<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th May 2026

હવે IPLની બાકીની મેચો મર્યાદિત મેદાનો પર અને દર્શકો વગર યોજવા સૂચન:લાખો લીટર એવિએશન ફ્યુઅલ અને પેટ્રોલ-ડીઝલની બચત થશે.

અમેરિકા-ઈરાન યુદ્ધના સંકટ વચ્ચે CTI એ રમતગમત મંત્રીને લખ્યો પત્ર: હવાઈ મુસાફરીમાં લાખો લીટર ઇંધણના વપરાશ સામે ઉઠ્યા સવાલ:IPL ટીમોના ટ્રાવેલિંગથી દેશની તિજોરી પર ભારણ: દર્શકો વગર મેચ રમાડી પેટ્રોલ-ડીઝલની બચત કરવાની સલાહ

મુંબઈ :આઈપીએલ 2026 (IPL 2026) નો પ્રારંભ 28 માર્ચથી થયો છે, પરંતુ હાલમાં સર્જાયેલી વૈશ્વિક સ્થિતિને જોતા આ ભવ્ય આયોજન હવે ચર્ચાના ચકડોળે ચડ્યું છે. ખાસ કરીને અમેરિકા-ઈરાન યુદ્ધની અસરોને કારણે ઈંધણના વધતા ભાવો અને અછત વચ્ચે IPL ટીમોની સતત હવાઈ મુસાફરી ભારત સરકાર પર આર્થિક દબાણ લાવી શકે છે. આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને, ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી (CTI) ના ચેરમેન બ્રિજેશ ગોયલે કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાને પત્ર લખીને IPL 2026 શિડ્યુલમાં ફેરફાર કરવાની માંગ કરી છે

CTI ના અહેવાલ મુજબ, IPL ની ટીમો માટે વપરાતા બોઈંગ 737 અથવા એરબસ A320 જેવા ચાર્ટર્ડ વિમાનો કલાકના સરેરાશ 2400 થી 3000 લીટર ઇંધણ વાપરે છે. જો એક ફ્લાઇટ 2 કલાકની હોય, તો અંદાજે 5000 થી 6000 લીટર એવિએશન ફ્યુઅલ (ATF) વપરાય છે. આ હિસાબે દરેક ટીમ તેની 10 હવાઈ મુસાફરી દરમિયાન અંદાજે 50,000 થી 70,000 લીટર ઇંધણ ખર્ચે છે. એવિએશન ફ્યુઅલનો વપરાશ ઘટાડવા માટે બાકીની મેચો મર્યાદિત મેદાનો પર યોજવી જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી છે.

બ્રિજેશ ગોયલે સૂચન કર્યું છે કે કોરોના કાળની જેમ જ બાકીની મેચો માત્ર ગણતરીના શહેરોમાં અને દર્શકો વગર યોજવી જોઈએ. એક મેચમાં અંદાજે 50,000 દર્શકો આવે છે, જેના કારણે હજારો લીટર પેટ્રોલ અને ડીઝલનો ખર્ચ થાય છે. જ્યારે દેશના વડાપ્રધાન મોદી સહિતના તમામ સ્તરે કરકસરની સલાહ અપાઈ રહી છે, ત્યારે IPL દર્શકો વગરની IPL) યોજીને દેશના સંસાધનોની બચત કરવી એ સમયની માંગ છે.

(5:21 PM IST)