<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

એક તરફ લગ્નની શરણાઈઃ બીજી તરફ થાળીના પૈસે તકરાર! અધવચ્‍ચે જ અટક્‍યાં લગ્ન

માત્ર ૨૦ વધારાની થાળીના ખર્ચને લઈને એવો વિવાદ થયો કે અંતે લગ્ન જ રદ કરવાની નોબત

સોલાપુર,તા.૨૮: મહારાષ્ટ્રના સોલાપુરમાં એક ભવ્‍ય લગ્ન સમારંભમાં માત્ર ૨૦ વધારાની થાળીના ખર્ચને લઈને એવો વિવાદ થયો કે અંતે લગ્ન જ રદ કરવાની નોબત આવી હતી. વરપક્ષ અને કન્‍યાપક્ષ વચ્‍ચે થયેલી ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણને કારણે ખુશીનો પ્રસંગ વિવાદમાં ફેરવાઈ ગયો હતો.

મળતી માહિતી અનુસાર, સોલાપુરમાં શાહી ઠાઠમાઠ સાથે લગ્ન સમારંભનું આયોજન કરવામાં આવ્‍યું હતું. લગ્નમાં જમણવાર દરમિયાન મહેમાનોની લાંબી લાઇન લાગી હતી. આ દરમિયાન કન્‍યાપક્ષના એક જવાબદાર વ્‍યક્‍તિએ વરપક્ષને ટોણો મારતાં કહ્યું હતું કે હવે વધારાની થાળીઓના પૈસા ચૂકવવા પડશે.

આ વાતને લઈને બંને પક્ષ વચ્‍ચે બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. વિવાદનું મુખ્‍ય કારણ ૨૦ વધારાના મહેમાનોના ભોજનનો ખર્ચ કોણ ચૂકવશે તે હતું. સામાન્‍ય લાગતી આ બાબતે ધીમે ધીમે મોટું સ્‍વરૂપ ધારણ કર્યું હતું અને લગ્નમંડપમાં જ બંને પક્ષ સામસામે આવી ગયા હતા.

જોતજોતામાં વિવાદ એટલો વધી ગયો કે રાત્રે શરૂ થયેલી બોલાચાલી વહેલી સવારે ચાર વાગ્‍યા સુધી ચાલી હતી. મામલો પોલીસ સુધી પહોંચતાં સંબંધિત વિસ્‍તારના પોલીસ અધિકારીઓ પોતાની ટીમ સાથે લગ્ન સ્‍થળે પહોંચ્‍યા હતા અને બંને પક્ષોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસે બંને પરિવારોને સમજાવ્‍યું હતું કે અહંકારના ટકરાવને કારણે શા માટે શુભ પ્રસંગ બગાડવો જોઈએ. જોકે, બંને પક્ષમાંથી કોઈ પોતાની વાત પરથી પાછળ હટવા તૈયાર નહોતું. ત્‍યારબાદ શહેરના સમાજસેવકો અને અન્‍ય અગ્રણી નાગરિકો પણ વિવાદનો ઉકેલ લાવવા માટે આગળ આવ્‍યા હતા.

એક સમાજસેવકે તો જમણવારનો સમગ્ર ખર્ચ પોતે ચૂકવવાની તૈયારી પણ દર્શાવી હતી. આમ છતાં બંને પરિવારો વચ્‍ચે સમાધાન થઈ શક્‍યું નહોતું. આખરે લગ્ન રદ કરવાનો નિર્ણય લેવાયો હતો અને વરરાજાની જાન કન્‍યાને લીધા વિના જ પાછી ફરી હતી.

માત્ર ૨૦ વધારાની થાળીના ખર્ચને લઈને લગ્ન જેવા પવિત્ર પ્રસંગનો અંત આવી જતાં આ ઘટના સમગ્ર સોલાપુર શહેરમાં ચર્ચાનો વિષય બની છે.

(3:06 PM IST)