News of Tuesday, 12th May 2026
આતંકનો નવો 'ડિજિટલ અડ્ડો': NIA તપાસમાં ખુલાસો, કાશ્મીરના આતંકવાદીઓ હવે Threema અને Dust જેવી એપ્સથી રચે છે ષડયંત્ર
મોબાઇલ નંબર કે ઇમેઇલ વગર ચાલતી સ્વિસ અને અમેરિકન એપ્લિકેશન બની સુરક્ષા એજન્સીઓ માટે માથાનો દુખાવો: લશ્કર અને જૈશના આતંકીઓ સરહદ પાર હેન્ડલર્સ સાથે વાત કરવા વાપરે છે હાઈ-ટેક એન્ક્રિપ્શન

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં સક્રિય આતંકવાદી સંગઠનો હવે સુરક્ષા એજન્સીઓની રડારમાંથી બચવા માટે પરંપરાગત સંદેશાવ્યવહાર છોડી અત્યંત આધુનિક ડિજિટલ માધ્યમોનો સહારો લઈ રહ્યા છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ની તાજેતરની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનો વિદેશી એન્ક્રિપ્ટેડ મેસેન્જર એપ્લિકેશનો દ્વારા સરહદ પાર બેઠેલા તેમના આકાઓ સાથે સંપર્કમાં છે. આ એપ્સને ટ્રેક કરવી કે તેના મેસેજ ડીકોડ કરવા એજન્સીઓ માટે મોટો પડકાર બની રહ્યા છે.
તપાસમાં ખાસ કરીને સ્વિટ્ઝરલેન્ડ સ્થિત 'Threema' અને અમેરિકાની 'Dust' જેવી એપ્લિકેશનોના નામ સામે આવ્યા છે. આ પ્લેટફોર્મ્સની વિશેષતા એ છે કે તેમાં એકાઉન્ટ બનાવવા માટે કોઈ મોબાઇલ નંબર કે ઇમેઇલ આઈડીની જરૂર પડતી નથી, જેનાથી યુઝરની ઓળખ છુપાયેલી રહે છે. આતંકી હુરૈરાની ધરપકડ બાદ મળેલી વિગતો મુજબ, આતંકવાદીઓ 'Element' નામની એપનો પણ વ્યાપક ઉપયોગ કરી રહ્યા છે. આ ઓપન-સોર્સ પ્લેટફોર્મ્સ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ હોવાથી ગુપ્તચર એજન્સીઓ માટે આતંકી નેટવર્કને ટ્રેસ કરવું મુશ્કેલ બન્યું છે.
હાલમાં NIA અને અન્ય સુરક્ષા એજન્સીઓએ આ ડિજિટલ પુરાવાઓના આધારે તપાસ તેજ બનાવી છે. આ એપ્લિકેશન્સ દ્વારા કયા પ્રકારની સંવેદનશીલ માહિતી શેર કરવામાં આવી હતી અને આતંકવાદી મોડ્યુલ કેવી રીતે ઓપરેટ થતું હતું તેની ઊંડી તપાસ ચાલી રહી છે. સરહદ પારથી મળતી સૂચનાઓ અને જમ્મુ-કાશ્મીરમાં આચરવામાં આવતી હિંસા વચ્ચેના ડિજિટલ કનેક્શનને તોડવા માટે એજન્સીઓ હવે સાયબર એક્સપર્ટ્સની મદદ લઈ રહી છે.
(6:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
