News of Monday, 16th November 2026
મહારાષ્ટ્રના રાજકારણમાં નવાજૂનીના એંધાણ? અમિત શાહના મંચ પર સુપ્રિયા સુલેની હાજરી અને અજિત પવાર જૂથના દિગ્ગજોની ગેરહાજરીથી અટકળો તેજ!
પુણેમાં સ્વર્ગસ્થ અજિત પવારની પ્રતિમાના અનાવરણ સમારોહમાં પ્રફુલ્લ પટેલ, છગન ભુજબળ અને સુનીલ તટકરે ન દેખાતા રાજકીય વર્તુળોમાં ખળભળાટ

પુણે : મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મોટી ઉથલપાથલ અને નવા સમીકરણો રચાવાના સંકેતો મળી રહ્યા છે. સોમવારે પુણે જિલ્લા પરિષદ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે સ્વર્ગસ્થ નાયબ મુખ્યમંત્રી અજિત પવારની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સૌથી વધુ ચર્ચા એ વાતની રહી કે એક તરફ શરદ પવાર જૂથના સાંસદ સુપ્રિયા સુલે અમિત શાહ સાથે મંચ પર ઉપસ્થિત રહ્યા હતા, તો બીજી તરફ અજિત પવાર જૂથના જ ટોચના નેતાઓ પ્રફુલ્લ પટેલ, છગન ભુજબળ અને સુનીલ તટકરેની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી. આ કાર્યક્રમમાં અમિત શાહે અજિત દાદાના કામની ભરપૂર પ્રશંસા કરતા ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે કોવિડ-૧૯ મહામારી વખતે તત્કાલીન મુખ્યમંત્રીનો સંપર્ક થઈ શકતો નહોતો, પરંતુ મંત્રાલયમાં અજિત દાદા હંમેશા ફોન પર ઉપલબ્ધ રહેતા હતા.
ગઠબંધનના જૂના દિવસોને યાદ કરતા અમિત શાહે એક રસપ્રદ ખુલાસો પણ કર્યો હતો. તેમણે જણાવ્યું કે જ્યારે અજિત પવારે મહાયુતિમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે શરૂઆતમાં તેઓ થોડા આશ્ચર્યચકિત થયા હતા, કારણ કે બંનેની વિચારધારા અને કાર્યકરોનું માળખું અલગ હતું. પરંતુ અજિત પવારે સ્પષ્ટ કહ્યું હતું કે મહારાષ્ટ્ર અને દેશના વિકાસને અલગ કરી શકાય નહીં, અને વિકાસના એજન્ડા પર જ તેઓ સાથે આવ્યા હતા. જો કે, હાલમાં જ સુપ્રિયા સુલેએ બંને NCP જૂથોના વિલીનીકરણની અટકળોને ફગાવી દીધી હોવા છતાં, અમિત શાહ સાથે તેમની આ ઔપચારિક હાજરી અને અજિત પવાર જૂથના વરિષ્ઠ નેતાઓની ગેરહાજરીએ અનેક રાજકીય તર્ક-વિતર્કોને જન્મ આપ્યો છે.
આ ઘટનાક્રમ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શરદ પવાર વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતે પણ રાજકીય ગરમાવો વધારી દીધો છે. તાજેતરમાં જ શરદ પવારની તબિયત લથડતા તેમને પુણેની રૂબી હોલ ક્લિનિકમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાંથી રજા મળ્યા બાદ તેઓ મુંબઈ પરત ફર્યા છે. પીએમ મોદીએ તેમના સ્વાસ્થ્યના ખબરઅંતર પૂછવા ફોન કરીને અત્યંત આત્મીયતાપૂર્વક કહ્યું હતું કે, "સાહેબ, હવે સુપ્રિયા તૈયાર છે. સુપ્રિયા અને હું દેશની સંભાળ રાખીશું, તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને સંપૂર્ણ આરામ કરો." પીએમ મોદીના આ નિવેદન અને પુણેના કાર્યક્રમના દ્રશ્યો બાદ હવે મહારાષ્ટ્રના રાજકારણમાં પડદા પાછળ કોઈ મોટી રણનીતિ આકાર લઈ રહી છે કે કેમ તેના પર સૌની નજર ટકી છે.
(7:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
