News of Friday, 22nd May 2026
NEET પુનઃપરીક્ષા માટે NTAનો ‘ઝીરો ટ્રસ્ટ’ એક્શન પ્લાન: માત્ર ૩૦ દિવસમાં પરીક્ષાનું આયોજન એજન્સી માટે મોટો લોજિસ્ટિકલ પડકાર
પેપર લીક વિવાદ બાદ હાઈ-ટેક મોનિટરિંગ અને સોશિયલ મીડિયા પર કડક નજર; એજન્સીના સૂત્રોએ કહ્યું- સામાન્ય રીતે ૬ મહિનાની તૈયારી જોઈએ, પણ ૨૧ જૂને દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે

નવી દિલ્હી, તા.૨૨: દેશની સૌથી મોટી તબીબી પ્રવેશ પરીક્ષા ‘NEET-UG’ ના પેપર લીક વિવાદ અને ભારે હોબાળા બાદ, હવે આગામી ૨૧ જૂનના રોજ યોજાનારી પુનઃપરીક્ષા (Re-exam) માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ કમર કસી લીધી છે. પરીક્ષા માટે એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે ત્યારે એજન્સીના આંતરિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, NTA હાલમાં "ઝીરો ટ્રસ્ટ" (કોઈના પર ભરોસો નહીં) ના અભિગમ હેઠળ કામ કરી રહી છે. તમામ સંભવિત છટકબારીઓ અને ખામીઓને દૂર કરવા માટે ઉચ્ચ સ્તરીય દેખરેખ, નિયમિત ઓડિટ અને સોશિયલ મીડિયા પર કડક મોનિટરિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.
૩૦ દિવસની ડેડલાઇન એટલે કે ‘ટિક ટિક કરતી ઘડિયાળ’
એજન્સીના સૂત્રોએ ન્યૂઝ એજન્સી ANI ને જણાવ્યું કે, સામાન્ય રીતે આટલી મોટા પાયે રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓ યોજવા માટે લગભગ છ મહિના જેટલા લાંબા સમયની આયોજનબદ્ધ તૈયારીઓની જરૂર પડે છે. પરંતુ માત્ર ૩૦ દિવસની અંદર આખી પરીક્ષા ફરીથી ગોઠવવી એ એક "મોટો લોજિસ્ટિકલ પડકાર" છે. નામ ન આપવાની શરતે એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, “ઘડિયાળ સતત ટિક ટિક કરી રહી છે. સમય ખૂબ ઓછો છે અને જો આ વખતે પણ નાની સરખી ચૂક રહી ગઈ, તો તે મોટી આપત્તિ સાબિત થઈ શકે છે. NTA તેના દેશના હોનહાર વિદ્યાર્થીઓને વારંવાર નિષ્ફળ ન કરી શકે, તે યુવાનો સાથે સદંતર અન્યાય છે.”
ટેલિગ્રામ અને ડાર્ક વેબ પર નજર, માફિયાઓથી પ્રોટોકોલ ગુપ્ત રખાશે
અગાઉની NEET પરીક્ષામાં ગેરરીતિઓ સામે આવ્યા બાદ દેશભરમાં વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો, જે હાલમાં CBI તપાસ હેઠળ છે. નવી પરીક્ષાને સુરક્ષિત બનાવવા માટે NTA એ આંતરિક રીતે બધું જ બદલી નાખ્યું છે. ક્રોસ-ચેકિંગ મિકેનિઝમ એટલી મજબૂત કરાઈ છે કે ક્યાંય કોઈ શંકાને સ્થાન ન રહે. તપાસકર્તાઓને શંકા છે કે અગાઉ પેપર લીક માટે ટેલિગ્રામ જેવી સોશિયલ મીડિયા એપ્સનો ઉપયોગ થયો હતો, તેથી આ વખતે ટેલિગ્રામ ચેનલો અને શંકાસ્પદ ગ્રુપો પર ૨૪ કલાક નજર રાખવામાં આવી રહી છે. જો કે, સુરક્ષાના કયા ચોક્કસ પગલાં લેવાયા છે તે જાહેરમાં જાહેર કરવામાં આવ્યું નથી, જેથી નકલ કરાવી આપતી માફિયા ગેંગ તેનો તોડ ન શોધી શકે.
આંતરિક ‘તત્વો’ સામે લડવું સૌથી અઘરું
જ્યારે સૂત્રોને પૂછવામાં આવ્યું કે શું આ કૌભાંડમાં પ્રિન્ટિંગ પ્રેસ, પરીક્ષા કેન્દ્રો કે શિક્ષકો જેવા આંતરિક લોકો સામેલ હતા? ત્યારે તેમણે સ્વીકાર્યું કે સિસ્ટમમાં બેઠેલા બદમાશ તત્વોને હેન્ડલ કરવા એ સૌથી મોટો પડકાર છે. જે લોકો વર્ષોથી એજન્સી સાથે વફાદારીપૂર્વક કામ કરતા હોય, તેઓ પણ ક્યારેક લાલચમાં આવીને ગદ્દારી કરી બેસે છે. જો કે, તેમણે દાવો કર્યો કે અગાઉ આખું પેપર લીક નહોતું થયું, પરંતુ પેપરનો માત્ર એક ચોક્કસ ભાગ જ લીક થયો હતો. હાલમાં આ કેસની તપાસ સીબીઆઈના હાથમાં છે અને એનટીએ તેમાં કોઈ દખલગીરી કરી રહ્યું નથી. એજન્સીના સૂત્રોએ આત્મવિશ્વાસ સાથે અંતમાં એટલું જ કહ્યું કે, “અમે પડદા પાછળ જે મહેનત કરી રહ્યા છીએ, તેનું પરિણામ આગામી ૨૧ જૂને આખી દુનિયા સામે સાબિત થઈ જશે.”
(5:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
