<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

નેપાળ પૂરમાં મૃત્‍યુઆંક વધીને ૧,૧૨૭ થયોઃ ૪,૮૫૮ લોકો ગુમ

સૌથી વધુ તારાજી ચિત્‍વન જિલ્લામાં સર્જાઈ, જ્‍યાંથી સૌથી વધુ ૩૪૮ મૃતદેહો મળી આવ્‍યા

કાઠમંડુ, તા.૩: પડોશી દેશ નેપાળમાં ૨૬ ઓગસ્‍ટના રોજ નેપાળ-તિબેટ સરહદ નજીક બરફ અને ખડકો અચાનક ધસી પડવાને કારણે ઉત્તર અને મધ્‍ય નેપાળના અનેક વિસ્‍તારોમાં વિનાશક પૂર આવ્‍યું હતું. આ હૃદયદ્રાવક ઘટનાના એક અઠવાડિયા પછી પણ પરિસ્‍થિતિ અત્‍યંત ગંભીર છે. નેપાળ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના સત્તાવાર આંકડા મુજબ, આ હોનારતમાં મૃત્‍યુઆંક વધીને ૧,૧૨૭ પર પહોંચ્‍યો છે, જ્‍યારે ૪,૮૫૮ લોકો હજુ પણ પત્તા વગરના છે.

સૌથી વધુ તારાજી ચિત્‍વન જિલ્લામાં સર્જાઈ છે, જ્‍યાંથી સૌથી વધુ ૩૪૮ મૃતદેહો મળી આવ્‍યા છે. આ ઉપરાંત નવલપરાસી પૂર્વમાંથી ૨૧૭, નવલપરાસી પશ્‍ચિમમાંથી ૧૯૦, નુવાકોટમાંથી ૧૫૫, ગોરખામાંથી ૬૬, ધાડિંગમાંથી ૫૯, રાસુવામાંથી ૪૫ અને તનહુન જિલ્લામાંથી ૩૮ મૃતદેહો મળી આવ્‍યા છે. રાહત ટીમોએ અત્‍યાર સુધીમાં ૧,૧૧૩ મૃતદેહોના પોસ્‍ટમોર્ટમ અને કાનૂની ઓળખ પ્રક્રિયાઓ પૂર્ણ કરી છે, જેમાંથી ૯૫ મૃતદેહો વારસદારોને સોંપવામાં આવ્‍યા છે. ઓળખ ન થઈ હોય તેવા ૯૧૧ મૃતદેહોની વિગતો અને ફોટોગ્રાફ્‌સ નેપાળ પોલીસની સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરાયા છે જેથી પરિવારોને શોધખોળમાં મદદ મળે.

આ આફત વચ્‍ચે સુરક્ષા દળો અને બચાવ ટીમોએ ૬,૫૪૧ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢયા છે. રાહત સામગ્રીના વિતરણ, શોધ-બચાવ અને રસ્‍તાઓ પરથી કાટમાળ હટાવવા માટે કુલ ૭,૯૧૨ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્‍યા છે. હાલમાં ઉચ્‍ચ જોખમ ધરાવતા વિસ્‍તારોમાંથી પરિવારોનું સ્‍થાનાંતરણ અને ૪,૮૫૮ ગુમ થયેલા લોકો માટેનું યુદ્ધના ધોરણે બચાવ ઓપરેશન ચાલુ છે

(3:02 PM IST)