News of Sunday, 25th October 2026
E20 પેટ્રોલ માટે નવી ઇથેનોલ નીતિથી ખાદ્ય પદાર્થો અને ઇંધણના ભાવ પર અસરની શક્યતા
મકાઈની વધતી માંગ વચ્ચે ચિકન અને ઇંડા મોંઘા થવાનું જોખમ તથા તેલ કંપનીઓના ખર્ચમાં વધારો

નવી દિલ્હી : ભારતની E20 પેટ્રોલની જરૂરિયાતોને પહોંચી વળવા માટે જાહેર કરાયેલી નવી ઇથેનોલ નીતિની અસર વાહન માઇલેજ કે ઇંધણના ખર્ચ પૂરતી સીમિત ન રહેતાં કૃષિ, પશુ આહાર અને રોજિંદી ચીજવસ્તુઓના ભાવ પર પડી શકે છે. ખાદ્ય ફુગાવો નિયંત્રણમાં રાખવા અને ખાંડની ઉપલબ્ધતા જાળવવા માટે નવી નીતિમાં શેરડીના રસ, ચાસણી અને B-હેવી મોલાસીસમાંથી ઇથેનોલ ઉત્પાદન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણય ઊર્જા જરૂરિયાતો અને ખાદ્ય સુરક્ષા વચ્ચે સંતુલન સાધવાના પ્રયાસરૂપે લેવાયો છે.
તેલ કંપનીઓએ વર્ષ 2026-27 માટે આશરે 1,100 કરોડ લિટર ઇથેનોલ ખરીદવા બિડ મંગાવી છે. શેરડી આધારિત ઇથેનોલના વિકલ્પો પર પ્રતિબંધ હોવાથી હવે તેલ કંપનીઓએ મકાઈ અને C-હેવી મોલાસીસ જેવા વિકલ્પો પર નિર્ભર રહેવું પડશે. મકાઈ આધારિત ઇથેનોલની ખરીદી કિંમત પ્રતિ લિટર ₹68.86 છે, જે B-હેવી મોલાસીસ (₹60.73) કરતાં આશરે 13.4% મોંઘી હોવાથી તેલ કંપનીઓનો પૂરવઠા ખર્ચ વધવાની પૂરતી શક્યતા છે.
બીજી તરફ, ઇથેનોલ ઉત્પાદનમાં મકાઈનો વપરાશ વધતાં મરઘાં (પોલ્ટ્રી) ઉદ્યોગ પર ગંભીર અસર પડી શકે છે. દેશમાં ઉત્પાદિત કુલ મકાઈમાંથી આશરે 55-60% વપરાશ પોલ્ટ્રી ફાર્મિંગમાં ફીડ તરીકે થાય છે. જો ઇથેનોલ બનાવવામાં મકાઈનો ઉપયોગ વધશે તો પશુ આહાર મોંઘો થશે, જેના સીધા પરિણામે બજારમાં ચિકન અને ઇંડાના ભાવ વધવાનું જોખમ ઊભું થયું છે.
અગાઉના વર્ષોમાં ઇથેનોલ બ્લેન્ડિંગ માટે મુખ્યત્વે શેરડીના મોલાસીસ પર ભાર મૂકવામાં આવતો હતો, પરંતુ ખાંડના ભાવમાં ઉછાળો અટકાવવા સરકારે આ નીતિગત ફેરફાર કર્યો છે. હાલની સ્થિતિમાં મકાઈની ઉપલબ્ધતા અને બજારના પ્રવાહો પર નજર રાખવામાં આવી રહી છે. આગામી સમયમાં પોલ્ટ્રી ઉદ્યોગ અને તેલ કંપનીઓની રજૂઆતો બાદ સરકાર આ નીતિમાં કોઈ રાહત કે સુધારો કરે છે કે કેમ તે જોવું મહત્વપૂર્ણ રહેશે.
(12:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
