News of Monday, 3rd August 2026
ચીનમાં ભારતીય દૂતાવાસના પ્રથમ ઓપન હાઉસમાં એનઆરઆઈ સમુદાયે રજૂ કરી ગંભીર ચિંતાઓ: ચીની સોશિયલ મીડિયા પર ભારત વિરોધી પ્રચાર, વિઝામાં કાપ અને રોજગારના મુદ્દા ઊછળ્યા
ચીનમાં વસતા ભારતીય વ્યાવસાયિકો સાથે રાજદૂત વિક્રમ દોરાઈસ્વામીની સીધી વાતચીત: કોન્સ્યુલર સેવાઓ સુધારવા, વિઝા પ્રક્રિયા સરળ બનાવવા અને ખોટી માહિતી સામે કડક પગલાં ભરવાનું દૂતાવાસનું વચન.

બેઇજિંગ — તા.૦૩ ચીનના પાટનગર બેઇજિંગ સ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા તાજેતરના વર્ષોમાં પ્રથમ વખત એક ખાસ 'ઓપન હાઉસ' આઉટરીચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ચીનના વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત મોટી સંખ્યામાં ભારતીય વ્યાવસાયિકો અને ડાયસ્પોરાના સભ્યોએ હાજરી આપી હતી. બેઇજિંગમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ચીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ભારતીયો અને ભારતીય સંસ્કૃતિ વિરુદ્ધ ચાલી રહેલા અપમાનજનક પ્રચાર તેમજ વર્ક વિઝામાં આવી રહેલા ઘટાડા અંગે ભારે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
ભારતીય રાજદૂત વિક્રમ દોરાઈસ્વામી, કાઉન્સેલર નીતિનજીત સિંહ અને કાઉન્સેલર રમેશ સિંહની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં એનઆરઆઈ (NRI) સમુદાયે પોતાની મુખ્ય સમસ્યાઓ રજૂ કરી હતી. ખાસ કરીને ચીની સોશિયલ મીડિયા પર ભારતીયોના ખાણી-પીણી, સંસ્કૃતિ અને જીવનશૈલીને લક્ષ્ય બનાવીને વાયરલ કરવામાં આવતી નકારાત્મક સામગ્રી, ચીન દ્વારા ભારતીય વ્યાવસાયિકોને અપાતા જોબ વિઝાની સંખ્યામાં કરાયેલો ઘટાડો અને પતિ/પત્ની (જીવનસાથી) માટે રોજગાર પરના કડક પ્રતિબંધો અંગે દૂતાવાસનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.
ભારતીય રાજદૂત વિક્રમ દોરાઈસ્વામીએ પ્રવાસી ભારતીયોની ચિંતાઓનો સંતોષકારક જવાબ આપતાં જણાવ્યું હતું કે ચીની સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવતી ખોટી માહિતી અને નકારાત્મક સામગ્રી પ્રત્યે ચીનની સરકાર પોતે પણ ચિંતિત છે અને તેને રોકવા માટે જરૂરી પગલાં ભરી રહી છે. સાથોસાથ, ભારતીય દૂતાવાસ પણ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ દ્વારા સત્ય અને તથ્ય આધારિત માહિતી આપીને આ પ્રચારનો યોગ્ય જવાબ આપી રહ્યું છે.
દ્વિપક્ષીય સંબંધો સુધારવાની પહેલના ભાગરૂપે રાજદૂતે મોટી જાહેરાત કરી હતી કે દૂતાવાસ આગામી સપ્તાહથી ભારતીય વિઝા માટે અરજી કરનારા ચીની નાગરિકો માટે દસ્તાવેજી પ્રક્રિયાને વધુ સરળ બનાવશે જેથી બંને દેશો વચ્ચે મુસાફરી સુગમ બની શકે. આ ઉપરાંત, કંપનીઓ કે કામકાજ સંબંધિત કાનૂની સમસ્યાઓનો સામનો કરી રહેલા ભારતીયોને મદદ કરવા માટે કાનૂની નિષ્ણાતોની એક વિશેષ ટીમ તૈયાર કરવામાં આવી રહી છે. એનઆરઆઈ સમુદાયની સમસ્યાઓનો સમયસર ઉકેલ લાવવા માટે આવા ઓપન હાઉસ કાર્યક્રમો નિયમિત ધોરણે યોજવામાં આવશે તેવું પણ આશ્વાસન આપવામાં આવ્યું હતું.
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
