News of Friday, 11th September 2026
કૈંચી ધામ નહીં પણ ઉત્તર પ્રદેશનું આ રહસ્યમય ગામ છે નીમ કરોલી બાબાનું પ્રથમ તપસ્થળ: જાણો કેવી રીતે મળ્યું આ ચમત્કારી નામ અને કેવી રીતે અંગ્રેજોને નમતું જોખવું પડ્યું!
૧૨ વર્ષની ઉંમરે ગૃહત્યાગ કરનાર બાબા નીમ કરોલીના અદ્ભુત ચમત્કાર આગળ બ્રિટિશ હકુમત સ્તબ્ધ થઈ ગઈ; એક ટ્રેન રોકાઈ જતાં ગામને મળ્યું ઐતિહાસિક રેલ્વે સ્ટેશન.

ફર્રુખાબાદ, તા.૧૧: જ્યારે પણ પરમ પૂજ્ય નીમ કરોલી બાબાની વાત આવે છે, ત્યારે શ્રદ્ધાળુઓના મનમાં સૌથી પહેલા ઉત્તરાખંડના મનોરમ્ય કૈંચી ધામનો વિચાર આવે છે. લાખો શ્રદ્ધાળુઓ કૈંચી ધામને જ બાબાનું મુખ્ય તપસ્થળ માને છે, પરંતુ સત્ય એ છે કે તેમનું પ્રથમ તપસ્યા સ્થળ કૈંચી ધામ નહીં પણ ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદ જિલ્લામાં આવેલું એક નાનકડું ગામ હતું. અહીં બનેલી એક અદ્ભુત અને ચમત્કારી ઘટનાએ માત્ર અંગ્રેજ અધિકારીઓના અહંકારને જ ન તોડ્યો, પરંતુ એક નવા રેલ્વે સ્ટેશનનો પાયો પણ નાખ્યો હતો.
ઉત્તર પ્રદેશના અકબરપુર ગામમાં એક સંસ્કારી બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા લક્ષ્મીનારાયણ (જેઓ પાછળથી નીમ કરોલી બાબા તરીકે પ્રખ્યાત થયા) ને બાળપણથી જ પ્રભુ ભક્તિમાં ગહન રસ હતો. માત્ર ૧૨ વર્ષની કુમળી વયે તેમણે સાંસારિક મોહમાયાનો ત્યાગ કર્યો અને ભગવાન હનુમાનજીની કઠોર સાધનામાં લીન થઈ ગયા. સાધનાના આ માર્ગ પર આગળ વધતાં તેઓ ગુજરાતના એક આશ્રમમાં પહોંચ્યા, જ્યાં તેમને 'લક્ષ્મણદાસ' નામ મળ્યું. ત્યારબાદ તેઓ ફર્રુખાબાદ જિલ્લાના એક અનામી ગામમાં આવી પહોંચ્યા, જેનું નામ 'નીબ કરોરી' હતું. અહીં તેમણે વર્ષો સુધી ઘોર તપસ્યા કરી અને તેમની અલૌકિક શક્તિઓને કારણે સ્થાનિક લોકો તેમને શ્રદ્ધાપૂર્વક 'નીબ કરોરી બાબા' કહેવા લાગ્યા, જે કાળક્રમે 'નીમ કરોલી બાબા' તરીકે સમગ્ર વિશ્વમાં પૂજાવા લાગ્યા.
બાબાના જીવન સાથે જોડાયેલો એક અત્યંત રોમાંચક કિસ્સો આ જ સ્થળે બન્યો હતો. એકવાર બાબા ટ્રેનના ફર્સ્ટ-ક્લાસ કોચમાં મુસાફરી કરી રહ્યા હતા. તેમની પાસે ટિકિટ ન હોવાથી એક બ્રિટિશ અધિકારીના આદેશથી તેમને નીબ કરોરી ગામ નજીક ટ્રેનમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા. બાબા કોઈ પણ વિરોધ વગર શાંતિથી નીચે ઉતરીને નજીકમાં ધ્યાન ધરીને બેસી ગયા. તે પછી જે ચમત્કાર થયો તેણે સૌને દંગ કરી દીધા; ડ્રાઇવરે ટ્રેન ચાલુ કરવાના તમામ પ્રયાસો કર્યા, એન્જિનમાં કોલસો ભરીને તપાસ કરવામાં આવી, છતાં ટ્રેન એક ઇંચ પણ આગળ ન વધી!
આખરે મુસાફરોના કહેવાથી બ્રિટિશ ઓફિસર અને ટ્રેન ચેકરે બાબા સમક્ષ પોતાની ભૂલ સ્વીકારી માફી માગી. બાબાએ ટ્રેનમાં ફરી બેસવા માટે બે શરતો મૂકી: પ્રથમ, ભવિષ્યમાં કોઈપણ સાધુ-સંતનું અપમાન કરવામાં નહીં આવે, અને દ્વિતીય, આ ગરીબ ગામ નીબ કરોરીમાં તરત જ એક રેલ્વે સ્ટેશન બનાવવામાં આવશે. અંગ્રેજોએ આ શરતો માનવી પડી અને ટ્રેન ચાલુ થઈ ગઈ. આ ઘટના બાદ ત્યાં 'નીબ કરોરી રેલ્વે સ્ટેશન'નું નિર્માણ થયું, જે આજે પણ બાબાની દિવ્ય શક્તિઓની સાક્ષી પૂરે છે.
(4:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
