તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
અમેરિકા સુરક્ષાની ખાતરી નહીં આપે ત્યાં સુધી કોઈ સમજૂતી નહીં : ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીનું મહત્ત્વપૂર્ણ નિવેદન : ટ્રમ્પે કહ્યું, ઈરાન જે શરતો ઉપર સમજૂતી ઇચ્છે છે તે સ્વીકાર્ય નથી

તહેરાન, તા. ૨૧ : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા રાજદ્વારી પ્રયાસો ચાલુ છે ત્યારે ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં ફરી યુદ્ધ ન થાય તેવી ખાતરી આપતી સમજૂતી ઈરાન ઇચ્છે છે.
ઈરાનના સરકારી અખબારને આપેલી મુલાકાતમાં અરાઘચીએ જણાવ્યું હતું કે મધ્યસ્થી દેશો મારફતે અમેરિકા સાથે સંદેશાઓની આપલે ચાલુ છે. જોકે વોશિંગ્ટન વાટાઘાટો માટે ખરેખર ગંભીર છે તેની ખાતરી મળે તે જરૂરી છે.
અરાઘચીએ જણાવ્યું કે ઈરાન પોતાના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા મક્કમ છે. દેશમાં રહેલા ઉચ્ચ સ્તરે સંવર્ધિત યુરેનિયમને ઈરાનની બહાર મોકલવાનો મુદ્દો તેની મહત્ત્વપૂર્ણ લાલરેખા છે. જોકે પરસ્પર સ્વીકાર્ય ઉકેલ શોધવાની શક્યતા તેમણે નકારી નથી.
બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાન સમજૂતી કરવા માંગે છે, પરંતુ તેની હાલની શરતો તેમને સ્વીકાર્ય નથી.
બંને પક્ષોના વિરોધાભાસી નિવેદનો વચ્ચે મધ્યસ્થી મારફતે વાતચીત ચાલુ હોવાથી યુદ્ધનો અંત લાવવાના પ્રયાસો ઉપર વિશ્વની નજર મંડાયેલી છે.
(9:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
