News of Friday, 17th April 2026
યુવકના પ્રેમમાં પાડોશણ બની હેવાનઃ દુલ્હન બનનારી યુવતી પર ફેંક્યું એસિડ
લગ્નના બરાબર પહેલા એક યુવતી પર પાડોશમાં રહેતી યુવતીએ એસિડ એટેક કર્યોઃ આરોપી યુવતી મહેંદીના બહાને ઘરે આવી હતી

નવી દિલ્હી તા.૧૭: ઉત્તર-પૂર્વ દિલ્હીના ગોકુલપુરી વિસ્તારમાંથી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. અહીં પાડોશમાં રહેતી એક યુવતીએ મહેંદીના બહાને ઘરે આવીને દુલ્હન બનનારી યુવતીના ચહેરા પર એસિડ ફેંક્યું હતું. જે યુવક સાથે પીડિતાના ૧૯ એપ્રિલે લગ્ન થવાના હતા, તેને આરોપી યુવતી પણ પસંદ કરતી હતી. આ જ વાતથી નારાજ થઈને તેણે આ ખોફનાક કાંડને અંજામ આપ્યો હતો.
પરિવારજનોના જણાવ્યા અનુસાર, ૧૯ એપ્રિલે પીડિતાની જાન આવવાની હતી. ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. આ દરમિયાન પાડોશમાં રહેતી એક યુવતી મહેંદી લગાવવાના બહાને તેમના ઘરે ગઈ હતી, જે પહેલાથી જ ઘરમાં અવરજવર રાખતી હતી. પરિવારને તેના પર કોઈ શંકા નહોતી, પરંતુ તેણે અચાનક યુવતીના ચહેરા પર એસિડ ફેંકી દીધો અને ત્યાંથી ફરાર થઈ ગઈ હતી.
હુમલામાં પીડિતા ગંભીર રીતે દાઝી ગઈ હતી. ઘટનાના તરત જ બાદ તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેની હાલત નાજુક છે. આ ઘટના બાદ ઘરમાં બૂમાબૂમ મચી ગઈ હતી. જે ઘરમાં થોડા દિવસો પછી લગ્નની ખુશીઓ મનાવવાની હતી, ત્યાં માહોલ ગમગીન થઈ ગયો છે. જે યુવક સાથે પીડિતાના લગ્ન નક્કી થયા હતા, તેને આરોપી યુવતી પણ પસંદ કરતી હતી. આ જ વાતને લઈને તે નારાજ હતી અને તેના કારણે જ તેણે આ ભયાનક ઘટનાને અંજામ આપ્યો હતો.
પીડિતાના પરિવારજનોનું કહેવું છે કે, તે અમારા પાડોશમાં રહે છે. પહેલા પણ ઘરે આવતી-જતી હતી. તેની બહેન પણ આવતી હતી. તે મહેંદીના બહાને ઘરે આવી અને એસિડ ફેંકીને જતી રહી. ખબર નહોતી કે તે આવું કરી દેશે. ૧૯ તારીખે જાન આવવાની હતી. પીડિતાની હાલત ઠીક નથી, તે ભણવામાં હોશિયાર છે. જેણે એસિડ નાખ્યો છે, તે પણ ભણવામાં સારી છે. હમણાં જ તેણે નોકરી માટે પેપર આપ્યું છે. તેને પોલીસ પકડીને લઈ ગઈ છે. અમે ન્યાય ઈચ્છીએ છીએ. તેને સખત સજા મળવી જોઈએ.
ઘટના બાદ પોલીસે કાર્યવાહી કરતા આરોપી યુવતીને કસ્ટડીમાં લીધી છે અને મામલાની તપાસ ચાલુ છે. પરિવારજનો આરોપી સામે કડકમાં કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, અમે ન્યાય ઈચ્છીએ છીએ, તેને કડક સજા મળવી જોઈએ. હાલમાં પોલીસ તમામ પાસાઓની તપાસ કરી રહી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
