<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

લીંબુના ભાવની ખટાશને ખાળવા રસોડે વઘારમાં હવે લીંબુના ફૂલની બોલબાલા

લીંબુના ફૂલ સાઈટ્રિક એસિડનું ઘનસ્‍વરૂપ છે, લાંબા ગાળા સુધીનો ઉપયોગ સ્‍વાસ્‍થ્‍ય માટે હાનિકારક

અંકલેશ્વર,તા.૩૦: લીંબુના ભાવ આસમાને પહોંચ્‍યા છે ત્‍યારે મોટાભાગની ગૃહિણીઓએ ફરજિયાતપણે રસોઈમાં ખટાશ ઘટાડી દેવી પડી છે. જોકે આ કશ્‍મકશમાંથી ઉગરવા ગૃહિણીઓએ લીંબુના ફૂલનો ઉપયોગ શરૂ ગ શરૂ કરી દીધો છે.

રસોડામાં ગૃહિણીઓ દાળ શાકના વઘારમાં ખટાશ સ્‍વરૂપે લીંબુની આવશ્‍યકતા હોય છે પણ લીંબુ મોંઘાદાટ થતાં મોટાભાગની ગૃહિણીઓએ લીંબુના ફૂલનો ઉપયોગ શરૂ કરી દીધો છે.

લીંબુના ફૂલ કંઈ કુદરતી પેદાશ નથી બલ્‍કે સાઈટ્રિક એસિડ નામનું કેમિકલ તત્‍વ છે. એસિડ એટલે કે લીંબુના ફૂલને ખરેખર લીંબુના છોડ કે લીંબુના વૃક્ષ પર ઊગતા ફૂલ સાથે કોઈ લેવા દેવા નથી. સફેદ,  પાસાદાર, કરકરી, ચમકદાર દળેલી ખાંડ જેવા દેખાતાં લીંબુના ફૂલ એ એસિડનું ઘન સ્‍વરૂપ છે. લીંબુ જેવી ખટાશ હોવાથી અને લીંબુની અવેજીમાં વાપરી શકાય એવી ચીજ હોવાથી એનું નામ લીંબુના ફૂલ પડી ગયું છે.ઉનાળામાં ભાવ વધતા મધ્‍યમવર્ગીય અને ગરીબ વર્ગની પ્‍લેટમાંથી લીંબુડા ગાયબ થઈ રહ્યા છે. હોટલ તેમજ લારી-ધાબા, લીંબુના બદલે હવે સરકા અને વિનિગર અથવા લીંબુના ફૂલની વપરાશ તરફ વળ્‍યા છે, તો ગૃહિણીઓ પણ લીંબુના ફૂલનો ખટાશ તરીકે ઉપયોગમાં લઈ રહી છે.

ઘરમાં લીંબુ ન હોય તો દાળમાં ચપટીક લીંબુના ફૂલ નાખી દે. પાણીપૂરીમાં લીંબુ, આમલી, કે આમચૂરની અવેજીમાં પણ લીંબુના ફૂલ ચાલી જાય. પૌંઆ કે મકાઈનો સૂકો ચેવડો ખટમીઠો બનાવવા અને લાંબો સમય ટકી રહે એ માટે એમાં ઉપરથી લીંબુના ફૂલ ભભરાવી દેવાય છે.

(10:17 AM IST)