<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં નવો અધ્યાય: પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનેશ ત્રિવેદીએ ઢાકામાં હાઈ કમિશનર તરીકે ચાર્જ સંભાળતા જ બાંગ્લાદેશીઓને આપી મોટી ભેટ

બે વર્ષથી બંધ પડેલા ટ્રાવેલ વિઝા ફરી શરૂ કરવાની ધમાકેદાર જાહેરાત; 28 જૂનથી 5 કેન્દ્રો પર અરજી સ્વીકારાશે, ત્રિવેદીને મળ્યો કેન્દ્રીય મંત્રીનો દરજ્જો

ઢાકા, તા. 25: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના રાજદ્વારી સંબંધોને વધુ મજબૂત કરવા માટે કેન્દ્ર સરકારે એક મોટું અને ગણતરીપૂર્વકનું પગલું ભર્યું છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના પૂર્વ વરિષ્ઠ નેતા અને બાદમાં ભાજપમાં જોડાયેલા 76 વર્ષીય દિનેશ ત્રિવેદીએ ગુરુવારે બાંગ્લાદેશમાં ભારતના નવા હાઈ કમિશનર તરીકે સત્તાવાર રીતે પદભાર સંભાળી લીધો છે. બાંગ્લાદેશમાં રાજદૂત તરીકે નિયુક્ત થનારા તેઓ દેશના પ્રથમ રાજકારણી બન્યા છે. પદ સંભાળ્યાના ગણતરીના કલાકોમાં જ ત્રિવેદીએ ત્યાંની જનતા માટે એક મોટી અને રાહત આપનારી જાહેરાત કરીને પોતાના કાર્યકાળની ધમાકેદાર શરૂઆત કરી છે.

રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ ઓફ ઓનર અને ઓળખપત્રોની આપ-લે

ઢાકા સ્થિત રાષ્ટ્રપતિ ભવન 'બંગભવન' ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, નવા ભારતીય હાઇ કમિશનર દિનેશ ત્રિવેદીએ ગુરુવારે બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીનને પોતાના રાજદ્વારી ઓળખપત્રો રજૂ કર્યા હતા. આ ઔપચારિક સમારોહ પહેલાં રાષ્ટ્રપતિ ગાર્ડ રેજિમેન્ટની એક ટુકડી દ્વારા તેમને ભવ્ય 'ગાર્ડ ઓફ ઓનર' આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પદ સંભાળવાના એક દિવસ પહેલા જ નવી દિલ્હીમાં ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા સત્તાવાર મેમોરેન્ડમ અનુસાર દિનેશ ત્રિવેદીને 'કેન્દ્રીય મંત્રી' નો દરજ્જો આપવામાં આવ્યો છે, જે આ પદની ગરિમા અને ભારત સરકારની ગંભીરતા દર્શાવે છે.

બે વર્ષ બાદ ટ્રાવેલ વિઝા ફરી શરૂ થતાં જનતામાં ખુશી

રાષ્ટ્રપતિ ભવનના સમારોહ બાદ તુરંત જ દિનેશ ત્રિવેદીએ ઢાકાના ભારતીય વિઝા સેન્ટરની મુલાકાત લીધી હતી અને ત્યાં પ્રથમ વખત જાહેરમાં આવીને બાંગ્લાદેશી નાગરિકો માટે 'ટ્રાવેલ વિઝા' (મુસાફરી વિઝા) ફરીથી શરૂ કરવાની જાહેરાત કરી હતી. બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસના વચગાળાના શાસનકાળ દરમિયાન કથળતી સુરક્ષા અને ભારત સાથેના તણાવપૂર્ણ સંબંધોને કારણે છેલ્લા બે વર્ષથી આ સામાન્ય પ્રવાસી વિઝા સ્થગિત કરી દેવાયા હતા. ત્રિવેદીએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, "આગામી 28 જૂનથી બાંગ્લાદેશી નાગરિકો ફરીથી ભારત આવવા માટે પ્રવાસી વિઝાની અરજીઓ સબમિટ કરી શકશે."

આ 5 કેન્દ્રો પરથી મળશે વિઝા, મેડિકલ માટે વિશેષ છૂટ

હાઇ કમિશનર ત્રિવેદીએ સ્પષ્ટ કર્યું કે શરૂઆતના તબક્કામાં બાંગ્લાદેશના પાંચ મુખ્ય કેન્દ્રો– ઢાકા, રાજશાહી, ચિત્તાગોંગ, સિલહટ અને ખુલના ખાતેથી પ્રવાસી વિઝા જારી કરવામાં આવશે અને આગામી સમયમાં આ સુવિધાનો વધુ વિસ્તાર કરાશે. આ ઉપરાંત, માનવતાવાદી ધોરણે ગંભીર દર્દીઓ માટે તાત્કાલિક મેડિકલ વિઝા જારી કરવાની પ્રક્રિયા ચાલુ રહેશે.

દિનેશ ત્રિવેદીએ આ પદ પર અનુભવી રાજદ્વારી પ્રણય કુમાર વર્માનું સ્થાન લીધું છે. તેઓ ગત 12 જૂને જ પશ્ચિમ બંગાળની પેટ્રાપોલ-બેનાપોલ જમીન સરહદ માર્ગે બાંગ્લાદેશ પહોંચ્યા હતા. તેમની આ નિયુક્તિથી પડોશી દેશ સાથેના વ્યાપારિક, પ્રવાસન અને તબીબી સંબંધો ફરી એકવાર વેગ પકડશે તેવી આશા સેવાઈ રહી છે.

(5:55 PM IST)