News of Wednesday, 7th October 2026
દિશા સાલિયાન કેસમાં હાઈકોર્ટમાં નવી અરજી દાખલ: પિતાએ સીબીઆઈ તપાસના આદેશની એક શરત સામે વાંધો ઉઠાવ્યો
દિશાના પિતા સતીશ સાલિયાનનો દાવો કે કોર્ટના આદેશની 'આરોપી ન ગણવાની' શરતનો દુરુપયોગ થઈ રહ્યો છે, અદાલતે અગાઉ આત્મહત્યા ગણાવેલા કેસમાં કરી સ્પષ્ટતા

મુંબઈ : દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સાલિયાનના શંકાસ્પદ મૃત્યુ મામલે હવે એક નવો અને મહત્વપૂર્ણ વળાંક સામે આવ્યો છે. દિશા સાલિયાનના પિતાએ બોમ્બે હાઈ કોર્ટમાં એક નવી અરજી દાખલ કરીને કોર્ટના અગાઉના આદેશમાં સામેલ એક વિશેષ શરત સામે ગંભીર વાંધો ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે તપાસ દરમિયાન આરોપી ન ગણવાની આ શરતનો કેટલાક લોકો દ્વારા દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી આ મામલે તાત્કાલિક સ્પષ્ટતા કરવામાં આવે અથવા તે શરતને હટાવવામાં આવે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત ૮ જૂન ૨૦૨૦ના રોજ મુંબઈના મલાડ વિસ્તારમાં એક બહુમાળી ઇમારત પરથી નીચે પડવાને કારણે દિશા સાલિયાનનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું હતું. આ મામલે અગાઉ સ્થાનિક પોલીસ અને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા આ ઘટનાને આત્મહત્યા કે આકસ્મિક મૃત્યુ ગણાવવામાં આવ્યું હતું અને એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ નોંધવામાં આવ્યો હતો. જો કે, દિશાના પિતા શરૂઆતથી જ આને હત્યા ગણાવતા આવ્યા છે અને આ કેસને સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે જોડીને ન્યાયની માંગ કરી રહ્યા છે. તાજેતરમાં હાઈ કોર્ટે આ મામલાની તપાસ સીબીઆઈને સોંપવાનો આદેશ આપ્યો હતો.
આ કેસની સુનાવણી દરમિયાન બોમ્બે હાઈ કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી તપાસ અધિકારીઓ પાસે કોઈ વ્યક્તિ વિરુદ્ધ વાજબી શંકાના પૂરતા પુરાવા ન હોય, ત્યાં સુધી તેને આરોપી ગણવામાં આવશે નહીં. સતીશ સાલિયાનના વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે આ શરત તેમને ન્યાય મેળવવામાં ગંભીર રીતે અસર કરી રહી છે અને સંબંધિત પક્ષો દ્વારા આ કાનૂની જોગવાઈનો ગેરલાભ ઉઠાવવામાં આવી રહ્યો છે. તેથી, આ શરતને હટાવવા અથવા તેમાં યોગ્ય સુધારો કરવા માટે કોર્ટ સમક્ષ વિનંતી કરવામાં આવી છે.
આ ઘટનાની પૃષ્ઠભૂમિ પર નજર કરીએ તો, દિશા સાલિયાનના મૃત્યુના માત્ર છ દિવસ બાદ જ બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત પણ મૃત હાલતમાં મળી આવ્યા હતા, જેના કારણે આ બંને હાઈ-પ્રોફાઇલ કેસો દેશભરમાં ચર્ચાના એન્દ્ર બન્યા હતા. અગાઉની તપાસમાં રહી ગયેલી ક્ષતિઓ અને શંકાસ્પદ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને અદાલતે આ કેસની તપાસ કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) ને સોંપવાનો નિર્ણય કર્યો હતો, જે હાલમાં આ મામલાના દરેક પાસાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
આગામી સમયમાં હાઈ કોર્ટ દ્વારા આ નવી અરજી પર શું સુનાવણી હાથ ધરવામાં આવે છે અને સીબીઆઈ તપાસમાં શું નવા ખુલાસા થાય છે તેના પર સૌની નજર રહેશે. દિશાના પરિવારજનો છેલ્લા કેટલાક વર્ષોથી પોતાની પુત્રીના મોતના સાચા રહસ્યને બહાર લાવવા માટે લડત ચલાવી રહ્યા છે, અને આ નવી કાનૂની કાર્યવાહીથી કેસમાં ફરીથી રાજકીય તેમજ સામાજિક ગરમાવો આવી ગયો છે.
(8:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
