<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

ઇકોનોમી ક્લાસમાં હવે આકાશમાં સૂતા-સૂતા મુસાફરી: એર ન્યુઝીલેન્ડે રજૂ કર્યા 'બંક બેડ', પણ નિયમો વાંચી લેજો!

ફ્લાઇટમાં 4 કલાકની ઉંઘ માટે ચૂકવવા પડશે ₹24,000; નાસ્તો કરવા અને પરફ્યુમ છાંટવા પર રહેશે સખત પ્રતિબંધ

ઓકલેન્ડ, તા. 17: લાંબા અંતરની વિમાની મુસાફરીમાં ઇકોનોમી ક્લાસના મુસાફરો માટે સૌથી મોટો પડકાર 16-18 કલાક સુધી સીધા બેસી રહેવાનો હોય છે. પરંતુ હવે આ સમસ્યાનો ઉકેલ આવી ગયો છે. એર ન્યુઝીલેન્ડ વિશ્વમાં પ્રથમવાર ઇકોનોમી મુસાફરો માટે 'સ્કાયનેસ્ટ' (Skynest) નામના સ્લીપ પોડ્સ એટલે કે બંક બેડની સુવિધા શરૂ કરવા જઈ રહી છે. નવેમ્બરથી બોઇંગ 787-9 ડ્રીમલાઇનર એરક્રાફ્ટમાં મુસાફરો આકાશમાં લંબાવી શકશે.
આલિંગન અને નાસ્તા પર નો-એન્ટ્રી
જોકે, આ લક્ઝરી સુવિધા સાથે કેટલાક વિચિત્ર અને કડક નિયમો પણ જોડાયેલા છે. એરલાઇને સ્પષ્ટ કર્યું છે કે આ બેડમાં 'બેડશેરિંગ' એટલે કે સાથે સૂવાની મનાઈ છે. એક પોડમાં માત્ર એક જ વ્યક્તિ સ્નૂઝ કરી શકશે, પછી ભલે તે બાળક હોય કે પાર્ટનર. આ ઉપરાંત, પોડની અંદર નાસ્તો કરવા પર પ્રતિબંધ છે જેથી ગંદકી ન થાય. સૌથી રસપ્રદ વાત એ છે કે મુસાફરોએ પોડમાં પ્રવેશતા પહેલા ખાસ મોજાં પહેરવા પડશે અને કોઈ પણ પ્રકારના તેજ સુગંધવાળા 'પરફ્યુમ કે લોશન' છાંટવા પર પ્રતિબંધ રહેશે જેથી અન્ય મુસાફરોને અગવડ ન પડે.
કેટલો રહેશે ખર્ચ?
આ 4 કલાકની આરામદાયક ઉંઘ માટે મુસાફરોએ તેમની ટિકિટ ઉપરાંત અંદાજે 495 ન્યુઝીલેન્ડ ડોલર (આશરે ₹24,000 થી વધુ) ચૂકવવા પડશે. આ પોડ્સ ટ્રિપલ-ટાયર (ત્રણ માળના) લેઆઉટમાં હશે. ઓકલેન્ડથી ન્યૂ યોર્ક જેવા લાંબા રૂટ પર આ સુવિધા વરદાન સાબિત થઈ શકે છે. દરેક બર્થ 80 ઇંચ લાંબી છે, પરંતુ તેની ઊંચાઈ ઓછી હોવાથી મુસાફરોએ તેમાં થોડું ક્રોલ કરીને કે વળીને પ્રવેશ કરવો પડશે.
નસકોરાં બોલે તો ચિંતા નહીં!
એરલાઇન જાણે છે કે ગાઢ નિદ્રામાં નસકોરાં તો બોલવાના જ! તેથી તેમણે અગાઉથી જ સ્પષ્ટતા કરી છે કે જો કોઈ મુસાફર નસકોરાં બોલાવશે તો તેની સુરક્ષા માટે અન્ય મુસાફરોને 'ઇયરપ્લગ' આપવામાં આવશે. 4 કલાક પૂરા થતા જ લાઇટિંગમાં ફેરફાર કરીને અથવા ફ્લાઇટ એટેન્ડન્ટ દ્વારા મુસાફરને જગાડવામાં આવશે.
એર ન્યુઝીલેન્ડનું માનવું છે કે બિઝનેસ ક્લાસ જેવી સુવિધા ઇકોનોમી બજેટમાં આપવાનો આ વિશ્વનો પ્રથમ પ્રયોગ છે, જે મુસાફરીનો અનુભવ સંપૂર્ણપણે બદલી નાખશે.

(3:58 PM IST)