News of Tuesday, 30th June 2026
લોહગઢ મર્ડર કેસમાં નવો વળાંક: હાઈપ્રોફાઈલ હત્યાકાંડ હવે કોર્ટરૂમ ‘વોર’ માં ફેરવાયો, વકીલે આરોપી સિયાના ભાઈ સામે જ ફટકારી ₹10 કરોડની માનહાનિની નોટિસ!
"મેં સિયાની મંજૂરીથી જ વકાલતનામું સાઇન કર્યું છે" - એડવોકેટ આશુતોષનો દાવો; ભાઈએ કહ્યું - "અમે આ વકીલને રોક્યા જ નથી!" આરોપી સિયા અને પ્રેમી ચૌધરી ૩ જુલાઈ સુધી પોલીસ રિમાન્ડ પર

પુણે, તા.૩૦: મહારાષ્ટ્રના લોનાવાલા નજીક આવેલા ઐતિહાસિક લોહગઢ કિલ્લા પરથી મંગેતરને ધક્કો મારીને મોતને ઘાટ ઉતારવાનો સનસનાટીભર્યો કેસ હવે એક હાઈ-ડ્રામા કોર્ટરૂમ લડાઈમાં ફેરવાઈ ગયો છે. આ વખતે જંગ પોલીસ અને આરોપીઓ વચ્ચે નથી, પરંતુ બે વકીલો વચ્ચે છે કે 'આરોપી સિયા ગોયલનો અસલી વકીલ કોણ?' આ વિવાદ એટલો વકર્યો છે કે એડવોકેટ આશુતોષ શ્રીવાસ્તવે સિયાના સગા ભાઈ સાહિલ ગોયલ સામે ₹૧૦ કરોડની માનહાનિની કાનૂની નોટિસ ફટકારી દીધી છે.
વકીલનો દાવો: "મારી પાસે સિયાની સહી વાળું વકાલતનામું છે"
સમાચાર એજન્સી 'IANS' સાથે વાત કરતા એડવોકેટ આશુતોષ શ્રીવાસ્તવે સ્પષ્ટ કર્યું કે સિયા ગોયલ પુખ્ત વયની યુવતી છે અને તેણે ૨૫ જૂને સ્વેચ્છાએ તેમના વકાલતનામા પર સહી કરી આપી છે, જે કોર્ટના સત્તાવાર રેકોર્ડ પર પણ ચડી ગયું છે.
સાહિલ ગોયલને મોકલેલી ₹૧૦ કરોડની નોટિસ અંગે તેમણે જણાવ્યું કે,
"જો કોઈ વ્યક્તિ પુરાવા જોયા વિના જાહેરમાં ખોટી અફવાઓ ફેલાવે અને અમારી વ્યાવસાયિક પ્રતિષ્ઠાને કલંકિત કરવાનો પ્રયાસ કરે, તો કાનૂની પગલાં લેવા એ અમારો અધિકાર છે. આ સ્પષ્ટપણે માનહાનિનો ગંભીર કેસ છે. જો સાહિલ જાહેરમાં માફી નહીં માંગે, તો અમે સિવિલ અને ક્રિમિનલ બંને મોરચે કડક કાર્યવાહી કરીશું."
ભાઈનો પલટવાર: "અમે આ વ્યક્તિને ઓળખતા જ નથી!"
બીજી તરફ, સોમવારે મીડિયા સાથે વાતચીત કરતી વખતે સિયાના ભાઈ સાહિલ ગોયલે વકીલના દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા હતા. સાહિલે કહ્યું, "અમે આ વકીલને ક્યારેય હાયર (નોકરી પર) રાખ્યા નથી. અમારા પરિવારમાંથી કોઈએ પણ તેમની સાથે વાત કરી નથી. મને ખબર નથી કે તેઓ કયા આધારે આ પ્રકારના દાવા કરી રહ્યા છે."
આ કેસમાં એડવોકેટ વિપુલ દુશિંગે પણ મેદાનમાં આવીને દાવો કર્યો છે કે સિયાના પરિવારે તેમને કેસ સોંપ્યો છે અને સિયાએ પોતે અગાઉ મેજિસ્ટ્રેટને કહ્યું હતું કે માત્ર વિપુલ જ તેનું પ્રતિનિધિત્વ કરે છે.
શું હતો સમગ્ર લોહગઢ હત્યાકાંડ?
પુણેના જાણીતા ઉદ્યોગપતિ કેતન અગ્રવાલની ૨૩ જૂને હત્યાના આરોપમાં પોલીસે સિયા ગોયલ અને તેના કથિત પ્રેમી ચેતન ચૌધરીની ધરપકડ કરી છે. વડગાંવ માવલ કોર્ટે બંનેને ૩ જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.
પોલીસના સત્તાવાર આરોપ મુજબ, સિયાના લગ્ન આ વર્ષના અંતમાં કેતન અગ્રવાલ સાથે થવાના હતા. પરંતુ સિયા ગયા વર્ષના ઓક્ટોબર મહિનાથી ચેતન ચૌધરી સાથે પ્રેમસંબંધમાં હતી. મંગેતરને રસ્તામાંથી હટાવવા માટે સિયા અને ચેતને પુણેના એક કેફેમાં બેસીને હત્યાનો આખો માસ્ટરપ્લાન તૈયાર કર્યો હતો અને તેનું 'રિહર્સલ' પણ કર્યું હતું. ૧૮ જૂને લોહગઢ કિલ્લા પર ફરવા ગયા દરમિયાન સિયાએ પૂર્વનિર્ધારિત સંકેત (ઈશારો) આપ્યો અને ચેતને કેતનને ઊંડી ખીણમાં ધક્કો મારી દીધો હતો. હાલ પોલીસ આ હાઈપ્રોફાઈલ મર્ડર કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
