તા. ૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૪ શુક્રવાર
News of Saturday, 11th July 2026
માત્ર 6 મહિના પહેલાં જ ઉદ્ઘાટન કરાયેલી મુંબઈ મનપાની નવી ઓફિસની છત તૂટી પડી : આસિસ્ટન્ટ કમિશનર રૂપાલી કદમની કેબિન બહાર ફોલ્સ સિલિંગ ધડાકાભેર તૂટતાં કર્મચારીઓનો આબાદ બચાવ
એશિયાની સૌથી ધનવાન ગણાતી મુંબઈ મહાનગરપાલિકા નબળા બાંધકામ અને ચોમાસાની કામગીરીને લઈને સખત ભીંસમાં : ખુલ્લી ગટરમાં તણાઈ જવાથી અને ઝાડ પડવાની જુદી-જુદી ઘટનાઓમાં અત્યાર સુધીમાં માસૂમ બાળક સહિત 5 લોકોના મોત : લોકોના જીવ ગયા પછી પગલાં લેવાનો કોઈ અર્થ નથી - હાઈકોર્ટ

મુંબઈ: દેશની આર્થિક રાજધાની મુંબઈની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ની નવનિર્મિત ઓફિસમાં જ બાંધકામની ગુણવત્તાના ધજાગરા ઉડ્યા છે. આજે સવારે જોગેશ્વરી સ્થિત બીએમસીની 'કે-નોર્થ' વોર્ડ ઓફિસમાં અચાનક ફોલ્સ સિલિંગનો એક મોટો હિસ્સો તૂટી પડ્યો હતો. આ દુર્ઘટના વોર્ડના આસિસ્ટન્ટ કમિશનર રૂપાલી કદમની કેબિનની બિલકુલ બહાર જ ઘટી હતી, જેના કારણે ત્યાં હાજર કેટલાક કર્મચારીઓનો આબાદ બચાવ થયો હતો અને મોટી જાનહાનિ ટળી હતી. નોંધનીય છે કે આ વૈભવી ઓફિસનું ઉદ્ઘાટન માત્ર છ મહિના પહેલાં જ કરવામાં આવ્યું હતું. છતાં, સામાન્ય વરસાદમાં જ ઓફિસની અનેક કેબિનોમાં પાણી ટપકવાનું શરૂ થઈ ગયું હતું. આ ઘટનાને પગલે કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે અને તેઓએ બાંધકામમાં હલકી ગુણવત્તાની સામગ્રી વપરાઈ હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. સ્ટાફે વહીવટીતંત્ર સમક્ષ સમગ્ર ઓફિસનું તાત્કાલિક નિરીક્ષણ કરી ઉચ્ચ સ્તરીય સમારકામ કરવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં કર્મચારીઓની સુરક્ષા સામે કોઈ જોખમ ન ઊભું થાય.
ચોમાસાની શરૂઆતથી જ મુંબઈ પાણી-પાણી, ઝાડ પડતાં 3 લોકોના કરુણ મોત:
એશિયાની સૌથી ધનવાન ગણાતી આ સિવિક બોડી ચોમાસાના વરસાદને હેન્ડલ કરવામાં સંપૂર્ણ નિષ્ફળ સાબિત થઈ રહી છે, જેના કારણે તેને ભારે ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. મુંબઈમાં ગત 23 જૂનના રોજ ચોમાસાના આગમન સાથે જ શહેરના મુખ્ય વિસ્તારોમાં ગંભીર જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન માત્ર ઝાડ અને તેની ભારે ડાળીઓ તૂટી પડવાની અલગ-અલગ ત્રણ ઘટનાઓમાં ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ગત 30 જૂનના રોજ ચેમ્બુર વિસ્તારમાં એક ચાલુ સ્કૂલ બસ પર ભારેખમ ઝાડ ધરાશાયી થતાં 11 વર્ષના માસૂમ વિદ્યાર્થીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ત્યારબાદ, 4 જુલાઈના રોજ આરે કોલોનીમાં ભારે વરસાદ દરમિયાન મોટરસાઈકલ પર જઈ રહેલા 18 વર્ષના યુવકના માથા પર ઝાડની મોટી ડાળી પડતાં તેનું મોત થયું હતું, જ્યારે 5 જુલાઈના રોજ કુર્લા વેસ્ટમાં એક દુકાન પર ઝાડ પડવાને કારણે 63 વર્ષના વૃદ્ધનું મોત નીપજ્યું હતું.
ખુલ્લી ગટરમાં તણાઈ જવાથી પ્રોઢનું મોત, હાઈકોર્ટે બીએમસીને આડે હાથ લીધી:
આ જ પ્રકારે ગત 2 જુલાઈના રોજ ભારે વરસાદ દરમિયાન એક 55 વર્ષના પ્રોઢ ખુલ્લી ગટરમાં (મેનહોલ) તણાઈ જતાં મૃત્યુ પામ્યા હતા. સરકારી અધિકારીઓના જણાવ્યા મુજબ, એક ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા ત્યાં મેઇન્ટેનન્સનું કામ ચાલી રહ્યું હતું અને ગટરનું ઢાંકણું ખુલ્લું છોડી દેવામાં આવ્યું હતું, જેના કારણે આ ગંભીર દુર્ઘટના ઘટી હતી. આ મુદ્દે બોમ્બે હાઈકોર્ટે બીએમસીની આકરી ઝાટકણી કાઢી હતી અને સવાલ કર્યો હતો કે પાલિકા તંત્ર હંમેશા કોઈ નાગરિકનું મોત થાય ત્યાર પછી જ કેમ જાગે છે અને અગાઉથી કોઈ આગોતરા પગલાં કેમ નથી લેતું? જસ્ટિસ અજય ગડકરી અને જસ્ટિસ કમલ ખાતાની બેન્ચે 6 જુલાઈના રોજ સુનાવણી દરમિયાન બીએમસી દ્વારા રજૂ કરાયેલા પ્રોગ્રેસ રિપોર્ટ અને એફિડેવિટને ફગાવી દીધા હતા અને તેને 'નકામા અને માત્ર આંખમાં ધૂળ નાખવા સમાન' ગણાવ્યા હતા.
લોકોના જીવ ગયા પછી પગલાં લેવાનો કોઈ અર્થ નથી - હાઈકોર્ટ:
બીએમસીએ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને જણાવ્યું હતું કે આ ઘટના બન્યાના તુરંત બાદ મનપા કમિશનરે એક તાકીદની બેઠક બોલાવી હતી અને બેદરકારી બદલ સંબંધિત વિસ્તારના ચાર જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો. જો કે, હાઈકોર્ટે મ્યુનિસિપલ કોર્પોરેશન પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે અધિકારીઓની આવી ઘોર બેદરકારીના કારણે નિર્દોષ મનુષ્યો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ટકોર કરી હતી કે, "કોઈ અનિચ્છનીય ઘટના ઘટી ગયા પછી તમે શું પગલાં લીધા તે મહત્વનું નથી, પરંતુ આવી ઘટનાઓને બનતી અટકાવવા માટે તમે અગાઉથી શું આયોજન કરો છો તે સૌથી વધુ મહત્વનું છે. માનવ જિંદગી ખૂબ જ કિંમતી છે અને તેને સર્વોચ્ચ પ્રાથમિકતા મળવી જોઈએ."
(12:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
