<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

પાંચ રાજ્યોમાં મુસ્લિમ ધારાસભ્યોની સંખ્યામાં ઘટાડો :ભાજપે કોંગ્રેસને 'નવી મુસ્લિમ લીગ' ગણાવી:કોંગ્રેસે 78% હિંદુ ધારાસભ્યો હોવાનો ડેટા બતાવ્યો

પશ્ચિમ બંગાળમાં છેલ્લા 15 વર્ષમાં મુસ્લિમ પ્રતિનિધિત્વ 59થી ઘટીને 40 પર પહોંચ્યું:આસામમાં પણ ઘટાડો :કેરળ અને તમિલનાડુમાં નજીવો વધારો:ભાજપમાં એકપણ મુસ્લિમ ધારાસભ્ય નથી, જ્યારે કોંગ્રેસના આસામના 19માંથી 18 ધારાસભ્યો મુસ્લિમ

નવી દિલ્હી :ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં થયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી ચુક્યા છે. પશ્ચિમ બંગાળ અને આસામમાં ભાજપે ભગવો લહેરાવ્યો છે. ત્યારે કેરળમાં કૉંગ્રેસ  ગઠબંધન એટલે કે યુડીએફ (UDF) ની જીત થઈ છે. તમિલનાડુમાં પહેલીવાર એક્ટર વિજયની પાર્ટી ટીવીકે (TVK) એ સૌથી મોટી પાર્ટી તરીકે રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો કર્યો છે. કોંગ્રેસ ટીવીકેને સરકાર બનાવવા માટે સમર્થન આપવાની છે. પુડ્ડુચેરીમાં ફરી એકવાર એનડીએ સત્તામાં આવ્યું છે. પરિણામો બાદ આ પાંચ રાજ્યોમાં જો મુસ્લિમ ધારાસભ્યોની વાત કરીએ, તો 2021ના મુકાબલે તેની સંખ્યા ઘટી ગઈ છે. બંગાળમાં 15 વર્ષમાં મુસ્લિમ ધારાસભ્યોની સંખ્યા 59થી ઘટીને 40 પર પહોંચી છે.

આ વર્ષે પાંચ રાજ્યોમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં કુલ 823 ધારાસભ્યો ચૂંટાયા છે. તેમાંથી 12.27 ટકા એટલે કે 101 મુસ્લિમ ધારાસભ્યો છે. આમાથી એકપણ મુસ્લિમ ધારાસભ્ય ભાજપનો નથી. બંગાળ, આસામ, કેરલમ, તમિલનાડુ અને પુડ્ડુચેરીની વાત કરીએ તો કેરલમને છોડીને બાકીના સ્થાનો પર મુસ્લિમોની વસ્તીના હિસાબથી વિધાનસભામાં તેમનું પ્રતિનિધિત્વ ઓછું છે.

 

પશ્ચિમ બંગાળમાં 2011ની વસ્તીગણતરી મુજબ, 27.01 ટકા મુસ્લિમ છે. તેમાંથી આ વખતે 293 ધારાસભ્યોમાંથી 40 મુસ્લિમ ધારાસભ્યો ચૂંટાયા છે. તે બંગાળ વિધાનસભા (Bengal Assembly) ની કુલ બેઠકોના માત્ર 13.65 ટકા છે. 2011માં 59 અને 2016માં 56 મુસ્લિમ ધારાસભ્યો બંગાળમાં ચૂંટાયા હતા. 2026ની ચૂંટણીમાં ટીએમસીના 80 ધારાસભ્યોમાંથી 34 મુસ્લિમ છે. બંગાળમાં કોંગ્રેસના ચૂંટાયેલા બંને ધારાસભ્યો પણ મુસ્લિમ છે. આ સિવાય સીપીએમના ચૂંટાયેલા 1, AUDF ના 2 અને ISF ના ચૂંટાયેલા 1 ધારાસભ્ય પણ મુસ્લિમ છે. આસામમાં કૉંગ્રેસના 19 ધારાસભ્યોમાંથી 18 ધારાસભ્યો મુસ્લિમ છે.

પશ્ચિમ બંગાળમાં 2021માં 42 મુસ્લિમ ધારાસભ્યોની સંખ્યા ઘટીને 2026માં 40ની થઈ છે.

