિયાણા સહિતના રાજ્યોમાં દરોડા પાડી શકે છે.
રાજસ્થાન SOG ની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પેપર સૌથી પહેલા મહારાષ્ટ્રના નાસિક સ્થિત એક પ્રિન્ટિંગ પ્રેસમાંથી કોપી કરવામાં આવ્યું હતું. ત્યાંથી આ પેપર હરિયાણાના ગુરુગ્રામ પહોંચ્યું અને ત્યારબાદ જયપુર થઈને જમવા રામગઢ સુધી ફેલાયું. તપાસમાં સામે આવ્યું છે કે જમવા રામગઢથી આ પેપર સીકર, જમ્મુ-કાશ્મીર, બિહાર અને કેરળ સુધી પહોંચાડવામાં આવ્યું હતું.
તપાસ દરમિયાન એજન્સીઓના હાથે 'Private Mafia' નામનું એક વોટ્સએપ ગ્રુપ લાગ્યું છે, જેમાં અંદાજે 400 સભ્યો સામેલ છે. આ ગ્રુપના કેપ્શનમાં સ્પષ્ટ લખ્યું હતું કે આ ગ્રુપ માત્ર લીક થયેલા પેપર્સ અપલોડ કરવા માટે જ બનાવવામાં આવ્યું છે. આ ગ્રુપમાં સભ્યોને સખત ચેતવણી આપવામાં આવી હતી કે પેપર બહાર ક્યાંય ફોરવર્ડ ન કરવું.
આ સમગ્ર કાંડમાં બે મુખ્ય નામો સામે આવ્યા છે. મનીષ યાદવને આ નેટવર્કનો મુખ્ય સૂત્રધાર માનવામાં આવી રહ્યો છે, જેની જયપુરથી અટકાયત કરવામાં આવી છે. જ્યારે રાકેશ મંડાવરિયા પર પેપર ડિસ્ટ્રિબ્યુશનનો આરોપ છે. ચોંકાવનારી વાત એ છે કે, પરીક્ષા પહેલા વાયરલ થયેલા બાયોલોજીના તમામ 90 પ્રશ્નો અને કેમિસ્ટ્રીના 35 પ્રશ્નો પરીક્ષામાં બેઠા પુછાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. હવે CBI આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા NTA અને SOG પાસેથી તમામ દસ્તાવેજો કબજે કરશે.
(7:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
