<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

સોનાના દાગીનામાં ભેળસેળનું નવું કૌભાંડ બહાર આવતાં ચકચાર : ચીનના રેનિયમ પાવડરથી સોનાનું વજન વધારવાનો ખેલ, શુદ્ધતા તપાસતા મશીનો પણ છેતરાયાં!

રાજસ્થાનના જોધપુરમાં કરાયેલા પત્રકારત્વના પ્રયોગમાં ૭.૮૩ ગ્રામ શુદ્ધ સોનામાં એક ગ્રામ પાવડર ભેળવતાં વજન ૮.૮૩ ગ્રામ થયું : દાગીનાને ૨૨ કેરેટનો હોલમાર્ક મળ્યાનો દાવો

જોધપુર  : સોનાની ખરીદીમાં ગ્રાહકોને છેતરવાની એક ચોંકાવનારી પદ્ધતિનો પર્દાફાશ થયો છે. સોનામાં રેનિયમ નામની ભારે ધાતુનો પાવડર ભેળવી તેનું વજન વધારવામાં આવતું હોવાનો દાવો એક તપાસ અહેવાલમાં કરવામાં આવ્યો છે. આશ્ચર્યજનક બાબત એ છે કે આવી ભેળસેળ હોવા છતાં સોનાની શુદ્ધતા તપાસતાં કેટલાંક મશીનો તેને શુદ્ધ સોનું દર્શાવતાં હોવાનું સામે આવ્યું છે. આ અહેવાલથી સોનાના દાગીનાની ખરીદી અને હોલમાર્કિંગની વિશ્વસનીયતા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.

એક હિન્દી રાષ્ટ્રીય અખબારની તપાસ મુજબ ચીનના શેનઝેન શહેરના એક સપ્લાયર સુધી તપાસકર્તાઓ પહોંચ્યા હતા. સપ્લાયરના પ્રતિનિધિએ દાવો કર્યો હતો કે સોનામાં ૨૫ ટકા સુધી રેનિયમ પાવડર ભેળવવામાં આવે તો પણ સામાન્ય પરીક્ષણમાં તે પકડાતો નથી. જોકે આ દાવાની સ્વતંત્ર વૈજ્ઞાનિક પુષ્ટિ થઈ નથી.

તપાસ દરમિયાન મુંબઈના એક વેપારી મારફતે એક ગ્રામ રેનિયમ પાવડર મેળવવામાં આવ્યો હતો. તેની કિંમત આશરે ૫,૦૦૦ રૂપિયા જણાવાઈ છે. ત્યારબાદ જોધપુરના એક સોનીની મદદથી ૭.૮૩ ગ્રામ શુદ્ધ ૨૪ કેરેટ સોનામાં એક ગ્રામ પાવડર ભેળવાયો. આ મિશ્રણનું વજન ૮.૮૩ ગ્રામ થયું, પરંતુ તપાસ મશીનમાં તે ૨૪ કેરેટ સોના તરીકે દર્શાવાયું હોવાનો અહેવાલ છે.

આ મિશ્રણમાં વધુ ૦.૭૫ ગ્રામ અન્ય ધાતુ ઉમેરી કુલ ૯.૫૮ ગ્રામનો પરંપરાગત રાજસ્થાની દાગીનો બનાવવામાં આવ્યો. તપાસકર્તાઓના જણાવ્યા મુજબ દાગીનાને હોલમાર્કિંગ કેન્દ્રમાંથી ૨૨ કેરેટ એટલે કે ૯૧૬ શુદ્ધતાનો હોલમાર્ક પણ મળ્યો હતો. જ્યારે તેમાં ખરેખર શુદ્ધ સોનાનું પ્રમાણ આશરે ૮૧.૭૩ ટકા જ હતું.

અહેવાલમાં જણાવ્યા પ્રમાણે દાગીનાની છ જેટલી તપાસ કરવામાં આવી હતી, છતાં તેમાં રેનિયમની હાજરી પકડાઈ નહોતી. એક શોરૂમના મશીને તો તેમાં સોનાનું પ્રમાણ ૯૩.૭૦ ટકા દર્શાવ્યું હતું.

રેનિયમ અત્યંત ભારે અને વિશિષ્ટ ઔદ્યોગિક ઉપયોગ ધરાવતી ધાતુ છે. સોનાનું પરીક્ષણ કરવા વપરાતાં કેટલાંક એક્સ-રે આધારિત મશીનોમાં તેની ઓળખ મુશ્કેલ બની શકે છે. જોકે આધુનિક અને યોગ્ય રીતે સજ્જ પ્રયોગશાળામાં રેનિયમ શોધી શકાય છે. તેથી તમામ મશીનો આવી ભેળસેળ ઓળખવામાં નિષ્ફળ જાય છે એવો દાવો યોગ્ય નથી.

આ તપાસની વિગતો દેશનાં અનેક સમાચાર માધ્યમોએ પ્રસિદ્ધ કરી છે. જોકે સરકારી પ્રયોગશાળાએ આ ચોક્કસ પ્રયોગના તારણોને સ્વતંત્ર રીતે પ્રમાણિત કર્યાં હોવાની પુષ્ટિ મળી નથી. ભારતમાં મોટા પાયે આ પ્રકારનું કૌભાંડ ચાલી રહ્યું છે એવો નિષ્કર્ષ પણ હાલ કાઢી શકાય તેમ નથી. 

 

સોનું ખરીદતી વખતે આટલી સાવચેતી રાખો

સોનાના દાગીના ખરીદતી વખતે બીઆઈએસ હોલમાર્ક, શુદ્ધતાનો આંકડો અને છ અક્ષર-અંકનો એચયુઆઈડી નંબર તપાસવો જરૂરી છે. બીઆઈએસ કેર એપ દ્વારા નંબરની ખરાઈ કરી શકાય છે. ખરીદીનું પાકું બિલ અવશ્ય લેવું. શુદ્ધતા અંગે શંકા હોય તો બીઆઈએસ માન્યતાપ્રાપ્ત પરીક્ષણ કેન્દ્રમાં તપાસ કરાવી શકાય છે. માત્ર હોલમાર્ક નંબરની ખરાઈ થવાથી ધાતુની વાસ્તવિક શુદ્ધતા સંપૂર્ણપણે સાબિત થતી નથી. 

ઓછું સોનું નીકળે તો ગ્રાહકને વળતર મેળવવાનો અધિકાર

ભારતીય માનક બ્યુરોના નિયમો અનુસાર હોલમાર્કવાળા દાગીનામાં દર્શાવ્યા કરતાં ઓછી શુદ્ધતા હોવાનું પ્રમાણિત થાય તો ગ્રાહકને શુદ્ધતાની ઘટને કારણે થતી કિંમતની ખોટની બમણી રકમ તથા પરીક્ષણનો ખર્ચ વળતર તરીકે મેળવવાનો અધિકાર છે. ગ્રાહક બીઆઈએસ કેર એપ અથવા બ્યુરોની સત્તાવાર ફરિયાદ વ્યવસ્થા મારફતે ફરિયાદ નોંધાવી શકે છે.

(11:04 PM IST)