News of Thursday, 16th July 2026
અમેરિકામાં કેસ રદ કરવા પાછળ ૧૦ અબજ ડોલરના રોકાણની ઓફરનો કોઈ હાથ નથી - ગૌતમ અદાણીનો અમેરિકી કોર્ટમાં મોટો ખુલાસો
બ્રુકલિનના ફેડરલ જજ નિકોલસ જી. ગારૌફિસના આદેશથી સોગંદનામું દાખલ કરાયું : રાષ્ટ્રપતિ ટ્રમ્પના અંગત વકીલ રોબર્ટ જે. જિયુફ્રા જુનિયર દ્વારા ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ સમક્ષ પ્રસ્તાવ મુકાયો હોવાનો સ્વીકાર

ન્યૂયોર્ક:ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ બુધવારે, ૧૫ જુલાઈ ૨૦૨૬ ના રોજ સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે તેમણે અમેરિકામાં તેમની સામે ચાલી રહેલા ફોજદારી કેસના સમાધાનના ભાગરૂપે ૧૦ અબજ ડોલરના રોકાણની ઓફર કરી હતી. જોકે, તેમણે સ્પષ્ટતા કરી છે કે અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા તેમની સામેનો કેસ પાછો ખેંચવાના લેવાયેલા નિર્ણયમાં આ ઓફરે આખરે કોઈ ભૂમિકા ભજવી ન હતી. અગાઉ ગૌતમ અદાણી સામે બ્રુકલિનની ફેડરલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં છેતરપિંડી અને લાંચના ગંભીર આરોપો મુકાયા હતા, જેને બાદમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે પડતા મૂકવાની કાર્યવાહી કરી હતી.
જજના આદેશ બાદ દાખલ કરવું પડ્યું સોગંદનામું:
ગૌતમ અદાણીએ આ મહત્વનો ખુલાસો બ્રુકલિનના ફેડરલ જજ નિકોલસ જી. ગારૌફિસના આદેશથી દાખલ કરેલા એક કાનૂની દસ્તાવેજ (સોગંદનામા)માં કર્યો છે. ઉલ્લેખનીય છે કે, જજ નિકોલસ જી. ગારૌફિસે મે મહિનામાં જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા આ આરોપનામું રદ કરવા માટે કરાયેલી વિનંતી અંગે ગંભીર ચિંતા અને પ્રશ્નો વ્યક્ત કર્યા હતા. ગયા અઠવાડિયે એક અત્યંત અસામાન્ય કાનૂની પ્રક્રિયા હાથ ધરીને જજ ગારૌફિસે ગૌતમ અદાણીને સોગંદનામામાં સ્પષ્ટપણે એ જણાવવા આદેશ કર્યો હતો કે શું તેઓ આરોપો રદ કરવા બદલ 'કોઈપણ પ્રકારની આપ-લે અથવા ગુપ્ત સમજૂતી' વિશે માહિતગાર હતા કે કેમ.
રાષ્ટ્રપતિ ટ્રમ્પના અંગત વકીલે મૂક્યો હતો રોકાણનો પ્રસ્તાવ:
આ કાનૂની લડાઈમાં ગૌતમ અદાણીનું પ્રતિનિધિત્વ રોબર્ટ જે. જિયુફ્રા જુનિયર કરી રહ્યા છે, જેઓ રાષ્ટ્રપતિ ટ્રમ્પના અંગત વકીલ તરીકે પણ સેવા આપે છે. ગૌતમ અદાણીએ પોતાના સોગંદનામામાં નોંધ્યું છે કે, "જો જસ્ટિસ ડિપાર્ટમેન્ટ (ડી.ઓ.જે.) અથવા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (એસ.ઇ.સી.) ની એવી કોઈ માંગણી હોય", તો તેમના વકીલ રોબર્ટ જિયુફ્રાએ આ ૧૦ અબજ ડોલરના રોકાણનો પ્રસ્તાવ મૂક્યો હતો.
અમેરિકામાં ચાલી રહ્યા હતા ગંભીર કેસો:
ગૌતમ અદાણી અમેરિકામાં સંઘીય ફોજદારી અને દીવાની કેસોનો સામનો કરી રહ્યા હતા, જેમાં તેમના પર ભારતીય વ્યાપારી સોદાઓમાં છેતરપિંડી, લાંચ અને ભ્રષ્ટાચાર આચર્યાના ગંભીર આરોપો સત્તાવાળાઓ દ્વારા મૂકવામાં આવ્યા હતા. અગાઉ ન્યૂયોર્ક ટાઈમ્સ દ્વારા પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ, સુલિવાન એન્ડ ક્રોમવેલ ફર્મના કો-ચેરમેન રોબર્ટ જિયુફ્રાએ એપ્રિલ મહિનામાં વોશિંગ્ટન ખાતે જસ્ટિસ ડિપાર્ટમેન્ટમાં યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન જ આ ૧૦ અબજ ડોલરના તોતિંગ રોકાણની ઓફર રજૂ કરી હતી.
(10:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
