<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

સુહાગરાત પર પતિએ દુલ્‍હનને પાંચ મિત્રોના હવાલે કરી દીધી

હેવાનિયતઃ દારુ પીને બધાએ હવસ મિટાવી : રાષ્‍ટ્રીય મીહલા આયોગે આ કેસમાં સંજ્ઞાન લેતા રાજ્‍યના ડીજીપીને તાત્‍કાલિક એકશન લેવા કહ્યું છે

હૈદરાબાદ,તા.૧૩: તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાંથી એક અત્‍યંત ગંભીર અને સંવેદનશીલ મામલો સામે આવ્‍યો છે. જ્‍યાં એક નવપરિણીત મહિલાએ પોતાના પતિ અને તેના મિત્રો પર સામૂહિક દુષ્‍કર્મનો આરોપ લગાવ્‍યો છે. આ ઘટના પર રાષ્ટ્રીય મહિલા આયોગે પણ સ્‍વતઃ સંજ્ઞાન લેતા રાજ્‍ય પોલીસ પાસેથી વિસ્‍તૃત રિપોર્ટ માગ્‍યો છે. આ ઘટના સામે આવ્‍યા બાદ સ્‍થાનિક પોલીસ-પ્રશાસનમાં પણ હડકંપ મચી ગયો છે. ચોંકાવનારી વાત એ છે કે આરોપી પતિએ સુહાગરાત પર પત્‍નીને મિત્રોની સામે પિરસી દીધી હતી.

રાષ્ટ્રીય મહિલા આયોગે હૈદરાબાદમાં એક મહિલા સાથે તેના પતિ અને તેના સાથીઓ દ્વારા કથિત સામૂહિક દુષ્‍કર્મના મામલામાં સ્‍વતઃ સંજ્ઞાન લીધું છે. એનસીડબ્‍લ્‍યૂના ચેરપર્સને તેલંગાણાના ડીજીપીને નિર્દેશ આપ્‍યા છે કે તેઓ સંબંધિત જોગવાઈ અંતર્ગત ફરિયાદ નોંધાવે, તમામ આરોપીઓની ધરપકડ કરે, તથા સમયસીમાની અંદર તપાસ પૂરી કરે અને પીડિતાને પૂરતી સુરક્ષાની ખાતરી કરે. આયોગે સાત દિવસની અંદર કરવામાં આવેલી કાર્યવાહીનો વિસ્‍તૃત રિપોર્ટ પણ માગ્‍યો છે.

શું છે મામલોઃ પોલીસના જણાવ્‍યા અનુસાર, ૨૨ વર્ષીય પીડિતાએ હાલમાં જ ફરિયાદ નોંધાવી, જેમાં તેણે જણાવ્‍યું કે, આ ઘટના તેના લગ્નની રાતે થઈ હતી. મહિલાનો આરોપ છે કે ૨૮ જુલાઈ ૨૦૨૫ના રોજ તેણે આંધ્ર પ્રદેશના નેલ્‍લોર જિલ્‍લાના એક ૨૮ વર્ષીય વ્‍યક્‍તિ સાથે કુકટપલ્‍લીની સબ રજિસ્‍ટ્રાર કાર્યાલયમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંને બેગમપેટમાં એક ભાડાના મકાનમાં રહેવા લાગ્‍યા. પીડિતાએ આરોપ લગાવ્‍યો કે લગ્નની રાતે તેના પતિએ પોતાના પાંચ મિત્રોને બોલાવ્‍યા, જ્‍યાં બધાએ દારુ પીધો અને મને પણ બળજબરીથી દારુ પીવડાવ્‍યો. મહિલાના જણાવ્‍યા અનુસાર, જ્‍યારે તે બેભાન થઈ ગઈ, ત્‍યારે તેના પતિ અને તેના મિત્રોએ તેની સાથે ગેંગરેપ કર્યો.

ફરિયાદના આધાર પર બેગમપેટ પોલીસ સ્‍ટેશનમાં ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. કહેવાય છે કે હાલમાં તમામ આરોપી ફરાર છે અને તેમને શોધવામાં આવી રહ્યા છે. આ અગાઉ પીડિતાએ કુકટપલ્‍લી સ્‍ટેશનનો સંપર્ક કર્યો હતો, પણ ઘટનાનું સ્‍થાન બેગમપેટ વિસ્‍તારમાં હોવાના કારણે કેસ ત્‍યાં ટ્રાન્‍સફર કરી દીધો. પીડિતા કુકટપલ્‍લીમાં પોતાની વિધવા મા અને નાની બહેન સાથે રહે છે. પોલીસનું કહેવું છે કે મામલાની ગંભીરતા જોતા તમામ પાસાઓની તપાસ થઈ રહી છે અને ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવશે.

(9:55 AM IST)