<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

NTA ની જીદ: "CBI પુષ્ટિ ન કરે ત્યાં સુધી પેપર લીક નહીં માનીએ" : સંસદીય સમિતિમાં અધિકારીઓ પર સવાલોનો મારો

પેપર લીક થયું નથી તો પરીક્ષા કેમ રદ કરી? સાંસદોના વેધક સવાલો સામે NTA મૌન: રાજસ્થાનથી મહારાષ્ટ્ર સુધી ફેલાયેલા કૌભાંડમાં CBI ના ધડાકા છતાં એજન્સીએ 'અનિયમિતતા' કહીને હાથ અધ્ધર કર્યા

નવી દિલ્હી:  દેશની સૌથી પ્રતિષ્ઠિત મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG 2026 ના પેપર લીક વિવાદે હવે રાજકીય અને કાનૂની સ્વરૂપ ધારણ કર્યું છે. ગુરુવારે શિક્ષણ વિષયક સંસદીય સ્થાયી સમિતિ સમક્ષ હાજર થયેલા NTA (નેશનલ ટેસ્ટિંગ એજન્સી) ના વરિષ્ઠ અધિકારીઓએ આશ્ચર્યજનક બચાવ કરતા જણાવ્યું હતું કે, તેમની સિસ્ટમમાંથી કોઈ પેપર લીક થયું નથી. કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહની અધ્યક્ષતાવાળી સમિતિમાં જ્યારે NTA ના મહાનિર્દેશક અભિષેક સિંહને પૂછવામાં આવ્યું કે પેપર લીકના પુરાવા હોવા છતાં તેઓ તેને કેમ નકારી રહ્યા છે, ત્યારે તેમણે જવાબ આપ્યો કે જ્યાં સુધી CBI સત્તાવાર રીતે તેના અહેવાલમાં 'લીક' શબ્દનો ઉલ્લેખ ન કરે ત્યાં સુધી એજન્સી તેને માત્ર 'અનિયમિતતા' જ ગણશે.

NTA ના આ તર્ક સામે વિપક્ષી સાંસદોએ આકરા પ્રહારો કર્યા હતા. સાંસદોએ સવાલ ઉઠાવ્યો હતો કે જો પેપર લીક થયું જ નહોતું, તો પછી લાખો વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરીને ફરીથી લેવાનો નિર્ણય કેમ લેવો પડ્યો? એજન્સી પાસે આ સવાલનો કોઈ સંતોષકારક જવાબ નહોતો. અધિકારીઓએ માત્ર એટલું જ કહીને બચાવ કર્યો કે વિદ્યાર્થીઓનો વિશ્વાસ જાળવી રાખવા માટે ફરીથી પરીક્ષા લેવામાં આવી રહી છે. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે એજન્સી પોતાની જવાબદારી સ્વીકારવાને બદલે તપાસ એજન્સીઓના ઓથા હેઠળ છુપાઈ રહી છે, જેનાથી ભવિષ્યની પરીક્ષાઓની વિશ્વસનીયતા સામે પણ મોટા પ્રશ્નાર્થો ઉભા થયા છે.

બીજી તરફ, CBI ની તપાસમાં દરરોજ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ કૌભાંડ રાજસ્થાનથી શરૂ થઈને મહારાષ્ટ્ર, હરિયાણા અને કેરળ સુધી ફેલાયેલું છે, જેમાં વનસ્પતિશાસ્ત્રના શિક્ષકો અને કોચિંગ સંચાલકોની ધરપકડ કરવામાં આવી છે. હાથથી લખાયેલા પેપરની PDF વોટ્સએપ પર વાયરલ કરવા માટે વિદ્યાર્થીઓ પાસેથી ₹2 લાખથી ₹5 લાખ સુધીની વસૂલાત કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. હવે જ્યારે 21 જૂને ફરીથી પરીક્ષા યોજાવાની છે, ત્યારે NTA ની કાર્યપ્રણાલી અને સંસદમાં તેમની ગોળ-ગોળ વાતોએ દેશભરના લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ જગાડ્યો છે.

(2:40 PM IST)