News of Saturday, 20th June 2026
પશ્ચિમ બંગાળના ફલતા પોલીસ સ્ટેશન પર હુમલો કરીને કુખ્યાત ટીએમસી નેતા જહાંગીર ખાનને છોડાવવાનું મોટું કાવતરું નિષ્ફળ : મુખ્ય સૂત્રધાર પત્ની જરીના બીબીની સવારના પહોરમાં ધરપકડ
ભારત-નેપાલ સરહદેથી પકડાયેલા અને પોતાને 'પુષ્પા' કહેવડાવતા નેતાની ધરપકડ બાદ સમર્થકોને ભડકાવીને થાણા પર ધાવા બોલવાની યોજનાનો ગુપ્તચર વિભાગે કર્યો પર્દાફાશ

કોલકાતા:પશ્ચિમ બંગાળના ફલતા વિસ્તારમાંથી કાયદો અને વ્યવસ્થાને ચોંકાવી દેનારા એક બહુ મોટા સમાચાર સામે આવ્યા છે. ફલતા પોલીસ સ્ટેશન પર સશસ્ત્ર હુમલો કરીને ગંભીર ગુનાઓમાં ધરપકડ કરાયેલા તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સ્થાનિક નેતા જહાંગીર ખાનને જબરન પોલીસ કસ્ટડીમાંથી મુક્ત કરાવવાનું એક ભયાનક ષડયંત્ર નિષ્ફળ બનાવવામાં આવ્યું છે. આ આખા હિંસક કાવતરા પાછળ મુખ્ય સૂત્રધાર તરીકે જહાંગીર ખાનની સગી પત્ની જરીના બીબી સક્રિય હોવાનું બહાર આવતા, પોલીસે આજે વહેલી સવારે દરોડો પાડીને તેની સત્તાવાર ધરપકડ કરી લીધી છે.
પોલીસ તપાસ અને ગુપ્તચર વિભાગ (ઈન્ટેલિજન્સ) ના સચોટ ઈનપુટ્સ અનુસાર, પોતાને 'પુષ્પા' તરીકે ઓળખાવતા ટીએમસી નેતા જહાંગીર ખાનની થોડા દિવસો પહેલા જ ખંડણી અને અન્ય ગંભીર ગુનાહિત કેસો અંતર્ગત ભારત-નેપાળ સરહદેથી ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડના વિરોધમાં ગત મંગળવારે ફલતાના શતોલ કોલસા વિસ્તારમાં જહાંગીરના હજારો સમર્થકોએ એકત્રિત થઈને ભારે વિરોધ પ્રદર્શન અને હંગામો કર્યો હતો. ગુપ્તચર સંસ્થાઓના અહેવાલ મુજબ, આ હિંસક પ્રદર્શનની આડમાં જ ભીડના એક મોટા હિસ્સાને ભડકાવીને ફલતા પોલીસ સ્ટેશન પર સીધો હુમલો કરવાની અને કસ્ટડી તોડીને આરોપીને ભગાડી જવાની પૂરેપૂરી યોજના ઘડવામાં આવી હતી.
જોકે, આ ભયાનક કાવતરાની ગંધ પોલીસ પ્રશાસનને સમયસર આવી ગઈ હતી. પરિસ્થિતિ વણસે તે પહેલા જ તંત્ર દ્વારા ફલતા અને તેની આસપાસના વિસ્તારોમાં સ્થાનિક પોલીસ સહિત કેન્દ્રીય સુરક્ષા દળો (સેન્ટ્રલ ફોર્સિસ) નો ચુસ્ત અને ભારે કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો, જેના કારણે આ મોટી આતંકી અને હિંસક સાજીશને નેસ્તનાબૂદ કરી શકાઈ હતી. પોલીસ આ કેસમાં પહેલા જ હિંસા ભડકાવવાના આરોપમાં ૮ થી વધુ સક્રિય આરોપીઓની ધરપકડ કરી ચૂકી હતી. આ સમગ્ર તોફાનો અને કાવતરાને પાછળથી હવા આપવા તેમજ નાણાકીય ગોઠવણો કરવાના મજબૂત પુરાવા મળતા જરીના બીબી સામે નામજોગ એફઆઈઆર (FIR) દાખલ કરાઈ હતી અને આજે સવારે તેની ધરપકડ સુનિશ્ચિત કરવામાં આવી હતી.
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
