<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

ન હાથી-ઘોડા, ન મોંઘી કારઃ ફૂલોથી શણગારેલી ૧૦૦ સાઇકલ પર જાન લઈને નીકળ્‍યો વરરાજા

મહારાષ્ટ્રમાં એક ડોક્‍ટરના લગ્ન હાલ ચર્ચામાં : ગાડી, હેલિકોપ્‍ટર કે બળદગાડું નહીં, પરંતુ સાઈકલ પર જાન લઈને નીકળ્‍યા હતા

મુંબઇ તા.૨૧: તમે હેલિકોપ્‍ટર કે પછી બેન્‍ડ-વાજા સાથે હાથી-ઘોડા, કાર અને બળદગાડમાં નીકળતી જાન તો જોઈ જ હશે, પરંતુ શું ક્‍યારેય સાઇકલ પર નીકળતી જાન જોઈ છે? જી હા, મહારાષ્ટ્રથી આવા જ એક લગ્ન હાલ ચર્ચામાં છે. જેમાં વરરાજા તો સાઇકલ પર હતા જ, સાથે આખી જાન પણ સાઇકલ પર સવાર થઈને કન્‍યાના ઘર સુધી પહોંચી હતી. સાઇકલ પર નીકળેલી આ જાને શહેરના લોકોનું ધ્‍યાન ખેંચ્‍યું હતું. આશરે ૧૦૦ સાઇકલ સવારો વરરાજા સાથે લગ્નમાં સામેલ થયા હતા. પર્યાવરણપ્રેમી ડો. રાજેન્‍દ્ર કુમાર સોનોનેના પુત્ર ડો. વિરાજપનાં લગ્ન ૨૧ નવેમ્‍બરે થવાનાં છે. આ લગ્નના ૨ દિવસ પહેલાં આજે નીકળેલી આ જાનને રાઇડ ફોર લવ નામ આપવામાં આવ્‍યું હતું.

શહેરના રસ્‍તાઓ પર ફૂલોથી શણગારેલી સાઇકલ અને ખાસ ટી-શર્ટ પહેરીને નીકળેલા આ ગ્રુપે લગ્નની ખુશીઓને ફિટનેસ, પરસ્‍પર જોડાણ અને સ્‍વચ્‍છ વાતાવરણના સંદેશ સાથે જોડીને એક અનોખું દ્રશ્‍ય સર્જ્‍યું હતું. અકોટાના રસ્‍તાઓ પર સામાન્‍ય રીતે લગ્નની મોસમમાં જોવા મળતા લ્લશ્‍યથી આ વખતે કંઈક અલગ જ નજારો જોવા મળ્‍યો હતો. હાથી-ઘોડા કે મોંઘી કારને બદલે વરરાજાએ સાઇકલ પસંદ કરી હતી. શહેરની અલગ-અલગ સાઇકલ ક્‍લબ અને ફિટનેસ સાથે જોડાયેલા લોકોની હાજરીએ આ જાનને સામૂહિક પહેલનું સ્‍વરૂપ આપી દીધું હતું.

ફૂલોથી શણગારેલી સાઇકલ પર સવાર જાનૈયાઓની ટી-શર્ટ પર રાઇડ ફોર લવ લખેલું હતું. અકોટાના મુખ્‍ય રસ્‍તાઓ પરથી જ્‍યારે આ વરઘોડો પસાર થયો ત્‍યારે રાહદારીઓ અને દુકાનદારો થોડી ક્ષણો માટે થંભી ગયા હતા. ઘણા લોકોએ પોતાના ફોન કાઢીને આ અનોખી જાનના વીડિયો ઉતાર્યા હતા, કારણ કે રોજિદા લગ્નપ્રસંગોમાં આવું દ્રશ્‍ય ભાગ્‍યે જ જોવા મળે છે.

(9:54 AM IST)