News of Monday, 13th July 2026
આઈટી સેક્ટરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો નવો યુગ: TCS નહીં ઘટાડે કર્મચારીઓ, ૮,૯૦૦ ખાસ એન્જિનિયરોની ભરતીનો મેગા પ્લાન!
'AI ક્યારેય માણસનું સ્થાન નહીં લઈ શકે' — વૈશ્વિક ચિંતાઓ વચ્ચે દેશની સૌથી મોટી આઈટી કંપની TCSનો મોટો દાવો; સાયબર સિક્યોરિટી અને AI ક્ષેત્રે વૈશ્વિક સ્તરે મોટી કંપનીઓ ખરીદવાની પણ તૈયારી.

મુંબઈ : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના આગમનથી આઈટી (IT) સેક્ટરમાં નોકરીઓ ઓછી થઈ જશે તેવી વૈશ્વિક ચિંતાઓ અને ચર્ચાઓ વચ્ચે ભારતની અબજો ડોલરની સોફ્ટવેર કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) એ એક અત્યંત હિંમતભર્યો અને સકારાત્મક દ્રષ્ટિકોણ રજૂ કર્યો છે. ઓટોમેશનના કારણે મોટી ટીમોની જરૂરિયાત ઘટાડવાના બદલે, TCS આઈટી માર્કેટમાં પોતાની પકડ મજબૂત કરવા માટે એક નવી અને વિશિષ્ટ AI કેન્દ્રિત એન્જિનિયરિંગ ટીમ બનાવવાનું આયોજન કરી રહી છે.
શું છે આ ૮,૯૦0 ખાસ એન્જિનિયરોનો પ્લાન?
TCS ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) કે. કૃતિવાસને જણાવ્યું હતું કે, કંપની પોતાના કુલ કર્મચારીઓમાંથી ૧ થી ૧.૫ ટકા સ્ટાફને 'ફોરવર્ડ-ડિપ્લોય્ડ એન્જિનિયર્સ' (FDEs) તરીકે તૈનાત કરવા માંગે છે. કંપનીના વર્તમાન કદના આધારે આ સંખ્યા આશરે ૫,૯૦૦ થી ૮,૯૦૦ કર્મચારીઓની થાય છે. આ એવા ખાસ નિષ્ણાતો હશે જેઓ ગ્રાહકો સાથે સીધા જોડાઈને તેમની મુખ્ય વ્યવસાયિક કામગીરીમાં જનરેટિવ AI સિસ્ટમ્સને કસ્ટમાઇઝ અને લાગુ કરવામાં મદદ કરશે. OpenAI અને માઈક્રોસોફ્ટ જેવી વૈશ્વિક ટેક કંપનીઓ પણ હાલ આ જ પ્રકારની વ્યૂહરચના અપનાવી રહી છે.
ગ્રાહકોની જરૂરિયાત અને હ્યુમન ટેલેન્ટ
TCS ના વડાએ દલીલ કરી છે કે AI ના ઉદયથી આઉટસોર્સિંગ બિઝનેસનું મૂલ્ય ઘટશે નહીં. તેમના મતે, ભવિષ્યમાં મોટી સંસ્થાઓને તેમના જટિલ બિઝનેસ વાતાવરણ અને જૂની સિસ્ટમો સાથે આધુનિક AI મોડેલ્સને સાંકળવા માટે અનુભવી ટેકનોલોજી ભાગીદારોની વધુ જરૂર પડશે. આ બાબતને કોસ્ટ-કટિંગ (ખર્ચ ઘટાડવા) સાથે કોઈ લેવાદેવા નથી, પરંતુ તે સંપૂર્ણપણે માનવ પ્રતિભા અને ગ્રાહકના કામકાજના ઊંડા જ્ઞાન પર આધારિત છે.
ઇતિહાસ બદલશે TCS: કંપનીઓ ખરીદવાની વ્યૂહરચના
વર્ષોથી આંતરિક અને ઓર્ગેનિક વૃદ્ધિ પર નિર્ભર રહેનારી ટાટા ગ્રુપની આ દિગ્ગજ કંપની હવે પોતાની બિઝનેસ શૈલીમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. કંપનીના મુખ્ય નાણાકીય અધિકારી (CFO) સમીર સેકસારિયાએ સંકેત આપ્યા છે કે, તેઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, સાયબર સુરક્ષા અને ડેટા પ્રોટેક્શન જેવા અદ્યતન ક્ષેત્રોમાં સક્ષમ વૈશ્વિક કંપનીઓ ખરીદવા (એક્વિઝિશન) માટે મન બનાવી રહ્યા છે, જેથી લાંબા ગાળાની વ્યૂહાત્મક સ્થિતિ મજબૂત કરી શકાય.
વૃદ્ધિની ગતિમાં ઉતાર-ચઢાવ
જો કે, આ આખી પ્રક્રિયા સીધી રેખામાં નહીં ચાલે તેવું કંપનીનું માનવું છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા (Q1) માં કંપનીની વાર્ષિક AI આવક વૃદ્ધિ ઘટીને ૧૩ ટકા નોંધાઈ હતી, જે અગાઉના ક્વાર્ટરમાં ૨૮ ટકા હતી. આમ છતાં, સીઈઓ કૃતિવાસન લાંબા ગાળે આ સેક્ટરમાંથી દર ત્રિમાસિક ગાળામાં અંદાજે ૨૫ ટકાની મજબૂત આવક વૃદ્ધિની અપેક્ષા રાખી રહ્યા છે.
ભારતના $૩૧૫ બિલિયન (રૂપિયા ૨૫ લાખ કરોડથી વધુ) ના વિશાળ આઈટી સેવાઓ ક્ષેત્ર માટે આ એક મોટું પરિવર્તન છે. TCS હવે માત્ર એન્જિનિયરો પૂરા પાડનારી કંપની મટીને વૈશ્વિક કક્ષાએ AI સિસ્ટમ્સનું સંચાલન કરનારી અગ્રણી ભાગીદાર બનવા તરફ મક્કમ પગલાં ભરી રહી છે.
(6:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
