<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

"હવે હું મુક્ત પક્ષી છું": બંગાળમાં કારમી હાર બાદ મમતા બેનર્જી ભાવુક, 15 વર્ષના પગાર અને પેન્શનનો હિસાબ આપી જાહેર કર્યો ભવિષ્યનો પ્લાન

ચૂંટણી પંચ અને ભાજપ પર 'મત ચોરી'ના ગંભીર આરોપો સાથે દીદીએ તોડ્યું મૌન: પદ છોડ્યા બાદ હવે INDI ગઠબંધનને મજબૂત કરવા સામાન્ય નાગરિકની જેમ લડત આપવાની નેમ

કોલકાતા : પશ્ચિમ બંગાળના રાજકારણમાં 15 વર્ષથી એકહથ્થુ શાસન ભોગવનાર તૃણમૂલ કોંગ્રેસના કિલ્લાના કાંગરા 2026ની વિધાનસભા ચૂંટણીમાં વિખેરાઈ ગયા છે. ભાજપના ઐતિહાસિક વિજય અને TMCના 80 બેઠકો પરના પતન બાદ મમતા બેનર્જીએ મંગળવારે એક હાઈ-વોલ્ટેજ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેઓ ભાવુક જણાતા હતા અને પોતાની જાતને 'મુક્ત પક્ષી' ગણાવી હતી. મમતાએ હારનો સ્વીકાર કરવાને બદલે ચૂંટણી પંચ અને ભાજપની મિલીભગત પર આકરા પ્રહારો કર્યા હતા અને આક્ષેપ કર્યો હતો કે વડાપ્રધાન અને ગૃહમંત્રીની સીધી દખલગીરીને કારણે બંગાળમાં લોકશાહીની હત્યા કરવામાં આવી છે.

પોતાના ત્યાગનો ઉલ્લેખ કરતા મમતા બેનર્જીએ કહ્યું કે, "છેલ્લા 15 વર્ષથી મેં મુખ્યમંત્રી તરીકેના પગાર કે પેન્શનનો એક પણ રૂપિયો લીધો નથી, મેં મારું જીવન લોકોની સેવામાં સમર્પિત કર્યું છે." તેમણે ઉમેર્યું કે હવે સત્તાનું ભારણ હળવું થતા તેઓ વધુ મજબૂતીથી લોકો વચ્ચે જશે. ચૂંટણી પ્રક્રિયા પર સવાલ ઉઠાવતા દીદીએ મોટો ધડાકો કર્યો કે SIR (વોટર લિસ્ટ) માંથી જાણી જોઈને 90 લાખ નામો હટાવવામાં આવ્યા હતા. કોર્ટના હસ્તક્ષેપ બાદ માત્ર 32 લાખ નામો પાછા આવ્યા, છતાં લાખો મતદારોને મતાધિકારથી વંચિત રાખીને ભાજપે 'ગંદી રમત' રમી હોવાનો દાવો તેમણે કર્યો હતો.

ભવિષ્યના પ્લાન અંગે સ્પષ્ટતા કરતા મમતાએ જણાવ્યું કે તેઓ હવે રાષ્ટ્રીય સ્તરે INDI ગઠબંધનને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. અખિલેશ યાદવ સહિતના વિપક્ષી નેતાઓ તેમની મુલાકાતે આવી રહ્યા છે અને આગામી દિવસોમાં દિલ્હીના રાજકારણમાં બંગાળની આ હારની ગૂંજ સંભળાશે તે નક્કી છે. મમતાએ સ્પષ્ટ કર્યું કે તેઓ એક સામાન્ય કાર્યકરની જેમ લડત ચાલુ રાખશે. ભાજપ ભલે સરકાર બનાવવાની તૈયારી કરી રહ્યું હોય, પણ 'દીદી' હવે વિપક્ષના ચહેરા તરીકે નવી ઇનિંગ શરૂ કરવા માટે સજ્જ દેખાઈ રહ્યા છે.

(8:02 PM IST)