News of Thursday, 24th September 2026
IIT બોમ્બેના વિદ્યાર્થી સાહિલ વાકોડેના મોત મામલે નવો વળાંક: ન્યાયની માગ સાથે ભૂખ હડતાળ પર બેસવા જતાં માતા-પિતાની પોલીસે કરી અટકાયત
કેમ્પસમાં જાતિ આધારિત શારીરિક અને માનસિક ઉત્પીડનનો આરોપ; FIRમાં નામજોગ આરોપીઓ સામે તાત્કાલિક ધરપકડની માંગ સાથે પરિવાર આક્રમક મોરચે

મુંબઈ : IIT બોમ્બેના બીજા વર્ષના BTech વિદ્યાર્થી સાહિલ વાકોડેના શંકાસ્પદ મૃત્યુના મામલાએ હવે ગંભીર વળાંક લીધો છે. પોતાના પુત્ર માટે ન્યાયની માગ સાથે પોવઈ કેમ્પસ બહાર અનિશ્ચિત મુદતની ભૂખ હડતાળ પર બેસવા જઈ રહેલા સાહિલના માતા-પિતા રવિન્દ્ર વાકોડે અને સોનાલી વાકોડેની મુંબઈ પોલીસે અચાનક અટકાયત કરી લેતાં ભારે ચકચાર મચી ગઈ છે. ગુરુવારે સવારે ભંડુપ પોલીસ સ્ટેશને દંપતીને આશરે એક કલાક સુધી કસ્ટડીમાં રાખ્યા બાદ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (SC/ST) આયોગના અધિકારીઓ સાથે મુલાકાત કરાવવા સરકારી ગેસ્ટ હાઉસ લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ મુક્ત કરાયા હતા.
દંપતીના વકીલ નિખિલ કાંબલેએ પોલીસની આ કાર્યવાહી સામે ભારે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પરિવારે વિરોધ પ્રદર્શન કરવા માટે અગાઉથી કાયદેસરની મંજૂરી મેળવી લીધી હતી છતાં તેમને વિરોધ કરતાં રોકવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ૧૮ સપ્ટેમ્બરે સાહિલે કેમ્પસમાં કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી. તેના પરિવારજનોનો સંગીન આરોપ છે કે સાહિલને સંસ્થામાં જાતિ આધારિત ભેદભાવ અને સતત માનસિક ઉત્પીડનનો સામનો કરવો પડતો હતો, જેના કારણે તેણે આ અંતિમ પગલું ભરવું પડ્યું હતું.
માતા-પિતાએ અગાઉ જ અલ્ટીમેટમ આપ્યું હતું કે જો નોંધાયેલી FIR મુજબ જવાબદાર લોકો સામે તાત્કાલિક ધરપકડ સહિતની કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેઓ ભૂખ હડતાળ પર ઉતરશે. વકીલે એવો પણ ગંભીર આરોપ લગાવ્યો હતો કે મીડિયા સાથે વાતચીત કર્યા અને કેમ્પસની મુલાકાત લીધા બાદ પોલીસે દંપતીને મુંબઈ બહાર મોકલી દેવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ આઈઆઈટી બોમ્બે કેમ્પસ તેમજ વિદ્યાર્થી વર્ગમાં ભારે વિરોધ અને અસંતોષનો માહોલ સર્જાયો છે.
(6:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