આસામમાં 2021માં 31 મુસ્લિમ ધારાસભ્યો હતા અને હવે 2026માં તેમની સંખ્યા 19ની થઈ છે.

કેરલમમાં 2021માં 32 મુસ્લિમ ધારાસભ્યો હતા અને 2026માં તેમની સંખ્યા વધીને 35 થઈ છે.

તમિલનાડુમાં 2021માં 6 મુસ્લિમ ધારાસભ્યો ચૂંટાયા હતા અને 2026માં તેમની સંખ્યા 7ની થઈ છે.

પુડ્ડુચેરીમાં 2021માં 1 મુસ્લિમ ધારાસભ્ય ચૂંટાયો હતો અને 2026માં અહીં એકપણ મુસ્લિમ ધારાસભ્ય નથી.

 

ભાજપ આઈટી સેલ ના પ્રમુખ અમિત માલવીયે સોશયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું છે કે આસામમાં કોંગ્રેસના ધારાસભ્યોના નામ જુઓ. આ પેટર્નને અવગણવી મુશ્કેલ છે. કોંગ્રેસ નવી મુસ્લિમ લીગ છે. માલવીયની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે પણ પલટવાર કરતા લખ્યું છે કે કોંગ્રેસના કુલ 664 ધારાસભ્યો છે અને તેમાંથી 78 ટકા એટલે કે 520 હિંદુ છે. 12 ટકા એટલે કે 80 ધારાસભ્યો મુસ્લિમ છે. જ્યારે અન્ય ધર્મના 10 ટકા એટલે કે 64 ધારાસભ્યો છે.

કેરલમમાં 35 મુસ્લિમ ધારાસભ્યોમાંથી 30 સત્તારુઢ ગઠબંધનના ધારાસભ્ય છે. કોંગ્રેસના 8 અને મુસ્લિમ લીગના 22 મુસ્લિમ ધારાસભ્યો છે. જ્યારે સીપીએમના 4, સીપીઆઈના 1 મુસ્લિમ ધારાસભ્ય છે. કેરલમમાં મુસ્લિમોની વસ્તી 26.56 ટકા છે અને મુસ્લિમ ધારાસભ્યોની સંખ્યા રાજ્યની વિધાનસભામાં 25 ટકા છે.

તમિલનાડુ માં મુસ્લિમોની વસ્તી 5.86 ટકા છે અને કુલ 234 ધારાસભ્યોમાંથી 7 એટલે કે 2.99 ટકા મુસ્લિમ સમુદાયમાંથી છે. તમિલનાડુમાં ડીએમકેના 3, મુસ્લિમ લીગના 2, ટીવીકેના 1 અને કોંગ્રેસના 1 ધારાસભ્ય મુસ્લિમ છે.

પુડ્ડુચેરીમાં મુસ્લિમોની વસ્તી 6.05 ટકા છે, પરંતુ અહીં મુસ્લિમ સમુદાયનો કોઈપણ ધારાસભ્ય નથી.

આ પાંચ પ્રદેશોમાં 2021માં કુલ 827 ધારાસભ્યોમાંથી 112 એટલે કે 13.54 ટકા મુસ્લિમ હતા.

2021માં બંગાળમાં 294માંથી 42 મુસ્લિમ ધારાસભ્યો હતા.અહીં 2016માં 56 અને 2011માં 59 મુસ્લિમ ધારાસભ્ય હતા.

કેરલમમાં 140 બેઠકોમાંથી 32 બેઠકો પર મુસ્લિમ ધારાસભ્યો હતા. તેમાંથી 15 મુસ્લિમ લીગના, 3 કોંગ્રેસના, 9 સીપીએમ (CPM) અને અન્ય પક્ષોમાંથી ચૂંટાયા હતા.

2021માં તમિલનાડુની 234 બેઠકોમાંથી 6 બેઠકો પર મુસ્લિમ ધારાસભ્ય હતા અને તે તમામ ડીએમકેના ધારાસભ્ય હતા.

2021માં પુડ્ડુચેરીમાં 30માંથી ચૂંટાયેલા 1 મુસ્લિમ ધારાસભ્ય ડીએમકે (DMK) ના હતા.

(8:56 PM IST)