<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

તમિલનાડુમાં નવજાત બાળકોને મળશે સોનાની વીંટી

મુખ્‍યમંત્રી સી જોસેફ વિજયે સરકારી હોસ્‍પિટલોમાં જન્‍મતા નવજાત બાળકોને ૧ ગ્રામ સોનાની વીંટી આપવાની મંજૂરી આપી દીધી : આ ઐતિહાસિક Thalapathy Vijay Gold Scheme આગામી ૧૫ સપ્‍ટેમ્‍બરથી વિધિવત લોન્‍ચ થશે પરંતુ ૨૨ જૂનથી જ અમલી ગણાશે. તમિલ પરંપરા મુજબ શરૂ કરાયેલી આ યોજના માટે વાર્ષિક ૭૫૫.૮૩ કરોડનું બજેટ ફાળવવામાં આવ્‍યું છે

ચેન્‍નાઇ તા.૨૫: તમિલનાડુના રાજકારણમાં પ્રથમ વખત સત્તાના શિખરે પહોંચેલા સુપરસ્‍ટાર અને મુખ્‍યમંત્રી સી જોસેફ વિજયે એક અભૂતપૂર્વ કલ્‍યાણકારી નિર્ણય લીધો છે. રાજ્‍ય સરકાર આગામી ૧૫ સપ્‍ટેમ્‍બરથી સરકારી સંસ્‍થાઓમાં જન્‍મતા દરેક નવજાત બાળકને ભેટ તરીકે ૧ ગ્રામ સોનાની વીંટી આપવા જઈ રહી છે. સીએમ દ્વારા જાહેર કરાયેલી આ ઐતિહાસિક Thalapathy Vijay Gold Scheme ની વહીવટી પ્રક્રિયા ૨૨ જૂનથી જ સત્તાવાર રીતે લાગુ કરી દેવામાં આવી છે.

તમિલનાડુના લોકપ્રિય નેતા થલપતિ વિજયે મુખ્‍યમંત્રી બન્‍યા બાદ પ્રજાલક્ષી કાર્યોની હારમાળા સર્જી દીધી છે. ૨૩ જૂનના રોજ જાહેર કરાયેલા સત્તાવાર સરકારી આદેશ મુજબ, આ નવી યોજનાનું નામ થૈમામન થંગા મોથિરમ થિટ્ટમરાખવામાં આવ્‍યું છે . આ યોજનાને ખૂબ જ પારદર્શક રીતે અમલમાં મૂકવા, તેનું મોનિટરિગ કરવા અને સચોટ સંચાલન કરવા માટે સરકાર એક સ્‍ટેટ પ્રોજેક્‍ટ પ્રોગ્રામ મેનેજમેન્‍ટ યુનિટ (SPMU) ની રચના કરશે, જે એક સમર્પિત વહીવટી સંસ્‍થા તરીકે કામ કરશે.

મુખ્‍યમંત્રી સી જોસેફ વિજય આ યોજનાને ઔપચારિક રીતે ૧૫ સપ્‍ટેમ્‍બરના રોજ રાજ્‍યના પૂર્વ મુખ્‍યમંત્રી સી એન અન્નાદુરાઈની જયંતી નિમિત્તે લોન્‍ચ કરશે. જોકે, આ યોજનાના લાભો ૨૨ જૂનથી જ માન્‍ય ગણવામાં આવશે, જે સીએમ વિજયનો જન્‍મદિવસ પણ છે . સરકારી હોસ્‍પિટલોમાં જન્‍મ લેનારા દરેક બાળકને અપાનારી આ ૧ ગ્રામ સોનાની વીંટીની કિમત વર્તમાન બજાર ભાવો અનુસાર આશરે ૧૩,૬૦૦ રૂપિયા જેટલી થાય છે. સરકારના આ નિર્ણયથી સામાન્‍ય અને ગરીબ પરિવારોમાં ભારે આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ અનોખી યોજના પાછળ તમિલનાડુની વર્ષો જૂની સાંસ્‍કૃતિક પરંપરા રહેલી છે. દક્ષિણ ભારતમાં બાળકના જન્‍મ સમયે તેના સગા મામા તરફથી નવજાત શિશુને આવકારવા અને આશીર્વાદ આપવા માટે સોનાની ભેટ આપવાનો રિવાજ છે, જેને થૈમામન સીર (મામાની ભેટ) કહેવામાં આવે છે. તમિલનાડુ સરકારે પોતાના સત્તાવાર ઓર્ડરમાં જણાવ્‍યું છે કે, આ સ્‍કીમ દ્વારા રાજ્‍ય સરકાર પોતે હોસ્‍પિટલમાં જન્‍મતા દરેક બાળકના મામાની ભૂમિકા ભજવી રહી છે, જે માતૃત્‍વની ખુશી અને ગૌરવની અનોખી ઉજવણી છે.

આ ભગીરથ કાર્યને અવિરત ચલાવવા માટે તમિલનાડુ સરકારે વાર્ષિક અંદાજે ૭૫૫.૮૩ કરોડ રૂપિયાનું અધધ બજેટ ફાળવ્‍યું છે. મુખ્‍યમંત્રી વિજયે ૨૩ એપ્રિલના રોજ યોજાયેલી વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન જ વચન આપ્‍યું હતું કે જો તેમની સરકાર બનશે, તો તેઓ રાજ્‍યના દરેક નવજાત બાળકનું સ્‍વાગત સોનાની વીંટી આપીને કરશે. સત્તા સંભાળતાની સાથે જ આ વચન પૂરું કરીને તેમણે પોતાની વિશ્વસનીયતા સાબિત કરી દીધી છે.

નેશનલ ફેમિલી હેલ્‍થ સર્વે (NFHS-6) ના સત્તાવાર રિપોર્ટ અનુસાર, તમિલનાડુમાં દર વર્ષે અંદાજે ૭.૮ લાખથી વધુ બાળકોનો જન્‍મ થાય છે. સમગ્ર દેશમાં તમિલનાડુ સંસ્‍થાકીય પ્રસુતિ (Institutional Delivery) ના મામલામાં અગ્રેસર છે, જ્‍યાં ૯૯.૯ ટકા ડિલિવરી હોસ્‍પિટલોમાં થાય છે. આ કુલ જન્‍મોમાંથી આશરે ૫૩ ટકા એટલે કે ૪.૨ લાખ જેટલી પ્રસુતિ સરકારી હેલ્‍થ સેન્‍ટરો અને સરકારી સિવિલ હોસ્‍પિટલોમાં થાય છે.

સર્વેના આંકડા દર્શાવે છે કે ગરીબ પરિવારો માટે સરકારી સંસ્‍થાઓ આશીર્વાદ સમાન છે, કારણ કે સરકારી હોસ્‍પિટલોમાં ડિલિવરીનો સરેરાશ ખર્ચ માત્ર ૧,૩૬૪ રૂપિયા થાય છે, જ્‍યારે તેની સામે ખાનગી હોસ્‍પિટલોમાં આ ખર્ચ ૬૩,૪૭૩ રૂપિયા જેટલો મસમોટો હોય છે. વિજય સરકારની આ નવી ગોલ્‍ડ સ્‍કીમ આગામી સમયમાં સરકારી દવાખાનાઓમાં સુરક્ષિત ડિલિવરીના પ્રમાણને હજુ પણ વધુ વેગ આપશે. આ લાંબા ગાળાની નીતિ સામાન્‍ય નાગરિકોના સ્‍વાસ્‍થ્‍ય અને આર્થિક સ્‍તરને સુધારવામાં માઇલસ્‍ટોન સાબિત થશે તે નક્કી છે.

(9:45 AM IST)