News of Sunday, 25th October 2026
ઓબીસી ક્રીમી લેયર વિવાદમાં દેશનું નૌકરશાહી માળખું અટક્યું: UPSC પરીક્ષા પાસ કરનારા 958 નવા અધિકારીઓની તાલીમ રોકાઈ
લાલ બહાદુર શાસ્ત્રી એકેડેમીમાં આઝાદી પછી પ્રથમ વખત ફાઉન્ડેશન કોર્સ રદ: સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કાનૂની ગૂંચવણ ઊભી થતાં કેન્દ્ર સરકાર પણ અનિર્ણાયક

નવી દિલ્હી : દેશની સૌથી પ્રતિષ્ઠિત યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) સિવિલ સર્વિસીસ પરીક્ષા (CSE) 2025 સફળતાપૂર્વક પાસ કરનારા 958 ભાવિ અધિકારીઓની કારકિર્દી હાલમાં કાનૂની વિવાદના કારણે અધ્ધરતાલ થઈ ગઈ છે. મસૂરી સ્થિત લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશન (LBSNAA) ખાતે સામાન્ય રીતે ઓગસ્ટના અંતમાં કે સપ્ટેમ્બરના પ્રારંભમાં શરૂ થતો ફાઉન્ડેશન કોર્સ આ વખતે સ્થગિત કરી દેવામાં આવ્યો છે. સ્વતંત્ર ભારતની હિસ્ટ્રીમાં આ પ્રથમ એવી ઘટના છે જ્યારે આઈઈએસ અને આઈપીએસ સહિતના અધિકારીઓ માટેનો આ પાયાનો તાલીમ કાર્યક્રમ સંપૂર્ણપણે બંધ કરવો પડ્યો છે.
આ સમગ્ર વિવાદની પાછળ અન્ય પછાત વર્ગો (OBC) માં ક્રીમી લેયર નક્કી કરવા અંગેની કાનૂની ગૂંચવણ જવાબદાર છે. સુપ્રીમ કોર્ટે 11 માર્ચ, 2026 ના રોજ ક્રીમી લેયર સંબંધિત ચુકાદો આપ્યા બાદ, કેન્દ્ર સરકારે 24 ઓગસ્ટના રોજ વળતી અરજી કરીને ચુકાદા અંગે સ્પષ્ટતા માંગી હતી. ત્યારબાદ 24 સપ્ટેમ્બરે અદાલતે પોતાનો ચૂકાદો અનામત રાખ્યો હતો, જેના કારણે નવા પસંદ થયેલા અધિકારીઓની સેવા ફાળવણી (સર્વિસ એલોકેશન) અને ફાઉન્ડેશન કોર્સની પ્રક્રિયાને તાત્કાલિક અસરથી રોકી દેવાઈ. સફળ ઉમેદવારો સતત LBSNAA ની વેબસાઇટ રિફ્રેશ કરીને અને સત્તાવાર કૉલની રાહ જોઈને અસમંજસની સ્થિતિમાં દિવસો વિતાવી રહ્યા છે.
ક્રીમી લેયર સિસ્ટમનો મૂળ હેતુ ઓબીસી વર્ગના વાસ્તવિક જરૂરિયાતમંદો સુધી જ અનામતનો લાભ પહોંચાડવાનો છે, જે અંતર્ગત સરકારી ક્ષેત્ર બહારની વ્યક્તિઓ માટે વર્ષ 2017 થી વાર્ષિક રૂ. 8 લાખની આવક મર્યાદા નક્કી કરાઈ હતી. જોકે, સુપ્રીમ કોર્ટે 11 માર્ચે ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું હતું કે ક્રીમી લેયર નક્કી કરવા માટે માત્ર આવક એકમાત્ર માપદંડ હોઈ શકે નહીં અને સમાન સ્થિતિ ધરાવતા OBC ઉમેદવારો સાથે અસમાન વર્તન બંધારણીય રીતે અસ્વીકાર્ય છે. ઉલ્લેખનીય છે કે 2016 થી અત્યાર સુધીમાં આશરે 100 જેટલા ઉમેદવારો એવા છે જેમણે UPSC પાસ કરી હોવા છતાં તેમનો OBC દરજ્જો ક્રીમી લેયરના નિયમો હેઠળ નકારી કાઢવામાં આવ્યો હતો.
LBSNAA ના અધિકારીઓના જણાવ્યા અનુસાર તાલીમ અભ્યાસક્રમ માટેની આંતરિક તૈયારીઓ ચાલી રહી છે પરંતુ તાલીમની સત્તાવાર શરૂઆતની તારીખ અંગે ઉચ્ચ સ્તરેથી લીલી ઝંડી મળવાની બાકી છે. સર્વોચ્ચ અદાલત દ્વારા અનામત રાખવામાં આવેલો આખરી આદેશ આવ્યા બાદ જ કેન્દ્ર સરકાર સેવા ફાળવણીની પ્રક્રિયા આગળ ધપાવશે. આ કાનૂની મડાગાંઠ ઉકેલાયા બાદ જ દેશને નવા 958 સિવિલ અધિકારીઓ મળવાનો માર્ગ મોકળો બનશે અને તાલીમ સત્રનું નવું ટાઇમટેબલ જાહેર કરવામાં આવશે.
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
