<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

હવે વિદ્યાર્થીઓનો સિસ્‍ટમ પરથી ભરોસો ઉઠી ગયો

કાલે લાઠીચાર્જ, આજે ચિંતા! ......પ્રિયંકા ગાંધીના સરકાર પર આકરા પ્રહાર

નવી દિલ્‍હી,તા.૨૩: વડાપ્રધાન મોદીએ નીટ પેપર લીક મામલે કડક કાર્યવાહી કરવાની અધિકારીઓને સૂચના આપી દીધી છે. આ સાથે જ પીએમ મોદીએ જાહેરાત કરી દીધી છે કે પેપર લીક કેસની સુનાવણી માટે ફાસ્‍ટ ટ્રેક કોર્ટ બનાવવામાં આવશે. પીએમ મોદીના આ નિવેદન પર કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સવાલ ઉઠાવતા કહ્યું કે, પેપર લીકની ઘટનાઓ સતત બની રહી છે, પરંતુ સરકાર આ મામલે કોઈ નક્કર કાર્યવાહી કરી રહી નથી. સિસ્‍ટમથી બાળકો અને વિદ્યાર્થીઓનો ભરોસો ઉઠી ગયો છે, હવે સરકારની આ જાહેરાત પર કેવી રીતે ભરોસો કરવો?

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ‘‘વિદ્યાર્થીઓનો સિસ્‍ટમ પરથી વિશ્વાસ ટૂટી ગયો છે. જ્‍યારે વિશ્વાસ જ નથી રહ્યો, તો સિસ્‍ટમ દ્વારા આપેલા સમાધાનને વિદ્યાર્થીઓ કેવી રીતે સ્‍વીકારશે?'' તેમણે કહ્યું કે, આ વાત દરેક માતા-પિતા સમજે છે અને આપણા વડાપ્રધાન અને સરકારે પણ સમજવી જોઈએ. જો સરકાર ખરેખર સમાધાન ઇચ્‍છે છે, તો પહેલા વિદ્યાર્થીઓની વાત સાંભળે અને તેમની માંગણીઓ પૂરી કરે.

પ્રિયંકા ગાંધીએ કહ્યું, ‘‘આજે દેશના હજારો વિદ્યાર્થીઓ રસ્‍તા પર ઉતર્યા છે, કેટલાક ઈન્‍ડિયા ગેટ પર છે, કેટલાક જંતર-મંતર પર છે અને આખા દેશમાં પ્રદર્શન કરી રહ્યા છે. આવા સમયે નેતાઓએ પોતાનો ડર છોડીને જનતાની વાત સાંભળવી પડશે.'' તેમણે આગળ કહ્યું, ‘‘વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ થયો, અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા. કાલ રાત્રે પણ તેમને મારવામાં આવ્‍યા અને સવારે ટ્‍વીટ કરીને કહેવામાં આવ્‍યું કે, અમને બાળકોની ચિંતા છે. જો ખરેખર ચિંતા હોય તો લાઠીચાર્જ કેમ કરવામાં આવ્‍યો? ટિયર ગેસ કેમ છોડવામાં આવ્‍યો?''

પ્રિયંકાએ કહ્યું કે, ‘‘વિદ્યાર્થીઓને બોલાવો, તેમની સાથે વાત કરો અને તેમની વાત સાંભળો. જો સરકાર વિશ્વાસ પાછો લાવવા માંગે છે, તો સરકારે સિસ્‍ટમની બહાર નીકળીને કેટલાક નક્કર પગલાં લેવા પડશે. પહેલું પગલું શિક્ષણ મંત્રીનું રાજીનામું હોવું જોઈએ.

(3:27 PM IST)