News of Thursday, 5th November 2026
હવે લગ્ન પહેલાં યુવાનો શીખી શકે છે ‘સુખી' દામ્પત્ય જીવનના ‘પાઠ'
લગ્ન પહેલાં પોતાને અને પાર્ટનરને સમજવાની તકઃ લગ્ન અને પરિવાર સુધીની સમજ મળશે : ગોવામાં એક અનોખી પહેલ

પણજીઃ તા. ૫: લગ્નની ઉંમર થતાં જ ઘરમાં છોકરા-છોકરી માટે પાત્ર શોધવાની શરૂઆત થઈ જાય છે. લગ્નની તારીખથી લઈને કપડાં અને ઘરેણાં સુધીની તમામ તૈયારીઓ કરવામાં આવે છે, પરંતુ જેની સાથે આખી જિંદગી વિતાવવાની છે તેને સમજવાની તૈયારી કેટલી થાય છે? આજના સમયમાં આ એક મોટો સવાલ છે ત્યારે ગોવામાં એક અનોખી પહેલ શરૂ થવા જઈ રહી છે. હવે યુવાનોને લગ્ન પહેલાં ૧૫ દિવસની ખાસ ટ્રેનિગ આપવામાં આવશે, જેમાં માત્ર લગ્ન જ નહીં, પરંતુ લગ્ન પછીનું જીવન કેવી રીતે જીવવું, જીવનસાથી સાથે તાલમેલ કેવી રીતે બેસાડવો અને પરિવારની જવાબદારીઓ કેવી રીતે નિભાવવી તે પણ શીખવવામાં આવશે. એટલે કે હવે લગ્નના ફેરા ફરતાં પહેલાં લગ્નજીવનની સમજણ પણ કેળવવામાં આવશે!
આ અનોખો મેરેજ રેડીનેસ કોર્સ ગોવા કોલેજ ઓફ હોમ સાયન્સના ડિપાર્ટમેન્ટ ઓફ હ્યુમન ડેવલપમેન્ટ એન્ડ ફેમિલી સ્ટડીઝ દ્વારા શરૂ કરવામાં આવી રહ્યો છે. આ કોર્સનો મુખ્ય હેતુ યુવાનોને લગ્ન માટે માત્ર સામાજિક રીતે નહીં, પરંતુ માનસિક અને ભાવનાત્મક રીતે પણ તૈયાર કરવાનો છે. આ કોર્સ ૧૫ દિવસનો રહેશે, જેમાં લગ્નજીવન સાથે જોડાયેલા અનેક મહત્વના વિષયો અંગે સમજ આપવામાં આવશે.
મેરેજ રેડીનેસનો અર્થ માત્ર લગ્નની તૈયારીઓ કરવાનો નથી. તેનો સાચો અર્થ લગ્ન પહેલાં પોતાની જાતને અને પોતાના જીવનસાથીને સમજવાનો છે. દરેક વ્યક્તિનો સ્વભાવ, વિચારવાની રીત, પસંદગી અને અપેક્ષાઓ અલગ હોય છે. જ્યારે બે વ્યક્તિઓ લગ્ન કરીને સાથે રહેવાનું નક્કી કરે છે ત્યારે આ બધી બાબતોને સમજવી જરૂરી બને છે. આ કોર્સ દ્વારા યુવાનોને સંબંધોની આવી જ મહત્વની બાબતો સમજાવવામાં આવશે.
આ ૧૫ દિવસના કોર્સમાં સંબંધોને લગતા અનેક વિષયો સામેલ કરવામાં આવ્યા છે. તેમાં ડેટિગનો હેતુ શું છે, સંબંધમાં એકબીજાને કેવી રીતે સમજવા, જીવનસાથી પાસેથી કઈ પ્રકારની અપેક્ષાઓ રાખવી અને લગ્ન પછી પરિવાર સાથે કેવી રીતે તાલમેલ રાખવા જેવી બાબતો પર ચર્ચા થશે. આ ઉપરાંત, લગ્નજીવનમાં આવતી જવાબદારીઓ અને સંબંધોને સારી રીતે જાળવી રાખવા માટે જરૂરી સમજણ પર ધ્યાન આપવામાં આવશે.
ઘણી વખત યુવાનો પોતાની કારકિર્દી બનાવવા માટે વર્ષો સુધી અભ્યાસ કરે છે, નોકરી માટે તૈયારી કરે છે અને ભવિષ્યનું આયોજન કરે છે, પરંતુ લગ્ન અને પરિવારની જવાબદારી માટે ખાસ તૈયારી કરતા નથી. લગ્ન પછી બંને વ્યક્તિઓએ એકબીજાની પસંદગી, વિચારો અને લાગણીઓનો આદર કરવો પડે છે. ક્યારેક નાની વાતોમાં મતભેદ થાય છે તો ક્યારેક જવાબદારીઓના કારણે મુશ્કેલીઓ ઊભી થાય છે. આવી પરિસ્થિતિમાં સમજદારીથી વાતચીત કરવી અને એકબીજાને સાથ-સહકાર આપવાનું પણ જરૂરી છે.
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
