<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

દુશ્મની એક બાજુ, વેપાર ચાલુ! સત્તાવાર પ્રતિબંધો છતાં પાકિસ્તાનમાં ભારતીય સામાનની આડેધડ ઘૂસણખોરી

સત્તાવાર રીતે સીધો વેપાર બંધ હોવા છતાં, ત્રીજા દેશોની મદદથી પાકિસ્તાન ભારતમાંથી કરોડોની આયાત કરી રહ્યું છે : ફાર્મા અને કૃષિ ક્ષેત્રે ભારત પર પાકિસ્તાનની મજબૂર નિર્ભરતા ઉજાગર

નવી દિલ્હી :   ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજકીય તણાવ ભલે ચરમસીમાએ હોય અને સરહદો પર સત્તાવાર વેપાર સંપૂર્ણપણે ઠપ હોય, પરંતુ વાસ્તવિકતા સાવ અલગ જ છે. તાજેતરના આંકડાઓ અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતમાંથી પાકિસ્તાનની આયાતમાં અદ્ભુત રીતે ૬૯% નો જંગી વધારો નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન પાકિસ્તાને આશરે રૂ. ૫,૮૭૬ કરોડ ની કિંમતની ભારતીય ચીજવસ્તુઓ ખરીદી છે, જ્યારે સામે પક્ષે પાકિસ્તાને ભારતમાં એક પણ વસ્તુની નિકાસ કરી નથી. આ આંકડાઓ સ્પષ્ટ સાબિતી આપે છે કે કાગળ પર ભલે દુશ્મનીના દાવા થતા હોય, પરંતુ પાકિસ્તાની અર્થવ્યવસ્થાની મૂળભૂત જરૂરિયાતો માટે ભારત પરની નિર્ભરતા અકબંધ છે.

ખાસ કરીને ૨૦૧૯ના પુલવામા હુમલો અને ૨૦૨૫માં પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે વાઘા-અટારી સરહદ સંપૂર્ણપણે બંધ કરી દીધી હતી અને પાકિસ્તાની માલ પર પ્રતિબંધ મૂક્યો હતો. જેના જવાબમાં મે ૨૦૨૫માં પાકિસ્તાને પણ તમામ વેપાર સ્થગિત કરી દીધો હતો. તેમ છતાં ભારતીય માલ પાકિસ્તાન કેવી રીતે પહોંચી રહ્યો છે? આનો ખુલાસો કરતા ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI) ના અહેવાલમાં જણાવ્યું છે કે પાકિસ્તાનમાં દવાઓ, ફાર્માસ્યુટિકલ કાચો માલ, રસાયણો, પ્લાસ્ટિક અને કૃષિ સાધનોની ભારે માંગ છે, જેને પહોંચી વળવા "ગ્રે-ઝોન વ્યૂહરચના" અપનાવવામાં આવી રહી છે.

આ અદ્રશ્ય ખેલ અંતર્ગત, ભારતમાંથી નિકાસ થતો માલ સીધો પાકિસ્તાન જવાને બદલે દુબઈ (સંયુક્ત આરબ અમીરાત), સિંગાપોર કે શ્રીલંકા જેવા ત્રીજા દેશોના બંદરો પર મોકલવામાં આવે છે. ત્યાં બોન્ડેડ વેરહાઉસમાં માલના પેકેજિંગ લેબલ અને દસ્તાવેજો બદલીને 'મૂળ દેશ' તરીકે ભારતને બદલે યુએઈ અથવા અન્ય દેશનું નામ દર્શાવવામાં આવે છે. આ રીતે તમામ કાનૂની પ્રતિબંધો અને સરકારી નિયંત્રણોને નેવે મૂકીને ભારતીય ઉત્પાદનો ગુપ્ત રીતે પાકિસ્તાનના બજારોમાં ધસારો કરી રહ્યા છે, જે પાકિસ્તાનના દ્વિમુખી ચહેરાને જગજાહેર કરે છે.

(6:01 PM IST)