News of Friday, 3rd July 2026
ઈપીએફના નવા નિયમો લાગુ: કંપનીઓ માટે પીએફનો ફાળો માત્ર ૧૮૦૦ મર્યાદિત, ઉંચા પગારદાર કર્મચારીઓને ફાયદો
પગારદાર વર્ગની ટેક-હોમ સેલેરી વધશે, બીમારી કે લગ્ન પ્રસંગે ફંડમાંથી ૧૦ વખત રકમ ઉપાડવાની છૂટછાટ

નવી દિલ્હી: દેશના કરોડો નોકરિયાત વર્ગ અને કંપનીઓ માટે એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (ઈપીએફઓ) દ્વારા ૧ જુલાઈથી પેન્શન અને પીએફ ફાળાના નવા નિયમો અમલમાં મુકવામાં આવ્યા છે. વર્ષ ૧૯૫૨થી ચાલ્યા આવતા જૂના માળખાને બદલીને સરકાર દ્વારા આ નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે, જેનાથી કંપનીઓના ફરજિયાત પીએફ ફાળામાં મોટો ઘટાડો થશે અને કર્મચારીઓના હાથમાં આવતા પગાર (ટેક-હોમ સેલેરી)માં માતબર વધારો જોવા મળશે.
નવા નિયમો મુજબ, સરકારે કંપનીઓ માટે પીએફમાં ફરજિયાત ફાળાની મર્યાદા નક્કી કરી દીધી છે. જૂના નિયમો હેઠળ રૂ. ૧૫,૦૦૦ના લઘુત્તમ વેતનના ૧૨ ટકા લેખે રૂ. ૧૮૦૦નો ફરજિયાત ફાળો આપવાનો રહેતો હતો. જો કર્મચારીનો પગાર રૂ. ૧૫,૦૦૦થી વધુ હોય તો ઈપીએફના નિયમ ૨૬(૬) હેઠળ બંને પક્ષે વધુ ફાળો આપી શકાતો હતો. ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારીનો બેઝિક પગાર અને મોંઘવારી ભથ્થું મળીને માસિક રૂ. ૧ લાખ હોય, તો પીએફ પેટે રૂ. ૨૪,૦૦૦ કપાતા હતા, જેમાં રૂ. ૧૨,૦૦૦ કર્મચારીના અને રૂ. ૧૨,૦૦૦ કંપનીના રહેતા હતા. પરંતુ હવે નવા નિયમ પ્રમાણે કંપનીએ માત્ર રૂ. ૧૮૦૦ જ ફરજિયાત ચૂકવવાના રહેશે. આનાથી કંપનીઓને ઉંચા પગારવાળા કર્મચારીઓ પાછળ ફરજિયાત આપવા પડતા ફાળામાં દર મહિને રૂ. ૧૧,૨૦૦ની સીધી બચત થશે. જોકે, કંપની ઈચ્છે તો સ્વેચ્છાએ વધુ ફાળો જમા કરાવી શકશે.
બીજી તરફ, આ નવા ફેરફારથી કોસ્ટ ટુ કંપની (સીટીસી) માળખામાં કામ કરતા કર્મચારીઓને મોટો ફાયદો થશે. કર્મચારીઓ પાસે હવે રૂ. ૧૮૦૦થી વધુ પીએફ કપાત કરાવવી કે નહીં તેનો સંપૂર્ણ વિકલ્પ રહેશે. જો તેઓ વધુ કપાત ન કરાવે તો તે રકમ સીધી તેમના પગારમાં ઉમેરાશે, જેથી તેમની દર મહિનાની ટેક-હોમ સેલેરી વધી જશે. કંપનીનો પીએફ ફાળો ઘટવાથી તે રકમ અન્ય ભથ્થાઓમાં ઉમેરી શકાશે, શરત માત્ર એટલી કે કંપની દ્વારા કર્મચારીનું સીટીસી ઘટાડવામાં ન આવે.
આ ઉપરાંત નવા કાયદામાં કર્મચારીઓને અન્ય મોટી રાહતો પણ અપાઈ છે. હવે કર્મચારીઓ બીમારી, ઉચ્ચ શિક્ષણ કે લગ્ન જેવા ખાસ હેતુઓ માટે તેમના જમા થયેલા કુલ પીએફ બેલેન્સમાંથી ૭૫ ટકા સુધીની રકમ ઉપાડી શકશે. અગાઉના નિયમો મુજબ આખી જિંદગીમાં માત્ર ૩ વખત જ આવી રીતે રકમ ઉપાડવાની છૂટ હતી, પરંતુ હવે તેમાં ધરખમ વધારો કરીને ૧૦ વખત રકમ ઉપાડવાની મંજૂરી આપવામાં આવી છે. સરકારે કર્મચારીઓને પોતાના ઉંચા સ્વૈચ્છિક ફાળાને ઘટાડવા કે બંધ કરવાની સુગમતા પણ પૂરી પાડી છે.*
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
