<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

ભારતીય રેલવેમાં સ્પીડની નવી ક્રાંતિ: મુંબઈ-અમદાવાદ બાદ દેશમાં ૪,૦૦૦ કિલોમીટર લાંબો હાઈ-સ્પીડ કોરિડોર રચાશે; ૭ નવા બુલેટ ટ્રેન રૂટ માટે મેગા માસ્ટર પ્લાન જાહેર

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવની સંસદમાં મોટી જાહેરાત: ‘મેક ઈન ઈન્ડિયા’ હેઠળ આઈઆઈટી (IITs) ના સહયોગથી બનશે સ્વદેશી સ્ટેન્ડર્ડ ડિઝાઇન; મુસાફરીનો સમય કલાકોમાંથી મિનિટોમાં સિમિત થશે

નવી દિલ્હી, તા.૨૯: ભારતની પ્રથમ ૫૦૮ કિલોમીટર લાંબી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પરિયોજના દ્રુત ગતિએ આગળ વધી રહી છે, ત્યારે કેન્દ્ર સરકારે દેશના રેલ ટ્રાન્સપોર્ટનો ચહેરો બદલી નાખવા માટે એક મોટો અને મહત્વાકાંક્ષી રોડમેપ તૈયાર કર્યો છે. ભારતનું સપનું હવે માત્ર એક બુલેટ ટ્રેન પૂરતું મર્યાદિત નથી. કેન્દ્ર સરકાર દેશભરમાં આશરે ૪,૦૦૦ કિલોમીટર લાંબો હાઈ-સ્પીડ રેલ નેટવર્કનો જાળો બિછાવવાની તૈયારી કરી રહી છે, જેના ભાગરૂપે દેશના મુખ્ય મહાનગરોને જોડતા ૭ નવા બુલેટ ટ્રેન કોરિડોર બનાવવાની યોજના પર કામ તીવ્ર બનાવી દેવામાં આવ્યું છે.
કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, બજેટમાં આ પ્રોજેક્ટ્સની જાહેરાત બાદ રેલ મંત્રાલયે તમામ ૭ કોરિડોર માટે વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR), નિર્માણ ખર્ચનું પુનઃમૂલ્યાંકન અને ચોક્કસ રૂટ નક્કી કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દીધી છે. આ તમામ નવા કોરિડોરને સસ્તા, અત્યાધુનિક અને ૧૦૦% સુરક્ષિત બનાવવા માટે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા મુંબઈ-અમદાવાદ પ્રોજેક્ટના અનુભવોનો ઉપયોગ કરીને એક 'સ્ટેન્ડર્ડ ડિઝાઇન લાઈબ્રેરી' તૈયાર કરવામાં આવી રહી છે. દેશના ટોચના ટેકનિકલ સંસ્થાનો ખાસ કરીને IITs સાથે મળીને 'મેક ઈન ઈન્ડિયા' હેઠળ આ સ્વદેશી માસ્ટર પ્લાન તૈયાર કરાઈ રહ્યો છે.
આ નવા સ્ટેન્ડર્ડ ડિઝાઇન માસ્ટર પ્લાન હેઠળ બ્રિજ, વાયાદક્ટ, ટનલ અને રેલવે સ્ટેશનોનું એક સમાન માળખું (Structure) નક્કી કરવામાં આવશે. આનાથી ભવિષ્યમાં કોઈપણ નવા રૂટ પર બુલેટ ટ્રેન શરૂ કરતી વખતે શૂન્યથી નવેસરથી એન્જિનિયરિંગ કે ડિઝાઇનિંગ કરવાની જરૂર રહેશે નહીં, જેનાથી સમય અને નિર્માણ ખર્ચ બંનેમાં મોટો ઘટાડો થશે. વધુમાં, પંડાલો અને ટ્રેકની ગુણવત્તા પણ ઉચ્ચ કક્ષાની રહેશે. મુંબઈ-અમદાવાદ રૂટ પર જાપાનની વિશ્વપ્રસિદ્ધ 'શિન્કાન્સેન' (Shinkansen) ટેકનોલોજી અને 'J-Slab' બેલાસ્ટલેસ ટ્રેક સિસ્ટમનો ઉપયોગ થઈ રહ્યો છે, જે જ ૩૫૦ કિમી/કલાકની સુપરફાસ્ટ ઝડપે પણ ૧૦૦% સુરક્ષા સુનિશ્ચિત કરે છે.
જ્યારે આ ૭ નવા બુલેટ ટ્રેન કોરિડોર કાર્યરત થશે, ત્યારે દેશના મોટા શહેરો વચ્ચેનું અંતર અકલ્પનીય રીતે ઘટી જશે:
•    મુંબઈથી પુણે: માત્ર ૪૮ મિનિટ
•    ચેન્નાઈથી બેંગલુરુ: ૧ કલાક ૧૩ મિનિટ
•    પુણેથી હૈદરાબાદ: ૧ કલાક ૫૫ મિનિટ
•    હૈદરાબાદથી બેંગલુરુ: આશરે ૨ કલાક
•    હૈદરાબાદથી ચેન્નાઈ: ૨ કલાક ૫૫ મિનિટ
•    વારાણસી-પટના-સિલીગુડી: ૨ કલાક ૫૫ મિનિટ
•    દિલ્હીથી વારાણસી: માત્ર ૩ કલાક ૫૦ મિનિટ
મુંબઈ-અમદાવાદ કોરિડોરનું નિર્માણ કાર્ય ઓગસ્ટ ૨૦૨૭ સુધીમાં પ્રાથમિક તબક્કે પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે, જે ભારતની બુલેટ ટ્રેન ક્રાંતિ માટે 'ટેસ્ટિંગ લેબોરેટરી' સાબિત થશે.

(4:29 PM IST)