<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

ઈન્વેસ્ટર્સ માટે કમાણીની નવી તક: NSE આગામી 12 ઓગસ્ટથી 'Nifty India FPI 150' ઇન્ડેક્સ પર શરૂ કરશે ફ્યુચર્સ અને ઓપ્શન્સ (F&O) ટ્રેડિંગ!

સેબી (SEBI) તરફથી લીલી ઝંડી મળ્યા બાદ નેશનલ સ્ટોક એક્સચેન્જનો મોટો નિર્ણય; વિદેશી રોકાણકારો માટે જોખમ ઘટાડવા અને પોર્ટફોલિયો ડાયવર્સિફિકેશન માટે આ ઇન્ડેક્સ સાબિત થશે બેસ્ટ ઓપ્શન

 

 

નવી દિલ્હી, તા. 16: ભારતીય શેરબજારમાં ટ્રેડિંગ કરતા રોકાણકારો માટે એક મોટા અને ખુશખબર સામે આવ્યા છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ ગુરુવારે સત્તાવાર જાહેરાત કરી છે કે તે આગામી 12 ઓગસ્ટથી 'નિફ્ટી ઇન્ડિયા FPI 150' (Nifty India FPI 150) ઇન્ડેક્સ પર વાયદા અને વિકલ્પ (F&O - ફ્યુચર્સ અને ઓપ્શન્સ) કોન્ટ્રાક્ટ્સ લોન્ચ કરવા જઈ રહ્યું છે. મૂડીબજારની નિયામક સંસ્થા સેબી (SEBI) તરફથી મંજૂરી મળ્યા બાદ NSE પોતાના ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં આ નવું પ્રોડક્ટ ઉમેરશે, જે શરૂઆતમાં ત્રણ ક્રમિક માસિક કરાર ચક્ર (Monthly Contract Cycles) સાથે રોકાણકારો માટે ઉપલબ્ધ બનશે.

NSE દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, આ કેશ-સેટલ્ડ કોન્ટ્રાક્ટ્સની એક્સપાયરી સંબંધિત મહિનાના છેલ્લા મંગળવારે રહેશે. 'નિફ્ટી ઇન્ડિયા FPI 150' ઇન્ડેક્સની ખાસિયત એ છે કે તે નિફ્ટી 500 ઇન્ડેક્સમાં સામેલ એવા ટોચના 150 શેરોના પ્રદર્શનને ટ્રેક કરે છે, જે વિદેશી રોકાણકારો માટે રોકાણની દ્રષ્ટિએ સૌથી યોગ્ય અને ફ્રી-ફ્લોટ માર્કેટ કેપિટલાઇઝેશન ધરાવતા હોય. જૂન 2026 સુધીના આંકડા અનુસાર, આ સૂચકાંકમાં સૌથી વધુ 26.15 ટકા વેઇટેજ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેક્ટરનું છે. ત્યારબાદ ઓઇલ, ગેસ અને કન્ઝ્યુમેબલ ફ્યુઅલનું 10.03 ટકા તથા હેલ્થકેર સેક્ટરનું 7.51 ટકા વેઇટેજ છે. આ ઇન્ડેક્સની શરૂઆત 16 ઓગસ્ટ, 2025ના રોજ કરવામાં આવી હતી, જેની બેઝ ડેટ 3 ઓક્ટોબર, 2022 અને બેઝ વેલ્યુ 1,000 રાખવામાં આવી હતી.

NSE ના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર શ્રીરામ ક્રિષ્નને આ અંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "નવા F&O કોન્ટ્રાક્ટની શરૂઆતથી રોકાણકારોને શેરબજારના એક વ્યાપક અને વૈવિધ્યસભર હિસ્સામાં ટ્રેડિંગ કરવાનો મોકો મળશે. આ ઇન્ડેક્સમાં લિક્વિડિટી (રોકડ પ્રવાહ) અને ઈન્વેસ્ટેબિલિટી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આથી, બજારના ઉતાર-ચઢાવ સામે હેજિંગ (જોખમથી બચાવ) કરવા અને પોતાના પોર્ટફોલિયોને વધુ મજબૂત અને વૈવિધ્યસભર બનાવવા માંગતા ટ્રેડર્સ માટે આ ઇન્ડેક્સ એક ઉત્તમ અને સચોટ માધ્યમ સાબિત થશે."

(3:56 PM IST)