News of Saturday, 5th September 2026
ડેન્ગ્યુના ડર સામે સ્કર્ટને 'ના' અને સલવાર-કમીઝને 'હા': બંગાળના આરોગ્ય મંત્રીનું શાળાઓ માટે મહત્ત્વનું સૂચન
વિદ્યાર્થીનીઓને મચ્છરોના ઉપદ્રવથી બચાવવા ગણવેશમાં ૩ મહિના માટે ફેરફાર કરવા અપીલ

નવી દિલ્હી : દેશભરમાં ચોમાસાની ઋતુ સાથે ડેન્ગ્યુના કેસોમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ અને સાવચેતીભર્યું પગલું ભરવામાં આવ્યું છે. રાજ્યના આરોગ્ય મંત્રી ડૉ. શારદા મુખર્જીએ સ્વાસ્થ્ય ભવન ખાતે યોજાયેલી ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં વિદ્યાર્થીઓને ડેન્ગ્યુના મચ્છરોથી બચાવવા માટે શાળાના ગણવેશ (ડ્રેસ કોડ)માં કામચલાઉ ફેરફાર કરવાનું આહ્વાન કર્યું છે. ખાસ કરીને વિદ્યાર્થીનીઓને આગામી ત્રણ મહિના સુધી સ્કર્ટના બદલે આખું શરીર અને પગ ઢંકાય તેવા સલવાર-કમીઝ કે સુટ પહેરવાની મંજૂરી આપવા શાળાઓને વિનંતી કરવામાં આવી છે.
આરોગ્ય મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે ડેન્ગ્યુનો પીક પિરિયડ ચાલી રહ્યો હોવાથી બાળકોના હાથ અને પગ પૂરેપૂરા ઢંકાયેલા રહે તે અત્યંત જરૂરી છે. તેમણે છોકરાઓ માટે ફુલ સ્લીવ શર્ટ અને ફુલ પેન્ટ તથા છોકરીઓ માટે સલવાર-કમીઝનો વિકલ્પ સૂચવ્યો છે. કેટલાક આયોજકો દ્વારા ઘૂંટણ સુધીના મોજાં પહેરાવવાના સૂચન સામે મંત્રીએ જણાવ્યું હતું કે સોક્સ ત્વચા સાથે ચોંટેલા અને ખૂબ જ પાતળા હોવાથી મચ્છર તેના પરથી પણ કરડી શકે છે, જેથી તે પૂરતું રક્ષણ આપતા નથી. શાળાઓમાં જાગૃતિ ફેલાવીને આ ફેરફાર લાગુ કરવા શિક્ષકો અને આચાર્યોને સંદેશા પાઠવવામાં આવી રહ્યા છે.
રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ સરકારી શાળાઓ માટે આ અંગે વહીવટી માર્ગદર્શિકા પરિપત્ર જારી કરી શકે છે, જ્યારે ખાનગી શાળાઓને પણ આ જ પ્રકારે સાવચેતીના પગલાં લેવા વિનંતી કરવામાં આવશે. જોકે, ગણવેશમાં આ કામચલાઉ ફેરફાર અમલી બનાવવો કે નહીં તેનો અંતિમ નિર્ણય શાળા મેનેજમેન્ટ પર નિર્ભર રહેશે. શાસન બદલાયા બાદ શાળાઓના ગણવેશ નિયમોમાં ફેરફાર સંબંધિત આ નિર્ણયે રાજકીય અને સામાજિક વર્તુળોમાં વ્યાપક ચર્ચા જગાડી છે.
(7:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
