<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

વચનોમાં નંબર-૧: સુરક્ષામાં ઝીરો અસુરક્ષિત વિકાસની દોટમાં વડીલો

સિનિયર સિટિઝનો નિશાનેઃ પાંચ વૃધ્‍ધા બળાત્‍કારનો ભોગ બની, એક વડીલ મહિલા જાતીય સતામણીનો શિકાર થઇ

નવી દિલ્‍હી તા.૨૩: ગુજરાત એટલે શાંતિ, સલામતી અને વાઈબ્રન્‍ટ મોડેલની ગેરંટી. આ એ જ સ્‍લોગન છે જે ચૂંટણીની મોસમમાં વોટબેંકને રિઝવવા માટે દીવાલો પર અને નેતાઓના ભાષણોમાં ચમકતું રહે છે. પરંતુ કમનસીબે, સરકારી આંકડાઓ જ સલામત ગુજરાતની હવા કાઢી રહ્યા છે. હવે એવા દિવસો આવ્‍યા છે કે યુવાનો તો ઠીક, ગુજરાતમાં ૬૦થી વધુ વયના સિનિયર સિટીજનો પણ ઘરમાં કે રસ્‍તા પર સલામત નથી. એકલા રહેતા વૃધ્‍ધો જાણે ભગવાન ભરોસે હોય તેવું ચિત્ર ઉપસ્‍યુ છે. સિનિયર સિટીઝનોહવે ગુનેગારોના નિશાને રહ્યાં છે. છેલ્‍લાં એક જ વર્ષમાં વૃધ્‍ધોની હત્‍યા, બળાત્‍કાર, જાતીય સતામણી, લૂંટ-ચોરી સહિત છેતરપિડીને લગતાં કુલ ૩૫૦ ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયા છે.

નેશનલ કાઈમ બ્‍યૂરોના ૨૦૨૪ના જારી કરાયેલા રિપોર્ટના સત્તાવાર આંકડાઓ ચિંતાજનક છે કેમકે, શાંત-સલામત રાજ્‍યની ઓળખ ધરાવતાં ગુજરાતમાં એક જ વર્ષમાં ૩૫થી વધુ અસહાય વૃદ્ધોની નિર્મમ હત્‍યા કરી દેવામાં આવી છે. સૌથી વધુ આઘાતજનક અને શરમજનક બાબત એ છે કે, પાંચ વૃદ્ધા બળાત્‍કારનો ભોગ બની છે અને એક વડીલ મહિલા જાતીય સતામણીનો શિકાર થઈ છે. ચૂંટણી સભાઓમાં 'મા-બહેનોની સુરક્ષા પર કલાક સુધી ભાષણ આપતા શાસકો આવા સંવેદનશીલ મુદ્દા પર મો સીવીને બેઠાં છે. સીસીટીવી કેમેરા અને લેટેસ્‍ટ છે ટેકનોલોજીથી સજજ હાઈટેક સાધનો માટે સરકાર મોટા-મોટા બજેટ મંજૂર કરે પરંતુ ગુજરાતમાં સિનિયર સીટીજનોના ઘેર લૂંટ થઈ હોય તેવા ૧૫ કિસ્‍સા બન્‍યાં હતાં. ૮૧ વૃધ્‍ધોના ઘેરાથી ચોરી થઇ હતી. ૬૦ સિનિયર સીટીજનો સાથે ગઠીયાઓએ છેતરપીંડી કરી હતી. ૨૫ વૃધ્‍ધો સાથે સ્‍નેચિગ કરીને ઘરેણાં પડાવી લેવાયાં હતાં.

સિનિયર સિટીજનોને લઈને સૌથી વધુ ગુનાઓ અમદાવાદમાં નોંધાયાં છે. અમદાવાદ શહેરમાં વૃધ્‍ધોના ઘેર ચોરી થઈ હોય તેવા ૬૫ કિસ્‍સા બન્‍યાં હતાં. પાંચના ઘેર લૂંટ થઈ હતી. જ્‍યારે સ્‍નેચિગ કરી ૧૩ વૃધ્‍ધો પાસેથી દાગીના સહિત રકમ છિનવી લેવાઇ હતી.

એકલા રહેતા વૃદ્ધો જ ગુનેગારોના નિશાને રહ્યાં છે ત્‍યારે તેમની સુરક્ષા ભગવાન ભરોસે છે. ગુનેગારોને જાણે પોલીસનો ડર રહ્યો નથી, સિનિયર સિટીજનો માટે રજિસ્‍ટ્રેશન ઉપરાંત નાઈટ પેટ્રોલિગ જેવી યોજનાઓ શરૂ તો કરાઈ, પરંતુ તંત્રની ધોર નિષ્‍ક્રિયતાને લીધે આ બધુ માત્ર સરકારી પ્રસિધ્‍ધિ પૂરતી સીમિત રહી ગઈ છે.

વર્ષ ૨૦૨૪માં સિનિયર સિટીઝનોને લગતાં કેટલાં ગુનાઓ નોંધાયાં

ગુના            કેસો

બળાત્‍કાર       ૫

હુમલો          ૫

ખૂન            ૩૭

ચોરી           ૮૧

સ્‍નેચિંગ         ૨૫

લૂંટ             ૧૫

છેતરપિંડી      ૬૦

અપહરણ       ૧

નાણાં વસૂલી    ૨

૫૩૨૫ આરોપીઓ પકડાયાં,

૨૯ દોષી, ૫૧૬ તો નિર્દોષ છૂટયાં

ગુજરાતમાં સિનિયર સિટીજનો જાણે અસલામત હોય તેવુ ચિત્ર ઉપસ્‍યું છે. જોકે, સિનિયર સિટીજનોને લગતાં હજુ ૧૩૯ કેસો તો પેન્‍ડિંગ પડ્‍યાં છે. વર્ષ ૨૦૨૪માં કુલ ૩૫૦ કેસો નોંધાયાં હતાં. અત્‍યાર સુધીમાં નોંધાયેલા ગુનાઓમાં કુલ મળીને પોલીસે ૫૩૨૫ આરોપીઓને જેલ ભેગા કર્યા હતાં જેમાં ૪૮ મહિલા આરોપીનો પણ સમાવેશ થાય છે. આ ગુનાઓમાં ૨૯ આરોપીઓ દોષિત સાબિત થયા હતાં જ્‍યારે ૫૧૬ને તો નિર્દોષ જાહેર કરી છોડી મૂકાયાં હતા

 

(11:51 AM IST)