<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

નાગપુરમાં તંત્રની બેદરકારીએ માસુમનો ભોગ લીધો :કોંઢલીમાં 3 વર્ષના માસૂમ બાળકનું ખુલ્લા ખાડામાં પડી જવાથી કરુણ મોત

રમતા રમતા બાળક ગટરના ખાડામા પડ્યો :સ્થાનિક લોકોની મદદથી ભારે જહેમત બાદ તેને બહાર કાઢી હોસ્પિટલે લઇ જવાયો પરન્તુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો

મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને વહીવટી તંત્ર તેમજ સ્થાનિકોની બેદરકારીને ખુલ્લી પાડતી ઘટના સામે આવી છે. કોંઢલી વિસ્તારમાં એક ત્રણ વર્ષના માસૂમ બાળકનું ખુલ્લા ગટરના ખાડામાં પડી જવાથી કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાએ ફરી એકવાર રહેણાંક વિસ્તારોમાં સુરક્ષાના અભાવ અને જીવલેણ લાપરવાહી સામે અનેક ગંભીર સવાલો ઉભા કર્યા છે.

આ કાળજું કંપાવી દેનારી ઘટના 26 એપ્રિલની સાંજે બની હતી. ત્રણ વર્ષનો માસૂમ લાભાંશ ચંદનખેડે પોતાના ઘરની બહાર નિર્દોષ ભાવે રમી રહ્યો હતો. રમતા-રમતા તેનો બોલ નજીકમાં આવેલા એક ખુલ્લા ગટરના ખાડા તરફ ગયો હતો. લાભાંશ પોતાનો બોલ લેવા માટે જેવો ખાડાની નજીક ગયો, કે તરત જ તેનું સંતુલન બગડ્યું અને તે સીધો ઊંડા ખાડામાં ખાબક્યો હતો. અંધારું અને સુરક્ષાના સાધનોના અભાવે આ નિર્દોષ બાળક માટે આ ખાડો કાળ સાબિત થયો.

બાળક લાંબા સમય સુધી ઘરમાં ન દેખાતા પરિવારજનો ગભરાઈ ગયા હતા અને આસપાસના વિસ્તારમાં તેની શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે લાભાંશ ગટરના ખાડામાં પડી ગયો છે. સ્થાનિક લોકોની મદદથી ભારે જહેમત બાદ તેને બહાર કાઢવામાં આવ્યો હતો અને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો, જેનાથી પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

આ સમગ્ર મામલે સૌથી મોટી અને ચોંકાવનારી વાત એ છે કે આ ખાડો કોઈપણ સુરક્ષાના સાધનો વગર ખુલ્લો રાખવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ, આ ખાડો એક ખાનગી જમીન પર કચરો અને ગટરના નિકાલ માટે અત્યંત અસુરક્ષિત રીતે બનાવવામાં આવ્યો હતો. જો જમીન માલિક કે સ્થાનિક તંત્રએ આ ખાડાને ઢાંકીને રાખવાની તસ્દી લીધી હોત, તો કદાચ આજે લાભાંશ પોતાના માતા-પિતાની સાથે હોત.

આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં વહીવટી તંત્ર અને જમીન માલિક સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. માસૂમ બાળકના પરિવારે નગર પંચાયત, સ્થાનિક કાઉન્સિલર અને જમીન માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. લોકોનો આક્ષેપ છે કે આવી ગંભીર બેદરકારી સામે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. બીજી તરફ, પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને જવાબદાર લોકોની ઓળખ કરવા અને તેમની સામે કડક કાર્યવાહી કરવા માટે તપાસ તેજ કરી છે.

 

(9:44 PM IST)