<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

હવે નોકરી શોધવા લાઈનોમાં ઊભા રહેવું નહીં પડે, ખુદ ‘બોસ’ બનો! દિલ્હી સરકાર લાવશે ₹૪૦૦ કરોડની ધમાકેદાર સ્ટાર્ટઅપ નીતિ: બિઝનેસ શરૂ કરવા સરકાર આપશે ફંડ

દિલ્હીમાં ‘નોકરી શોધનારા નહીં, નોકરી આપનારા બનો’ ના મંત્ર સાથે નવી યોજના મંજૂર; આઈડિયા સારો હશે તો વિદ્યાર્થીઓ અને યુવાનોના વ્યવસાયનો તમામ ખર્ચ સરકાર ઉપાડશે

નવી દિલ્હી : દિલ્હીમાં રહેતા અને પોતાના દમ પર કંઈક નવું કરવા ઈચ્છતા દેશના યુવાનો માટે એક ખૂબ જ મોટા અને શાનદાર સમાચાર સામે આવ્યા છે. દિલ્હી સરકારે યુવાનો અને વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે એક ઐતિહાસિક નિર્ણય લેતા 'દિલ્હી સ્ટાર્ટઅપ અને ઇન્ક્યુબેશન નીતિ' (Delhi Startup and Incubation Policy) ને મંજૂરી આપી દીધી છે. આ મહત્વાકાંક્ષી યોજના અંતર્ગત આગામી પાંચ વર્ષમાં સરકાર દ્વારા ૪૦૦ કરોડ રૂપિયાથી વધુ નો માતબર ખર્ચ કરવામાં આવશે, જેથી નાણાં અથવા માર્ગદર્શનના અભાવે કોઈ યુવાનનો બિઝનેસ આઈડિયા દબાઈ ન જાય.

કઈ શરતે અને કોને મળશે આ યોજનાનો સીધો લાભ?

સરકારની આ નીતિ પાછળ એક જ મુખ્ય શરત છે કે તમારો બિઝનેસ આઈડિયા (વિચાર) સારો, નવીન અને નિર્ધારિત ધોરણોને પૂર્ણ કરતો હોવો જોઈએ. આ યોજનાનો વ્યાપ અત્યંત મોટો રાખવામાં આવ્યો છે:

· દિલ્હીની ૧૧ રાજ્ય યુનિવર્સિટીઓ, ૧૩ સરકારી સહાયિત કોલેજો, તમામ પોલિટેકનિક અને આઇટી (ITI) સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને યુવા સંશોધકો આનો લાભ લઈ શકશે.

· સરકારી શાળાઓના હોંશિયાર વિદ્યાર્થીઓ પણ નિર્ધારિત કોલેજોના માધ્યમથી પોતાના આઈડિયા સરકાર સમક્ષ રજૂ કરી શકશે.

આઈડિયાથી લઈને માર્કેટ ટેસ્ટિંગ સુધી, દરેક સ્ટેજ પર મળશે નાણાકીય સહાય

દિલ્હી સરકાર માત્ર ઓફિસ ખોલવા માટે જ પૈસા નહીં આપે, પરંતુ સ્ટાર્ટઅપ પ્રક્રિયાના દરેક તબક્કે યુવાનોની આંગળી પકડશે. બિઝનેસ મોડેલ બનાવવું, પ્રોડક્ટ ડેવલપમેન્ટ (ઉત્પાદન વિકસાવવું), માર્કેટમાં તેનું ટેસ્ટિંગ કરવું અને છેલ્લે મોટો વ્યવસાય શરૂ કરવા સુધીના દરેક તબક્કા પૂર્ણ થતાં જ સરકાર આગામી નાણાકીય સહાય રિલીઝ કરશે. આનાથી નવા ઉદ્યોગસાહસિકો પરથી પ્રારંભિક આર્થિક બોજ સંપૂર્ણપણે હળવો થઈ જશે. આ ઉપરાંત, કોલેજોમાં ખાસ 'સ્ટાર્ટઅપ કેન્દ્રો' પણ ઉભા કરાશે જ્યાં નિષ્ણાતો દ્વારા રોકાણકારો (Investors) સાથે જોડાવાની તકો પૂરી પાડવામાં આવશે.

મુખ્યમંત્રી રેખા ગુપ્તાનું મોટું નિવેદન અને દેખરેખ માટે કમિટી

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આ નીતિ અંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "આ માત્ર કાગળ પરની યોજના નથી. અમારો મુખ્ય ઉદ્દેશ્ય દિલ્હીના યુવાનોને નોકરી શોધનારા (Job Seekers) મટાવીને નોકરી આપનારા (Job Providers) બનાવવાનો છે."

યાજનાને સુપરહિટ બનાવવા બે વિશેષ પગલાં:

૧. દિલ્હી સ્ટાર્ટઅપ યુવા મહોત્સવ: દર વર્ષે એક ભવ્ય મહોત્સવ યોજાશે જ્યાં વિદ્યાર્થીઓ, નવા સ્ટાર્ટઅપ્સ, દેશ-વિદેશના મોટા રોકાણકારો અને નીતિ નિર્માતાઓ એક મંચ પર ભેગા થશે.

૨. મોનિટરિંગ સમિતિ (SIPMC): યોજનામાં કોઈ ભ્રષ્ટાચાર કે વિલંબ ન થાય અને જમીની સ્તરે સાચો અમલ થાય તે માટે 'રાજ્ય ઇન્ક્યુબેશન પોલિસી મોનિટરિંગ સમિતિ' ની રચના કરવામાં આવી છે, જે સમગ્ર ભંડોળ અને કામગીરી પર બાજ નજર રાખશે.

 

(7:31 PM IST)