<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th November 2026

નેતન્યાહૂ જૂઠા છે, સત્તા બચાવવા ઇઝરાયલના હિતો દાવ પર લગાવ્યા: પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનના નવા પુસ્તકમાં સનસનાટીભર્યા ખુલાસા

પોતાના નવા સંસ્મરણ "પ્રોમિસ મી, અમેરિકા" માં બાઈડને ગાઝા યુદ્ધના પડદા પાછળના રહસ્યો ખોલ્યા : નેતન્યાહૂ પર નાગરિકોના મોત રોકવાના ખોટા વચનો આપવાનો અને રાજકીય સ્વાર્થ માટે દેશની લાંબા ગાળાની સુરક્ષા જોખમમાં મૂકવાનો લગાવ્યો ગંભીર આરોપ

જેરૂસલેમ : અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડને પોતાના આગામી પુસ્તક "પ્રોમિસ મી, અમેરિકા"  દ્વારા વૈશ્વિક રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે, જેમાં તેમણે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પર અત્યાર સુધીના સૌથી આકરા પ્રહારો કર્યા છે. પ્રકાશિત થયેલા આ પુસ્તકના અંશો અનુસાર, બાઈડને નેતન્યાહૂને એક એવા નેતા ગણાવ્યા છે જે પોતાની ખુરશી અને રાજકીય અસ્તિત્વ બચાવવા માટે સતત ખોટા વચનો આપે છે અને નિયમોનો અનાદર કરે છે. બાઈડને ખુલાસો કર્યો છે કે ઓક્ટોબર 2023માં હમાસના હુમલા બાદ ઇઝરાયલે ગાઝા પર જે રીતે અંધાધૂંધ બોમ્બમારો શરૂ કર્યો, તેમાં નિર્દોષ નાગરિકો અને બાળકોના થઈ રહેલા મોતથી તેઓ અત્યંત વ્યથિત અને નાખુશ હતા.

બાઈડને પોતાના સંસ્મરણમાં લખ્યું છે કે જાહેરમાં બંને દેશો વચ્ચે મજબૂત જોડાણ દેખાતું હતું, પરંતુ બંધ બારણે તેમની અને નેતન્યાહૂ વચ્ચે યુદ્ધની રણનીતિને લઈને ઊંડા મતભેદો હતા. બાઈડનના જણાવ્યા મુજબ, નેતન્યાહૂની એક ખાસ પેટર્ન બની ગઈ હતી—તેઓ દરેક વખતે ગાઝામાં નાગરિક જાનહાનિ ઘટાડવાનું અને વધુ સાવચેતી રાખવાનું વચન આપતા, પરંતુ થોડા જ સમયમાં વધુ આક્રમક લશ્કરી કાર્યવાહી શરૂ કરી દેતા, જેનાથી પેલેસ્ટિનિયન નાગરિકોના મૃત્યુઆંકમાં સતત વધારો થતો રહ્યો. નેતન્યાહૂ પોતે પણ એ વાત સ્વીકારતા હતા કે વધતી જતી જાનહાનિથી આંતરરાષ્ટ્રીય સ્તરે ઇઝરાયલની છબી ખરડાઈ રહી છે અને અમેરિકાનું સમર્થન નબળું પડી રહ્યું છે, તેમ છતાં તેમણે જમીની હુમલાઓ ચાલુ રાખ્યા હતા.

પૂર્વ યુએસ રાષ્ટ્રપતિએ નેતન્યાહૂની રાજકીય દૂરંદેશી પર સવાલ ઉઠાવતા લખ્યું કે તેઓ ભારે દબાણ હેઠળ હોવા છતાં એક રાજપુરુષ (સ્ટેટ્સમેન) ની જેમ વિચારવામાં નિષ્ફળ રહ્યા અને ઇઝરાયલના લાંબા ગાળાના હિતોનું રક્ષણ કરવાને બદલે માત્ર પોતાની ટૂંકા ગાળાની રાજકીય જરૂરિયાતો પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું. ઉલ્લેખનીય છે કે બાઈડન વહીવટીતંત્રના પૂર્વ અધિકારી બ્રેટ મેકગર્કે પણ ગયા મહિને પ્રકાશિત થયેલા પોતાના પુસ્તક "બ્રિંક" માં જુલાઈ 2024માં હમાસ નેતા ઇસ્માઇલ હનીયેહની હત્યા સહિતના અનેક મુદ્દાઓ પર બાઈડન અને નેતન્યાહૂ વચ્ચેના તીવ્ર તણાવનો ઉલ્લેખ કર્યો હતો.

(10:14 PM IST)