<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

મેડિકલ શિક્ષણ ક્ષેત્રે NMC નો ક્રાંતિકારી નિર્ણય: MBBS બેઠકોના વિસ્તરણ પરથી તમામ મર્યાદાઓ હટાવી, હવે ગમે તેટલી બેઠકો વધારી શકાશે

વસ્તીના આધારે બેઠકો ફાળવવાનો નિયમ રદ: મેડિકલ કોલેજ અને હોસ્પિટલ વચ્ચેના અંતરના નિયમોમાં પણ ફેરફાર, નવા મેડિકલ કોલેજો ખોલવી હવે બનશે સરળ

નવી દિલ્હી: નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા ભારતમાં મેડિકલ શિક્ષણના માળખામાં મોટા પાયે ફેરફારોની જાહેરાત કરવામાં આવી છે. કમિશને અંડરગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશનના નિયમોમાં સુધારો કરીને MBBS બેઠકોના વિસ્તરણ પરના પ્રતિબંધો હટાવી દીધા છે અને કોલેજો માટેના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધોરણોમાં પણ ફેરફાર કર્યો છે. આ સુધારા UG-MSR 2023 નિયમન હેઠળ અમલમાં આવશે, જે નવી કોલેજોની સ્થાપના અને બેઠકોના વધારાને નિયંત્રિત કરે છે.

MBBS બેઠકો પરની મર્યાદા દૂર કરાઈ

આ ફેરફારોમાં સૌથી મહત્વનો નિર્ણય બેઠકોની સંખ્યા પરની મર્યાદા હટાવવાનો છે. અગાઉ, કોઈ પણ મેડિકલ કોલેજ જ્યારે બેઠકો વધારવા માટે અરજી કરતી ત્યારે તેની મર્યાદા ૧૫૦ બેઠકો સુધી જ સીમિત હતી. હવે નવા નોટિફિકેશન મુજબ, આ ૧૫૦ બેઠકોની મર્યાદા (સીલિંગ) દૂર કરવામાં આવી છે, જેનો અર્થ છે કે સરકારી અને ખાનગી બંને પ્રકારની કોલેજો હવે તેમની ક્ષમતા અને મંજૂરીના આધારે બેઠકોમાં ગમે તેટલો વધારો કરી શકશે.

વસ્તી અને બેઠકોનો રેશિયો હવે ફરજિયાત નથી

NMC એ અગાઉના એ નિયમને પણ રદ કરી દીધો છે જેમાં રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશની વસ્તીના આધારે MBBS બેઠકોની સંખ્યા નક્કી કરવામાં આવતી હતી. અગાઉ નિયમ હતો કે દર ૧૦ લાખની વસ્તીએ માત્ર ૧૦૦ MBBS બેઠકો જ ફાળવી શકાશે. આ વસ્તી-આધારિત બેન્ચમાર્ક દૂર થવાથી રાજ્યો અને શૈક્ષણિક સંસ્થાઓને મેડિકલ શિક્ષણના આયોજનમાં વધુ લવચીકતા મળશે.

કોલેજ અને હોસ્પિટલ વચ્ચેના અંતરના નવા નિયમો

મેડિકલ કોલેજ અને તેની સાથે સંકળાયેલી ટીચિંગ હોસ્પિટલ વચ્ચેના અંતરના નિયમોમાં પણ સ્પષ્ટતા કરવામાં આવી છે:

·         સામાન્ય રાજ્યો: અગાઉ ૩૦ મિનિટના મુસાફરી સમયનો નિયમ હતો, જેને બદલે હવે મહત્તમ ૧૦ કિલોમીટરનું ભૌતિક અંતર નક્કી કરવામાં આવ્યું છે.

·         પહાડી અને ઉત્તર-પૂર્વી રાજ્યો: હિમાલયના રાજ્યો અને નોર્થ-ઈસ્ટના રાજ્યો માટે ભૌગોલિક પડકારોને ધ્યાનમાં રાખીને આ અંતર મર્યાદા ૧૫ કિલોમીટર રાખવામાં આવી છે.

NMC ના આ કદમથી ભારતમાં મેડિકલ બેઠકોની ઉપલબ્ધતામાં મોટો ઉછાળો આવવાની શક્યતા છે, જે દર વર્ષે વધી રહેલી મેડિકલ શિક્ષણની માંગને પહોંચી વળવા માટે અત્યંત મહત્વનું સાબિત થશે.

(7:42 PM IST)