News of Wednesday, 15th July 2026
દિલ્હીમાં સરકારી કામમાં વિલંબ કરનારા અધિકારીઓ પર હવે થશે દંડનો કડાકો: નવી 'રાઈટ ટુ સર્વિસ બિલ'ને મળી મંજૂરી
સમયસર સેવા ન આપનાર અધિકારીને દૈનિક ૨૫૦ રૂપિયા લેખે થશે દંડ, પ્રક્રિયા સંપૂર્ણ ડિજિટલ બનવાથી નાગરિકોને સરકારી કચેરીઓના આંટાફેરામાંથી મળશે મુક્તિ

નવી દિલ્હી:દિલ્હી સરકાર દ્વારા નાગરિકોને પડતી હાલાકી દૂર કરવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં 'નાગરિકોનું સમયબદ્ધ અને સુગમ સેવા પ્રદાન અધિકાર વિધેયક, ૨૦૨૬'ને મંજૂરી આપવામાં આવી છે. આ નવા કાયદાના અમલ બાદ દિલ્હીમાં સરકારી સેવાઓ મેળવવી હવે નાગરિકોનો કાયદાકીય અધિકાર બની જશે.
આ નવા કાયદાની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં સરકારી અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવી છે. જો કોઈ પણ સરકારી અધિકારી નિર્ધારિત સમય મર્યાદામાં નાગરિકને સેવા પૂરી પાડવામાં નિષ્ફળ જશે, તો તેમના પર પ્રતિદિન ૨૫૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ દંડની રકમ મહત્તમ ૫,૦૦૦ રૂપિયા સુધી પહોંચી શકે છે.
સંપૂર્ણ પ્રક્રિયા ડિજિટલ અને પારદર્શક
આ નવા વિધેયક અંતર્ગત સરકારી સેવાની સમગ્ર પ્રક્રિયાને ડિજિટલ બનાવવામાં આવશે. દરેક અરજીને એક વિશિષ્ટ આઈડેન્ટિફિકેશન નંબર (UID) આપવામાં આવશે, જેના દ્વારા નાગરિકો ઘરે બેઠા પોતાની ફાઈલની સ્થિતિ જાણી શકશે. આ વ્યવસ્થાના કારણે વચેટિયાઓ અને સરકારી કચેરીઓના બિનજરૂરી આંટાફેરા બંધ થશે. ઉપરાંત, 'ઓટોમેટિક એસ્કેલેશન' નામની નવી સિસ્ટમ દાખલ કરવામાં આવી છે. જેમાં જો નિયત સમયમાં કામ નહીં થાય, તો અરજી આપોઆપ ઉચ્ચ અધિકારી કે ફરિયાદ નિવારણ પ્રાધિકારી પાસે પહોંચી જશે.
સેવાઓ માટે નિર્ધારિત સમય-મર્યાદા (મુખ્ય વિગતો):
સરકાર દ્વારા વિવિધ સેવાઓ માટે સ્પષ્ટ સમય-મર્યાદા નક્કી કરવામાં આવી છે, જે નીચે મુજબ છે:
૧ દિવસ: દુકાન નોંધણી, નિર્માણ સામગ્રી સંગ્રહની મંજૂરી.
૧૫ દિવસ: સીવર કનેક્શન, ફિલ્મ શૂટિંગની મંજૂરી, ફેક્ટરી પ્લાન મંજૂરી, બેટરી વેસ્ટ મેનેજમેન્ટ.
૨૧ દિવસ: કીટનાશક નિયંત્રણ લાયસન્સ, બીજ લાયસન્સ અને વેચાણ નોંધણી.
૩૦ દિવસ: મોબાઈલ ટાવર સ્થાપના, બાર લાયસન્સ, બિલ્ડર અને રિયલ એસ્ટેટ એજન્ટ નોંધણી.
૪૫ દિવસ: તોલ-માપના સાધનોનું પંજીકરણ, રોડ કટિંગની પરવાનગી.
૬૦ દિવસ: વીજળી મીટર કનેક્શન, વોટર સ્પોર્ટ્સ નોંધણી, હોટલ નોંધણી, બૂચડખાના લાયસન્સ, વૃક્ષ કાપવાની મંજૂરી.
આ કાયદાના અમલીકરણ અને દેખરેખ માટે એક સ્વતંત્ર 'દિલ્હી સેવા અધિકાર આયોગ'ની રચના પણ કરવામાં આવશે, જે ફરિયાદોની સુનાવણી કરશે અને लापरવાહ અધિકારીઓ સામે કડક કાર્યવાહીની ભલામણ કરી શકશે.
(9:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
