<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

લખનૌના ચકચારી શિવ શર્મા હત્યા કેસમાં નવો વળાંક: આરોપી મોડેલ શ્રદ્ધા દુબેના દાવાઓ સીસીટીવી ફૂટેજમાં નીકળ્યા જૂઠા, નાઈટક્લબ કનેક્શનની તપાસ શરૂ

અવધ ગ્રીન એપાર્ટમેન્ટના વાયરલ વીડિયો અને વિવાદાસ્પદ વર્તણૂકથી રહસ્યો ખુલ્લા: પીડિત પરિવારના ગંભીર આક્ષેપો બાદ પોલીસનો સકંજો વધુ કડક

લખનૌ : ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ચકચારી બનેલા ઉદ્યોગપતિ અને કાફે માલિક શિવ શર્મા હત્યા કેસમાં રોજ નવા અને ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે. આ હાઈ-પ્રોફાઇલ કેસમાં મુખ્ય આરોપી મોડેલ શ્રદ્ધા દુબે દ્વારા આપવામાં આવેલા નિવેદનોની સત્યતા હવે સીસીટીવી ફૂટેજ દ્વારા ચકાસવામાં આવી રહી છે, જેમાં તેના દાવાઓ પોકળ સાબિત થયા છે. પોલીસ તપાસમાં શ્રદ્ધાના રાત્રે નાઈટક્લબમાં પાર્ટી કરવા અને અનેક પ્રભાવશાળી વ્યક્તિઓ સાથેના જોડાણો બહાર આવ્યા છે, જેના કારણે પોલીસનું તપાસ વ્યાપક બન્યું છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, હઝરતગંજ પોલીસ દ્વારા ગોમતીનગર એક્સટેન્શન, વિભૂતિખંડ અને સુશાંત ગોલ્ફ સિટી વિસ્તારોના નાઈટ ક્લબના સીસીટીવી ફૂટેજની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે. ગત ૪ ઓગસ્ટ અને ૨૦ ઓગસ્ટના સામે આવેલા વાયરલ વીડિયોમાં શ્રદ્ધા દુબે, તેની બહેન રશ્મિ અને મૃતક શિવ શર્મા એકસાથે જોવા મળ્યા છે. પોલીસને શંકા છે કે શ્રદ્ધા મોડી રાત્રે નાઈટ પાર્ટીમાં હાજરી આપીને સવારે પરત ફરતી હતી. આ ફૂટેજના આધારે ક્લબમાં હાજર રહેલા અન્ય લોકોના પણ નિવેદનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

 

મૃતક શિવ શર્માની માતા રંજનાએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે શ્રદ્ધા દુબે સાથે શિવ છેલ્લા એક વર્ષથી લિવ-ઇન રિલેશનશિપમાં રહેતો હતો, પરંતુ શ્રદ્ધા તેને ખોટા કેસોમાં ફસાવવાની ધમકી આપતી હતી અને સિગારેટથી સળગાવવા જેવા અત્યાચારો કરતી હતી. ગત ૯ ઓક્ટોબરની રાત્રે બાલુ અડ્ડા સ્થિત અવધ ગ્રીન એપાર્ટમેન્ટના ચોથા માળેથી શંકાસ્પદ સંજોગોમાં નીચે પડી જવાથી શિવ શર્માનું રહસ્યમય મોત નીપજ્યું હતું. આ મામલે પીડિત પરિવારની ફરિયાદના આધારે પોલીસે શ્રદ્ધા, તેની બહેન અને અન્ય લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે.

 

અવધ ગ્રીન એપાર્ટમેન્ટના રહેવાસીઓ દ્વારા પણ શ્રદ્ધા દુબેના અસભ્ય વર્તનને લઈને મોટા ખુલાસા કરવામાં આવ્યા છે. પડોશીઓના જણાવ્યા અનુસાર, શ્રદ્ધાનું વલણ ખૂબ જ આક્રમક હતું અને તે અવારનવાર સોસાયટીના લોકો સાથે ઝઘડા કરતી તથા ગાળાગાળી કરતી હતી. તેના આ વર્તનને કારણે જ સોસાયટીના પહેલા માળે સીસીટીવી કેમેરા લગાવવાની ફરજ પડી હતી, જેના વિરોધમાં પણ તેણે ભારે હોબાળો મચાવ્યો હતો. સોસાયટીમાં તેની દહેશત અને અસામાજિક ગતિવિધિઓથી લોકો પરેશાન હતા.

 

આ કેસમાં પોલીસના હાથ લાગેલા પુરાવાઓ અને વાયરલ વીડિયોએ આખી ઘટનાને એક નવો જ મોડ આપી દીધો છે. પ્રભાવશાળી લોકો અને માફિયાઓ સાથે કથિત જોડાણ ધરાવતી શ્રદ્ધા દુબેની મુશ્કેલીઓ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ વધુ વધી ગઈ છે. પોલીસ આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે જેથી શિવ શર્માના રહસ્યમય મોત પાછળનું સાચું સત્ય બહાર આવી શકે અને દોષિતોને કડક સજા થઈ શકે.

(9:54 PM IST)